ભાગ · અધ્યાય ૫૪૧

શિકારી તપ કરી વિદ્વાન સત્યતપાના નામથી પ્રસિદ્ધ થયો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે નાગમતી નદી કાંઠે આરૂણીઋષિ તપ કરતા હતા ત્યાં એક શિકારી આવ્યો અને બાણ ચડાવ્યું. ઋષિએ તપોબળથી જાણી શિકારીને કહ્યું, તેં આટલી બધી હિંસા કરી, હજુ બ્રહ્મહત્યા કરે છે. તારો ઉદ્ધાર ક્યારે થશે ? પાપીનો દેખવાથી બુદ્ધિ પાપવાળી થાય છે. પુણ્યશાળીના દર્શનથી બુદ્ધિ પવિત્ર થઇને સારો વિચાર આવે છે. શિકારીને પોતાના પાપનો પસ્તાવો થયો. ઋષિના ઉપદેશથી શિકારી મંત્ર લઈ વલ્કલ પહેરી વડ નીચે તપ કરવા બેસી ગયો. એકવાર સિંહ ઋષિને મારવા આવ્યો. ત્યાં પેલા શિકારીએ બાણથી સિંહને મારી નાખ્યો એટલે ઋષિએ “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર બોલી પાણીમાં સ્નાન કર્યું. ત્યાં સિંહમાંથી દિવ્ય પુરુષ પ્રગટ થઇ ઋષિને પગે લાગી બોલ્યો, આજ તમારી કૃપાથી હું મોક્ષમાં જાઉં છું. હું પૂર્વે દિર્ઘબાહુ નામે વૈદિક વિપ્ર હતો. શાસ્ત્રોના વાદવિવાદ કરતો. તેથી ઘણા વિપ્રોએ મળી ક્રોધથી મને શાપ આપ્યો કે, તું સિંહ થા. આરૂણીઋષિના મુખેથી પ્રભુનો મંત્ર સાંભળીશ ત્યારે તારો મોક્ષ થશે. એમ કહી દિવ્યપુરુષ આકાશ માર્ગમાં ગયો. પછી ઋષિ પેલા શિકારી પર પ્રસન્ન થયા અને કહ્યું, તારે શું જોઇએ છે ? શિકારી કહે, તમે જે પ્રભુનો મંત્ર જપ કરો છો તે પ્રભુની ભક્તિ મને બતાવો. તે પ્રભુ મારી પર કેમ પ્રસન્ન થાય ?

આરૂણી ઋષિ કહે : તું જે કર્મ કરે તે સર્વ ભગવાનને અર્પણ કર. પ્રભુને અર્પણ કર્યા વિના કાંઈ પણ વસ્તુ પદાર્થ ગ્રહણ કરવા નહીં, અસત્ય બોલવું નહીં, આજ્ઞા પ્રમાણે વ્રત તપ કરવા ધ્યાન કરવું. તેથી પ્રભુ પ્રસન્ન થશે. એટલું કહીને ઋષિ ધ્યાનમગ્ન થયા. શિકારી પણ ભુખ લાગે ત્યારે ફળફૂલ, લીલાપાન પછી સુકા પાંદડા ખાઇને પછી ક્યારેક નિરાહાર રહીને જપ તપ કરતો. ત્યાં દુર્વાષાઋષિ આવ્યા. આશિર્વાદ આપી કહ્યું, મને ભુખ લાગી છે. ઘઉં, ચોખાનું મિષ્ટાન્ન દે. પેલો તપસ્વી ચિંતા કરવા લાગ્યો અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરવા લાગ્યો. ત્યાં આકાશમાંથી સોનાના પાત્રમાં મિષ્ટાન્ન આવ્યું. તે લઇને દુર્વાષાને આપ્યું અને કહ્યું, ગુરુ આ ભીક્ષા જમો. ત્યાં તો ગુરુકૃપાથી વનદેવીઓ છપ્પનભોગ મિષ્ટાન્નો લાવી. દુર્વાસા કહે, ભક્ત તારી પાસે પાણી નથી. પાણી વિના આચમન કેમ કરવું ? આચમન વિના ભોજન ન કરાય. ભક્ત વળી ચિંતામાં પડીને અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કર્યું અને નદીને કહ્યું, કે ગુરૂના ચરણ ધોવા માટે મારી પર કૃપા કરી અહીં આવ. તરત નદીનો પ્રવાહ વૃક્ષ પાસે આવ્યો. ભક્તે દુર્વાષાના ચરણ ધોઇ પછી આચમન કરાવી ભોજન કરાવ્યું. દુર્વાષા આશ્ચર્ય પામ્યા અશ્ને પ્રસન્ન થઇ વરદાન આપ્યું કે, આજથી તારું પાપવાળું શિકારીનું શરીર નાશ પામ્યું છે. તું તપ જપ અને ગુરુના આશિર્વાદ સેવાથી ઋષિપણાને પામ્યો છે. તું વેદવેદાંગને જાણનારો થઈને સત્યતપા નામથી પ્રસિદ્ધ થઈશ. તપથી દીક્ષાથી ભક્તિથી વેદના અભ્યાસથી શરીર પરિવર્તન થાય છે.

ભક્ત કહે : હે ગુરુ, યોગીઓ સાધન વિના નારાયણની ભક્તિ કેમ કરી શકે ? દુર્વાષા કહે, સ્નાન કરી, ધ્યાન કરી, માનસી પૂજામાં પ્રભુને ભાવથી પૂજન, વંદન, અર્ચન સર્વ કરવું. તેથી પ્રભુ પ્રસન્ન થાય છે. મન અર્પણ, આત્મા અર્પણ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રહલાદે જપથી, ગોપીઓએ હૃદયથી, લક્ષ્મીએ દાસીભાવથી, પાર્વતીએ તપથી, અંબરીષે ભાવપૂજાથી પ્રભુને પ્રસન્ન કરેલા છે. વરાહ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, કોઇ બારસને દિવસે મારી પૂજા કરી મને ફળફૂલ જલપાત્ર અર્પણ કરશે તેને હું બ્રહ્મલોકમાં લઇ જઇશ. આ અધ્યાયની કથા જે વાંચશે, સાંભળશે તે ભક્તિ અને મુક્તિને પામશે.