ભાગ · અધ્યાય ૨૭૪

નવમીની તિથીએ કોનું પૂજન કરવું ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર નવમીએ રામજન્મ ઉત્સવ, આરતી કરવા. ષોડ્શોપચારથી પૂજન કરી નૈવેદ્ય ધરવું તથા ધર્મભક્તિથી પ્રગટ થયેલા હરિકૃષ્ણ શ્રીહરિનો જન્મોત્સવ કરી આરતી કરવી. નૈવેદ્ય, પંજરી ધરવી. વૈશાખ નવમી પુત્ર સંપત્તિ સૌભાગ્યને માટે રમા શ્રીહરિનું પૂજન કરવું. જેઠ નવમીએ ઉમાવ્રત કરી કુમારીઓને જમાડવી. અષાઢ નવમીએ ઇન્દ્રાણીની પૂજા કરવી. શ્રાવણ નવમીએ દુ:ખને હરનારા લક્ષ્મીનું પૂજન કરવું. ભાદરવા નવમીએ દુર્ગા પૂજા કરવી. આશ્વિન નવમીએ મહાલક્ષ્મી દુર્ગાની પૂજા કરવી. બપોર પછી શમી પૂજન કરી, પ્રભુના આયુધોનું પૂજન કરવું. કાર્તિક નવમીએ પિપળા નીચે પિતૃતર્પણ કરવું. સૂર્યને અર્ધ્ય આપી સાધુ બ્રાહ્મણોને જમાડવા. માગશર નવમીએ નંદાલક્ષ્મીની પૂજા કરવી.. પોષ નવમીએ મહાલક્ષ્મીનું પૂજન કરવું. માઘ નવમીએ નંદાલક્ષ્મીનું પૂજન કરવું. ફાગણ નવમીએ આંનદલક્ષ્મીનું પૂજન કરવું. સુપાત્રને દાન આપવું. દયાવાળા, જીતેન્દ્રિય શાસ્ત્ર ભણેલા, ભક્તિવાળા બ્રહ્મનિષ્ટ સાધુને, ભક્તોને, બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપવા. ભીક્ષુક કરતા બ્રાહ્મણને દાન આપવાથી બેગણું ફળ મળે છે. આચાર્યને આપવાથી હજારગણું, સાધુને આપવાથી અનંતગણું ફળ થાય છે. બાળકો ભોજનપાત્ર છે. નારીઓ શ્રૃંગારપાત્ર છે. યુવાન કર્મપાત્ર છે. વૃદ્ધ સેવાપાત્ર છે. સંત પૂજનપાત્ર છે. ભીક્ષુક અન્નપાત્ર છે. દુ:ખી દયાપાત્ર છે. સત્યપાત્ર ઉત્તમ પુરુષો છે. શરણે આવેલા રક્ષાને પાત્ર છે. દાનવાળા સ્વર્ગ પાત્ર છે. સંતોષી સુખપાત્ર છે.