કાળનેમીની પુત્રી વૃંદા અને રૂદ્રના અંશ જાલંધરના વિવાહ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મારી પ્રસન્નતામાં મારી કૃપા જ કારણ છે. પુરુષોત્તમ માસ વિના બીજા માસમાં ભક્તિથી તુલસીપત્ર સો હજાર લાખથી મારી પૂજા કરે તેની પર હું પ્રસન્ન થાઉં છું. લક્ષ્મી કહે : પ્રભુ તમો તુલસીને વધારે કેમ માનો છો ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી સાંભળો, ગોલોકમાં મારી હજારો પત્નીઓમાં રાધા સમાન વૃંદા હતી. એક સમયે રાધા સાથે રમતા મને જોઇને ઇર્ષ્યાથી મને ન કહી શકી. મેં બોલાવી તો પણ આવી નહીં તેથી મને સંકલ્પ થયો તું ધામમાં સેવા કરવા યોગ્ય નથી. તેથી તે પૃથ્વી પર જન્મ ધારણ કરી કાળનેમી દૈત્યની પુત્રી વૃંદા થઇ. એક વખત શંકર વસ્ત્ર વિના વનમાં ફરતા હતા. શિવરાત્રિનો દિવસ જાણી બૃહસ્પતિ અને ઇન્દ્ર શંકરના દર્શને આવ્યા. શંકર પરીક્ષા કરવા માર્ગમાં ઊભા. ઇન્દ્ર નગ્ન જટાવાળા જોગીને કહે : માર્ગ રોકીને કેમ ઊભો છો. અમને જવા દે. શંકરે કાંઈ જવાબ ન આપ્યો. ઇન્દ્રે વારંવાર પૂછવા છતાં શંકર મૌન રહ્યા. ત્યારે ઇન્દ્રએ ક્રોધ કરી વજ્ર ઉગામ્યું. તિરસ્કાર કરીને કહે - મૂંઢ, પૂછવા છતાં જવાબ નથી આપતો. એમ કહીં જ્યાં મારવા ગયો ત્યાં શંકરે જડ જેવો કરી દીધો અને વિકરાળ સ્વરૂપ બતાવ્યું. ત્યાં બૃહસ્પતિ જાણી ગયા. આ પોતે શંકર છે. સ્તુતિ કરી. હે ત્રિલોચન દીગંબર વિકરાળરૂપે, શાંતરૂપે રહેલા તમને નમસ્કાર. એમ કહી બૃહસ્પતિ શંકરને પગે લાગી કહે : ક્રોધ શાંત કરો. ઇન્દ્ર ઉપર કૃપા કરો.
શંકર કહે : ઇન્દ્રને જીવતદાન આપું છું. પછી બૃહસ્પતિ અને ઇન્દ્રે શંકરની પૂજા કરી. પછી શંકરના લલાટમાં ક્રોધરૂપે રહેલા પરસેવાના ટીપાંને હાથમાં લઇ સમુદ્રમાં ફેંક્યું. તરત બાળકરૂપ ધારણ કરી સમુદ્રમાં જોરથી હસવા લાગ્યો. દિશાઓ ગજાવી મૂકી. પૃથ્વી કંપવા લાગી. સર્વે લોક ત્રાસ પામ્યા. દેવો ભય પામ્યા. આવ્યા બ્રહ્મા પાસે કોઇક અસુર બ્રહ્માંડને ભાંગવા આવ્યો છે. બ્રહ્માદિદેવોએ તપાસ કરતા સમુદ્ર પાસે આવ્યા. સમુદ્રે સર્વેનો સત્કાર કર્યો. બ્રહ્મા સમુદ્રને કહે : આ કોનો બાળક છે. હસવાથી જ બધાને ત્રાસ આપે છે. સમુદ્ર કહે : શંકરનો પુત્ર છે, ત્યાં તો બાળકે દોડીને બ્રહ્માની ડોક પકડીને ધુણાવી. નેત્રમાં પાણી લાવી દીધા. સમુદ્રે બાળકને ખેંચી લીધો. પાણીના આધારે રહ્યો. તેથી તેનું નામ જાલંધર પડ્યું. બ્રહ્મા કહે : શંકરનો પુત્ર હોવાથી રુદ્ર જેવો પરાક્રમી થશે. શસ્ત્ર, અસ્ત્ર શાસ્ત્રનો જાણકાર થશે. દૈત્યનો રાજા થશે. રુદ્ર વિના કોઇથી નહીં મરે, અને કૃષ્ણપત્ની વૃંદા અત્યારે કાળનેમીની પુત્રી થઇ છે. તે જાલંધરની પત્ની થશે. એમ કહીને બ્રહ્માદિદેવો ગયા. સમુદ્રે શુક્રાચાર્યને બોલાવી જાલંધરનો ગાદી અભિષેક કર્યો. કાલનેમીને બોલાવીને તેની પુત્રી વૃંદાની માગણી કરી તે બંનેનાં લગ્ન ધામધુમથી થયાં.