ભાગ · અધ્યાય ૨૫૩

અષાઢ સુદની દેવશયની એકાદશી - ભક્ત બલીરાજાની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અષાઢ સુદ દેવશયની એકાદશીની કથા વ્રતવિધિ કહું. સવારે જાગી શ્રીહરિનું ધ્યાન કરીને પંચામૃતથી કમલા સહિત વામન પ્રભુને સ્નાન કરાવવું. પછી વસ્ત્ર આભૂષણો ધારણ કરાવી નૈવેધ અર્પણ કરી આરતી દંડવત્ સ્તુતિ નમસ્કાર કરવા.

પૂર્વે ત્રેતાયુગમાં દૈત્ય ભક્ત બલીરાજા વ્રત અને મારી ભક્તિથી ત્રિલોકીનો રાજા થયો. ઇન્દ્રાદિ દેવોનું બળ ઘટી ગયું. ઇન્દ્ર, બ્રહ્મા, શંકર, વિષ્ણુને કહે : તમે બલીરાજા યજ્ઞ કરે છે. તેની પાસેથી ત્રિલોકી દાનમાં માગી લ્યો. ત્યારે મેં વામન અવતાર ધારણ કરી બલી પાસે ત્રણ પગલાં પૃથ્વી માગી. શુક્રાચાર્યે ના પાડી. છતાં બલીએ આપી ત્યારે મેં વામનમાંથી વૈરાટ સ્વરૂપ ધારણ કરી એક પગલામાં પૃથ્વીને લીધી, બીજે પગલે સ્વર્ગ, ત્રીજું પગલું બલીની પીઠ પર મૂકી તેને પાતાલનું રાજ્ય આપ્યું. ત્યારે બલીએ માગ્યું - પ્રભુ મારે ત્યાં સદા વાસ કરો. ત્યારે મેં બે સ્વરૂપ ધારણ કરી એક રૂપે બલીને ત્યાં રહ્યો. બીજે સ્વરૂપે ક્ષીર સમુદ્રમાં શેષશય્યામાં સૂતો. તે દિવસ અષાઢ સુદ એકાદશી હોવાથી દેવશયની એકાદશી નામે પ્રસિદ્ધ થઇ. કાર્તિક એકાદશીથી પ્રબોધિની સુધી ચાતુર્માસ પર્યંતનું ભુક્તિ-મુક્તિ આપનારું તપ કહેલું છે. દેવશયની એકાદશીએ બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું પૂજન કરી ભગવાન પાસે ગુરુ પાસે, સાધુ-સાધ્વી પાસે શરીરના, મનનાં, ઇન્દ્રિયોના નિયમન માટે પ્રભુની પ્રસન્નતા માટે, ભક્તિના, તપના, સેવાના, વ્રતના, નિયમો ગ્રહણ કરવા. ચાતુર્માસમાં ફલાહાર, દૂધપાન, એકટાણું કરવું. અન્ન - શાક ન ખાવું, ઘી ન ખાવું, દહીં ન ખાવું, શાકાહાર ગોળ-સાકરનો ત્યાગ, ધારણા - પારણા, મૌન, નામ, મંત્ર જપ કરવા. માયીકપંચ વિષય ગ્રહણ ન કરવા. ત્રણ વાર સ્નાન કરવું. પાંચ વાર પૂજા કરવી. ધ્યાન કરવું. મૂર્તિની ધારણા કરવી તે મહાન તપ કહેલું છે. ચાતુર્માસમાં દેવસેવા, સંતસેવા, પિતૃસેવા, પતિ સેવા, મહાવ્રત કહેલા છે. માયાના સર્વે દુર્ગુણોનો ત્યાગ તે મહાવ્રત છે. હર્ષ, શોક, રાગદ્વેષથી રહિત થવું તે છે, તથા અનેક પ્રકારના દાન આપી નવધાભક્તિ વિશેષ કરવી.