ભાગ · અધ્યાય ૨૧૭

શ્રીકૃષ્ણના મણિથી આનર્તરાજા દ્વારા સૌરાષ્ટ્રની સ્થાપના

લક્ષ્મી પૂછે : પ્રભુ, દ્વાપરમાં આનર્તરાજાએ તપ કરી શ્રીકૃષ્ણ પ્રભુને સૌરાષ્ટ્રમાં સદા વાસ કરાવ્યો તે તીર્થની કથા કહો. શ્રીનારાયણ કહે : પશ્ચિમ સમુદ્ર કાંઠે કુશસ્થલીનો શર્યાતીરાજા હતો. પિતાએ રાજ્યના ભાગ પાડ્યા. પુત્ર આનર્ત તેણે રાજ્યભાગ ગ્રહણ ન કર્યો અને કહ્યું : મને રાજ્ય કરવું ગમતું નથી, મને તો પરમાત્માની ભક્તિ કરવી ગમે છે. મનુષ્ય જન્મ કેવળ મોક્ષને માટે જ મળે છે. માટે હું તો તપભક્તિ કરીશ. એમ કહી સમુદ્ર કાંઠે તપ કરવા બેસી ગયો. કૃષ્ણ પ્રભુ પ્રસન્ન થયા. ભક્ત શું ઈચ્છા છે ? આનર્ત પ્રભુને પગે લાગી પ્રદક્ષિણા કરી કહે : પ્રભુ તમારા ગોલોક ધામમાં લઇ જાઓ. મને તૃષ્ણા નથી. શરીરમાં વાસના નથી. તમારા ચરણની સેવા વિના કાંઇ ઈચ્છા નથી. પ્રભુ કહે : ભક્ત તારા માટે નહીં પણ મારા માટે અને અનેકના કલ્યાણને માટે મારે તને મહાન રાજ્ય આપવું છે. ચાલ મારી સાથે હું તને દિવ્ય ભૂમિ આપું. એમ કહી શ્રીકૃષ્ણ આનર્ત ભક્તને ગોલોક ધામમાં લઇ ગયા અને દિવ્ય મણિ આપીને કહ્યું. જ્યાં તે તપ કર્યું ત્યાં પશ્ચિમ સમુદ્રકાંઠે મુકજે. આનર્ત ભક્તે તે મણિને ત્યાં સ્થાપ્યો. ત્યાં વિશળતાને પામીને સો યોજનના વિસ્તારવાળો પ્રદેશ થયો. આનર્ત ભક્ત લાવ્યો તેથી આનર્તદેશ (સૌરાષ્ટ્ર) કહેવાયો. તેનો રાજા આનર્ત થયો. તે પૂજા કરતો હતો : ત્યારે શ્રીકૃષ્ણે દર્શન દઇને કહ્યું. દ્વાપરને અંતે હું જન્મ ધારણ કરીશ ત્યારે અહીં સૌરાષ્ટ્રમાં વાસ કરીશ. પછી જ્યારે શ્રીકૃષ્ણ સંકર્ષણ સાથે પૃથ્વી પર આવ્યા ત્યારે વિશ્વકર્મા પાસે દ્વારિકાની રચના કરાવીને ત્યાં વાસ કર્યો તેથી તે ભૂમિ તીર્થમય બની.