ભાગ · અધ્યાય ૫૫૭

કલહંસ - કલ્માષપાદ તીર્થ ❖ ધર્મદેવ દ્વારા અનેક ઋષિઓની મુક્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તાપી અને નર્મદાનો સંગમ જ્યાં થયેલો છે ત્યાં પૂર્વ કલહંસમુનિ તપ કરતા હતા. ત્યાં ઈન્દ્રે આવીને કહ્યું, વરદાન માંગો. મુનિ કહે, શિવ ભક્તિ વિના બીજું કાંઇ નથી જોઇતું. ઈન્દ્ર કહે, તથાસ્તુ. ત્યાં શંકર પ્રસન્ન થયા. મુનિ કહે, અહીં જે દેહત્યાગ કરે તેનો મોક્ષ થાય. શંકર કહે, તથાસ્તુ. તે કલહંસ તીર્થ થયેલું છે. ત્યાં એક રકર્તેદ્વમાં ભીલ આવ્યો. નિત્ય નર્મદામાં નાહી શંકરને નવરાવતો. ફળફુલ ખાઇ નિર્વાહ કરતો. એક દિવસ શંકરની મૂર્તિમાં ત્રીજુ નેત્ર ન જોયું. તેથી કોઇ ચોરી ગયું હશે એમ માની બાણથી પોતે પોતાની એક આંખ કાંઢી શંકરને ચોડી દીધી. શરીરમાં કંપ પીડા કંઈ ન થયું. શંકર પ્રસન્ન થઈને કહ્યું, ભક્ત, વરદાન માંગ. ભીલ ભક્ત કહે, સર્વ ભીલ, પશુ, પક્ષી, દેહધારી સર્વની મુક્તિ થાવ. શંકર કહે, તથાસ્તું. તે પ્રમાણે અહીં સર્વેની મુક્તિ થઇ.

પૂર્વે મથુરાનો રાજા કલ્માષપાદ હતો. તેનું વિમાન આકાશમાં ઊચે જતું ન હતું પણ સાકેત નગરીના રાજા નાભાગનું વિમાન આકાશમાં ઊચે જતું હતું. તેથી કલ્માષપાદ રાજાએ શંકરને પૂછ્યું, મેં ઘણા યજ્ઞો કર્યા છતાં મારું વિમાન નીચું કેમ છે ? શંકર કહે : નાભાગ રાજાએ રેવા નદી કાંઠે લક્ષ મેઘ તીર્થ છે ત્યાં એક વૈષ્ણવ યજ્ઞ કર્યો હતો તેના પુણ્યથી વિમાન ઊચુ જાય છે. શિવનું વચન સાંભળી કલ્માષપાદ રાજાએ ત્યાં દશ યજ્ઞો કર્યા. વૈષ્ણવ, રૂદ્ર, અશ્વમેઘ, વાજ્યપેય, વિશ્વજીની, પુંડરીક, નરમેઘ, ગોમેઘ વગેરે યજ્ઞો કર્યા. રેવા નદી કાંઠે કર્યા અને લક્ષ્મીનારાયણ સંહિતાનો જ્ઞાન યજ્ઞ પણ કર્યો. તે પુણ્ય પ્રતાપે તેનું વિમાન સર્વલોકથી પર સત્ય લોકમાં થઈને વૈકુંઠમાં ગયું. લક્ષ્મીનારાયણ ભગવાને પ્રસન્ન થઇ રાજાને દિવ્યમાળા કંઠમાં પહેરાવી. તે પ્રતાપે તે રાજા વૈકુંઠમાં જતો આવતો એવો સમર્થ થયો. તે કલ્માષપાદ તીર્થ થયું.

નર્મદા કાંઠે અધમર્ષઋષી તપ કરતા હતા ત્યાં ધર્મ વૈશ્યરૂપે આવ્યા. ઋષિએ મૃગચર્મ, આસન, વગેરે આપ્યા. તે સર્વ ઋષિઓની સાથે તપ કરતા. તેથી વિષ્ણુ પ્રસન્ન થયા અને ધર્મરૂપ વૈશ્યને કહે, ચાલો વિષ્ણુલોકમાં. ધર્મ કહે, પ્રભુ મારી સાથે આ દશ હજાર ઋષિઓ તપ કરે છે તેને પણ ધામમાં સાથે લઈ જાવ. ત્યારે બીજા સર્વે તપસ્વીઓ ધર્મરૂપ વૈશ્યનો તિરસ્કાર કરીને કહેવા લાગ્યા કે, તારા કહેવાથી અમે વિષ્ણુલોક નહીં જઈએ તું તો વૈશ્ય છો વિપ્ર નથી. તું શું તપ કરી જાણે, તું તો ખેતી કરી જાણે, માટે જા ખેતી કર.

બ્રાહ્મણોએ ક્રોધથી આમ કહ્યું ત્યારે વૈશ્યરૂપે રહેલા ધર્મદેવ કહે, ક્રોધ ન કરવો અને શાંતપણે રહેવું. આ બ્રાહ્મણોનો પરમશ્રેષ્ટ ધર્મ છે. અહંતા મમતા અને ક્રોધયુક્ત હોય તે નથી બ્રાહ્મણ કે નથી બ્રહ્મ. તેનું તપ શ્રાદ્ધ સર્વે નિષ્ફળ જાય છે. જાતિનો નિર્ણય તે દેવતાઓ પણ કરી શકતા નથી. બ્રાહ્મણ સમાન આચાર કરનારા વૈશ્યને બ્રાહ્મણ કહેવાય છે. ક્રૂર, ધ્યાન વિનાનો, કૃતઘ્ની લાંબી કોપીનવાળા બ્રાહ્મણના કર્મથી રહિત હોય તેને વૈશ્ય કહેવાય છે, તે સાંભળી સર્વ બ્રાહ્મણો કહે, તમે કોણ છો ? વૈશ્યરૂપે રહેલા ધર્મદેવ કહે, હું ધર્મ છું. તમારી પરીક્ષા કરવા આવ્યો હતો. માટે અહંમતાનો ત્યાગ કરી પરમેશ્વરને ભજો તો બ્રહ્મવ્રતથી મુક્તિમાં જાશો. ધર્મદેવનું આવું વચન સાંભળીને સર્વ બ્રાહ્મણોએ ધર્મની પૂજા કરી ક્ષમા માંગીને નિર્દોષ થયા. ત્યાં દિવ્ય વિમાનો આવ્યા. તેમાં બેસી સૌ વૈકુંઠમાં ગયા. તે ઉત્તમ તીર્થ થયેલું છે. તેમાં સ્નાનદાન કરનાર યજ્ઞ ફળને પ્રાપ્ત કરી ધન, સ્ત્રી, પુત્રને પ્રાપ્ત કરે છે.