ભાગ · અધ્યાય ૧૧૪–૧૧૫

અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા વિધિ

આ અધ્યાય 114–115 સંયુક્ત છે

પાર્વતી કહે : હે મહાદેવ, હવે મને પૂજા વિધિ કહો. શંકર કહે : જગતના કલ્યાણ માટે તે પ્રશ્ન સારો પૂછ્યો. પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ મુક્તપતિ અક્ષરપતિ એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ જે સર્વેના હૃદયમાં રહ્યા છે તેનો મહિમા કોઇ વર્ણવી શકે તેમ નથી. તેવા શ્રીહરિનું ધ્યાન કરવું. તે પ્રભુના ચિહ્નો શંખ, ચક્ર, ગદા, પદ્મ શરીરમાં ધારણ કરવા. ઉર્ધ્વપુંડ્ર, તિલક, ચાંદલો ધારણ કરવા. તેના મંત્રોનો જપ કરવો, તેની પૂજા- અર્ચના ભક્તિ કરવી, કિર્તન કરવા, નામસ્મરણ કરવું, કથા શ્રવણ ભક્તિ કરવી, એકાદશી વગેરે વ્રતો કરવા, મંદિર વાળવું લીંપવું, મંદિરની સર્વે સેવા કરવી, સાધુ-બ્રાહ્મણ, વૈષ્ણવ ભક્તોને માનવા, પૂજવા. ભગવાનના ભક્તને કંકુનો ચાંદલો ન હોય તો પિતૃઓ પણ શ્રાદ્ધમાંથી પાછા ચાલ્યા જાય છે. સ્નાન, સંધ્યા, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, યજ્ઞ, પિતૃક્રિયા, સર્વે ઉર્ધ્વપુંડ્ર, તિલક વિના નિષ્ફળ થાય છે. તેથી સર્વે સત્કાર્યો ભગવાનના ચિહ્નો ધારણ કરી કરવા.

શંકર કહે : હે પાર્વતી, તે તિલક કેશર-ચંદન કરવું. અથવા ગંગા-ગોમતી વગેરે તીર્થની માટીનું કરવું. અથવા પ્રભુની પ્રસાદી પીળી માટી, ધોળી માટીથી કરવું. અથવા પ્રભુની જન્મભૂમિ કુંકુમવાપીની માટીનું તિલક કરવું. અથવા બિલ્વ પીપળો, તુલસી, વડલો, આંબલી, દેવ-દારૂ, ઉમરો વગેરે પવિત્ર વૃક્ષોની માટીનું તિલક કરવું. તે તિલક જેના લલાટમાં હોય તે નારાયણનું મંદિર છે. તે તિલક પ્રભુનું ચરણ છે. તેની મધ્યે ચાંદલો તે લક્ષ્મીજી છે.