ભાગ · અધ્યાય ૪૫૨

વેદરથ વિપ્રની પુત્રી શારદાને ઉમા-મહેશ્વરનું વ્રત કરવાથી ગર્ભ રહ્યો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પતિદેવ, ગુરુદેવ, શિવદેવ, આ ત્રણ દેવની જેણે પૂજા કરી તેને દુ:ખ હોય તો પણ સુખ થાય. ખોટું હોય તો પણ સાચું થાય. વ્યંધ્યાપણું હોય તો પુત્ર થાય. દુર્ભાગ્ય હોય તો ભાગ્યવાન થાય. વિધવાપણું થવાનું હોય તો તે ન થાય. સૌરાષ્ટ્રમાં ચમત્કારપુરમાં વેદરથ વિપ્રને શારદા નામે કન્યા હતી. જન્મથી જ શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતી. લોકો આશ્ચર્ય પામીને સતીને વંદન કરતા. શારદા માતા- પિતાને વંદન કરી શિવપૂજા કરી સેવા કરતી. બાર વર્ષની થતા માતા-પિતાએ પદ્મનાભ વિપ્ર સાથે શારદાના લગ્ન કર્યા. પદ્મનાભ નદીએ સાંજે સંધ્યા કરવા ગયો ત્યાં સર્પ કરડ્યો. તેનું મૃત્યુ થયું. શારદા તેના માતા-પિતા ભાઈઓ દુ:ખી પામ્યા પછી શારદા પિતાને ઘરે રહીને શ્રીકૃષ્ણનારાયણને પતિ માની જપ તપ ભજન કરતી.

એકવાર વૃદ્ધ અંધ સાધુ તેને ત્યાં આવ્યા. શારદાએ આસન આપી પૂજન કરી ભોજન આપ્યું. તૃપ્તિ પામેલા સાધુએ આશિર્વાદ આપ્યા. પતિ સુખ પામીને ગુણિયલ પુત્રી થઈને કૃષ્ણની કૃપાવાળી થા. શારદા કહે, પથ્થર પણ પાણી જેમ નિષ્ફળ જાય. તેમ પતિ વિનાની હું તમારો આશિર્વાદ નિષ્ફળ જશે ? સાધુ કહે, પુત્રી સંતના વચનમાં શ્રીહરિ રહેલા છે. શિવની પ્રેરણાથી હું આવેલો છું. માતા-પિતા સંતની સેવા કરનારી દુ:ખી થતી નથી. જા તું સૌભાગ્યવાળી થઈશ. એમ આશિર્વાદ આપી ઉમા મહેશ્વર વ્રત કરવાનું કહ્યું. માગશર અથવા ચૈત્ર સુદ આઠમ અથવા ચૌદશ પૂનમે પાર્વતીનું ષોડ્શોપચારથી પૂજન કરી. નૈવેદ્ય, આરતી, સ્તુતિ, જપ, તપ કરી પ્રસન્ન કરવા. પછી શિવ-પાર્વતીની મૂર્તિ દાનમાં આપવી. સાધુ બ્રાહ્મણોને ગૌદાન કરવું. રૂદ્ર અધ્યાયનો પાઠ કરવો. તે રીતે વ્રત કરવાથી શિવ-પાર્વતી પ્રસન્ન થશે.

સાધુ શારદાને કહે, તું પૂર્વે જન્મમાં દ્રાવિડ દેશમાં વિપ્ર પત્ની હતી. તારા પતિને બે પત્નીઓ હતી તું નાની હતી. તારો પતિ મોહ પામીને તને સેવતો. મોટીની સેવા ગ્રહણ ન કરતો. તે મોટીને પતિસુખ ન લેવા દીધું. તેથી આ જન્મે તને વૈધવ્ય આવ્યું છે. પણ તું કૃષ્ણભક્તિ કરે છે. તેથી પૂર્વજન્મનો તારો પતિ તને સ્વપ્નમાં રતિસુખ આપશે. તેથી તને વિષ્ણુતુલ્ય પુત્ર થશે. એમ શંકરે આશિર્વાદ આપ્યા. ત્યાં તેનો પૂર્વજન્મનો પતિ આવ્યો. સૌભાગ્યચિહ્ન સિંદૂર, ચાંદલો, કાજલ વગેરે કરી પુષ્પમાળા પહેરાવી. પછી શંકર આશિર્વાદ આપી અદૃશ્ય થયા. તેનો પૂર્વજન્મનો પતિ પણ અદૃશ્ય થયો. શારદાની સેવાભક્તિથી વશ થયેલા શ્રીકૃષ્ણનારાયણ ભગવાન રોજ રાત્રે શારદાના પતિનું રૂપ લઈ આવતા અને શારદાને રતિસુખ આપતા. તે રીતે શંકર ભગવાનના આશિર્વાદથી શારદાને ગર્ભ રહ્યો. પરંતુ અજ્ઞાની મનુષ્યો કહેવા લાગ્યા કે આ શારદા બ્રાહ્મણી વ્યભિચારીણી છે. વિપ્ર જ્ઞાતિ ભેગા મળ્યા. શારદાના માતાપિતાને પૂછ્યું. ગર્ભ કેમ રહ્યો ? માતા-પિતા એ કહ્યું, પૂર્વજન્મના પતિથી ગર્ભ રહ્યો છે. ત્યારે જ્ઞાતિ વિપ્રોએ ન માન્યુ અને મશ્કરી કરી પછી સર્વે પંડિતોની સભા બોલાવી તેમાં શ્રીકૃષ્ણ ભગવાન તથા શંકરભગવાન પણ પંડિત વેશે સભામાં આવ્યા. એક વિપ્ર બોલ્યો શારદાએ એવું કામ કર્યું. માટે તેનું મુંડન કરી નાક કાન કાપી લ્યો. પંડિતરૂપે રહેલા શ્રીકૃષ્ણભગવાન કહે, આ શારદાએ ઉમા મહેશ્વરનું વ્રત કર્યું છે. તેથી તેને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે.

બીજો વિપ્ર કહે, સ્વપ્નમાં ગર્ભ ન રહે જ્યાં એમ બોલ્યો ત્યાં તેની જીભ કપાઇ ગઇ. પછી સભામાં ભયથી કોઇ કાંઇ બોલ્યા નહીં. ત્યારે પંડિતરૂપે રહેલા શંકરભગવાન કહે દેવની આ ગતિ છે. શ્રીકૃષ્ણની આ માયામય સૃષ્ટિમાં શું થાય શું ન થાય ? તે કોઇ કહી શકતું નથી. વિભાંડક ઋષિનો ધાતું પાણીમાં પડ્યો. તે મૃગલીએ પીધું તેના ઋષિ સ્પર્શશૃંગ થયા. સત્યવતી માછલીમાં થઈ આશિર્વાદના ફળથી ગર્ભ રહ્યો. ઋષિના શાપથી સાંબને સાંબેલું જન્મ્યું. ગૌતમના શાપથી અહલ્યા પથ્થર થઈ પછી રામસ્પર્શથી યુવતી થઈ. સમુદ્રમાંથી લક્ષ્મી પ્રગટ થયા. પૃથ્વીમાંથી સીતા થયા એ રીતે અનેક દૃષ્ટાંતો આપી શંકરભગવાને શારદાને સભામાં નિષ્પાપ જાહેર કરી પછી સભામાં સર્વને શ્રીહરિએ દિવ્ય દર્શન આપ્યા.