રૈવત રાજાની પુત્રી રેવતીના બળદેવ સાથે વિવાહ
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, અનંત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે પ્રભુ જેવો પતિ મળે છે. કશ્યપના પુત્ર અનંત નામે શેષનારાયણને તેની પત્ની પતિવ્રતા નાગલક્ષ્મી તેણે પતિને કહ્યું, તમારે વિષ્ણુ ભગવાન સાથે પૃથ્વી ઉપર જવાનું થાય ત્યારે મારે સાથે આવવું છે. તે શેષનારાયણ જ્યારે બળદેવ થયા ત્યારે તેની પત્નીએ ચાક્ષુસ રાજાને ત્યાં યજ્ઞકુંડમાં પ્રગટ થયા. યુવાન થતા રાજાએ ઈન્દ્રને પૂછ્યું, આ કન્યા કોને આપુ ? ઈન્દ્ર કહે, બળવાળા વાયુને આપ. રાજાએ વાયુને બોલાવ્યો. પવનદેવ કહે, મારાથી બળવાન પર્વતો છે. રાજાએ પર્વતોને બોલાવ્યા. પર્વતો કહે, અમારાથી પૃથ્વી બળવાન છે. રાજાએ પૃથ્વીને કહ્યું કન્યા કેને આપું. પૃથ્વી કહે, વિષ્ણુના અંશ સંકષર્ણ છે. શેષ નારાયણ છે તે સર્વથી બળવાન છે. જેના મસ્તક પર આ ચૌદલોકનું બ્રહ્માંડ રહેલું છે.
રાજાએ પુત્રીને કહ્યું, બેટા એવો પતિ જોઇતો હોય તો તપ કરવું પડે. સાક્ષુસ રાજાની કન્યા જ્યોતિષ્મનીએ વિંધ્યાચળમાં લાખ વર્ષ તપ કર્યું. ઉનાળામાં પંચાગ્નિ તાપે, ચોમાસામાં વર્ષાધારે, શિયાળામાં કંઠ સુધી પાણીમાં બેસે એવું તપ કર્યું. ત્યાં સર્વે દેવો આવ્યા. પરીક્ષા કરી. સૂર્ય કહે, મારી પત્ની થા. બ્રહ્માંડમાં પ્રકાશ કર. યમ કહે, મારી પત્ની થા. કાળદંડ આપું. કુબેર કહે, મારી પત્ની થા ધનભંડાર આપું. ચંદ્ર કહે, મારી પત્ની થા નક્ષત્રોની ગણનાપાત્ર થા. એવી રીતે સર્વેદેવોએ પ્રલોભના આપ્યા. કન્યા કહે, હું અનંત શેષનારાયણની પત્ની છું. તે પૃથ્વી ઉપર પ્રગટ થવાના છે. તેની પત્ની થઈશ. હે દેવો તમે સર્વે મારે પૂજ્ય છો. આવી અયોગ્ય કેમ માંગણી કરો છો. પછી દેવો સર્વે ગયા. કન્યા રામકૃષ્ણ જપ કરતી તપમાં બેસી ગઇ. બ્રહ્મા હંસ પર બેસી આવ્યા અને કહે, બેટા શું ઈચ્છે છે. કન્યા કહે, શેષનારાયણ મારા પતિ થાય. બ્રહ્મા કહે, સતાવીસના દ્વાપરને અંતે કૃષ્ણ પ્રભુ પ્રગટ થશે. સાથે શેષનારાયણ બળદેવ નામથી થશે ત્યારે તને પ્રાપ્ત થશે. તેથી તું રૈવતરાજાને ત્યાં જન્મ ધારણ કરી રેવતી નામે થા. નાગલક્ષ્મી રેવતી થયા. તેને બળદેવ પરણ્યા.