સુદામા પાર્ષદ શંખચૂડ થયો ❖ તુલસીના પ્રથમ વિવાહ શંખચૂડ સાથે થયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર તુલસીને સ્વપ્નમાં સુદામા પાર્ષદ દેખાયો. વારંવાર આલિંગન કરતો હતો. તુલસી જાગીને ફરી સૂતી. ફરી સ્વપ્નમાં એ જ દેખાયું. તુલસી વિરહમાં વિલાપ કરવા લાગી. તે સમયે શંખચૂડ તપ કરી, બ્રહ્મા પાસે વરદાન પ્રાપ્ત કરી, બદ્રિકાશ્રમ આવ્યો. તેજસ્વી શંખચૂડને જોઇને તુલસી, વસ્ત્રથી મુખ ઢાંકી લજ્જાવાળી થઇ. શંખચૂડ પણ તેને ઓળખીને કહે : તું કોની પુત્રી છો ? લજ્જાનો ત્યાગ કરી મને કહે : તુલસી કહે, હું ધર્મધ્વજ રાજાની પુત્રી છું. તારે શું કામ છે? તારા જેવા તપસ્વીને સ્ત્રી તો મોક્ષ માર્ગથી પાડનારી છે. શંખચૂડ કહે : બ્રહ્માએ નારીના બે સ્વરૂપ બનાવ્યા છે. એક કૃત્યારૂપે છેતરનારી, દુ:ખ કરનારી, બંધન કરનારી, મોક્ષ માર્ગે અટકાવનારી છે. બીજું સ્વરૂપ લક્ષ્મી, સરસ્વતિ, દુર્ગા, સાવિત્રી, માણિકી, પ્રભા, પાર્વતી, રાધિકા, કૃષ્ણા, પદ્મા, જયા તે સર્વે તથા તેના અંશો સાધ્વીઓ, પતિવ્રતા, શતરૂપા, દેવહુતિ, કંભરા, રોહિણી, છાંયા, સંજ્ઞા, શચી, લોપા, મુદ્રા, અનસૂયા, અદિતિ, અરુંધતિ, તારા, મંદોદરી, વૃંદા, ગંગા, આ સર્વે સતિ સાધ્વી છે. તેમ તું પણ લક્ષ્મીસમાન તુલસી છો. એમ જાણીને મેં તને બોલાવી છે. શ્રેષ્ટ કુળમાં જન્મેલા કૃત્યાસમાન પરનારીને જોતા જ નથી.
હું પ્રભુનો પાર્ષદ સુદામા જન્મ ધારણ કરી શંખચૂડ થયો છું, અને તને ગાંધર્વવિવાહથી ગ્રહણ કરીશ. તુલસી કહે : વિદ્યા પ્રભાવથી મેં તને જાણી લીધો છે. કન્યા હંમેશાં શાંત, ગુણવાન, યુવાન, વિદ્વાન, ભક્તને આપવાથી દશ અશ્વમેઘ યજ્ઞ ફળ થાય. દરિદ્રને, રોગીને, અંધને, બહેરાને, મુંગાને, ક્રોધીને, પાપીને, અપંગને, જડને, નપુંસકને, કન્યા આપવાથી કુંભી પાકસમાન દુ:ખ ભોગવે છે. ત્યાં બ્રહ્મા આવ્યા તુલસીએ, શંખચૂડે બ્રહ્માને નમસ્કાર કર્યાં. બ્રહ્મા કહે : તમે બંને ગાંધર્વ વિવાહ કરો. જેવી રીતે લક્ષ્મીનારાયણ, બ્રહ્મા-સાવિત્રી, રાધા-કૃષ્ણ, શંકર-પાર્વતી, ધરા-વરાહ, મેના-હિમાલય છે. તેવી તમારી જોડ થશે. પાર્વતી- પ્રભા કૃષ્ણનારાયણમાં છે. તેવા આશિર્વાદ આપી બ્રહ્મા સ્વર્ગમાં ગયા. દેવોના દુંદુભિ વાગ્યા. પુષ્પવૃષ્ટિ થઇ. શંખચૂડે તપોબળથી ચંદ્રભાગા તટે રાજ્ય સ્થાપ્યું. શંખચૂડે સર્વે દેવોને જીતીને વશ કર્યાં. દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા, શંકર દેવો સર્વે વૈકુંઠમાં ગયા. અનેક ચતુર્ભુજ પાર્ષદોથી સેવાયેલા સરસ્વતિ, લક્ષ્મી, રમા, પ્રભા, માણિકી, પાર્વતી, ગંગા, જયા, વિજયા, મંગલા, અમૃતાથી સેવાયેલા દિવ્ય સિંહાસન પર બેઠેલા ઘનશ્યામ શ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી, દંડવત્, નમસ્કાર કરીને બ્રહ્માએ સર્વે નિવેદન કર્યું. શ્રીકૃષ્ણ કહે : શંખચૂડ ગોપ મારો પાર્ષદ રાધાના શાપથી દૈત્ય થયો છે. એકવાર રાધાને તજી વિરજાની સાથે રાસમંડલ રમવા લાગ્યો.
ત્યાં રાધા ક્રોધ કરી વિરજાને કહે : તું નદી રૂપે થઇ જા. કૃષ્ણને કહે : લંપટ મને તજીને કુતરી પાસે ગયો. જા વિરજાને ઘેર મારે ત્યાં ક્યારેય ન આવતો. કૃષ્ણ મૌન રહ્યા. સુદામા કહે : માતા આટલો બધો ક્રોધ કેમ કરો છો ? રાજાનું અપમાન રાણીને ન કરાય. ત્યાં રાધા સુદામાને કહે : અરે શઠ, કૃષ્ણના પુંછડા, નોકર તું પણ કુટીલકામી છો. જા પૃથ્વી પર દાનવ થા. ત્યારે સુદામા કહે : તું ઇર્ષ્યાવાળી છો. તાડન કરનારી છો. તને કૃષ્ણ સામે બોલવામાં જરા પણ લજ્જા નથી. બિલાડી છછુંદર જેવી છો. કૂતરીની જેમ ભસે છે. જા તું પણ પૃથ્વી પર પશુતૂલ્ય થઇને જંગલમાં રખડ. સ્વામીનો તિરસ્કાર કરનારી તું તિરસ્કારને પાત્ર થા. ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન સર્વેને શાંતી પમાડી તો પણ રાધાએ સુદામાને બહાર કાઢવાની આજ્ઞા સખીઓને કરી. સુદામાને બહાર કાઢીને સર્વે ગોપ-ગોપીઓ પાર્ષદો, રાધા રોવા લાગ્યા. શ્રીકૃષ્ણ કહે : ભાવિ મિથ્યા ન થાય. હું પણ તમારી સાથે પૃથ્વી પર આવીને સર્વેને સુખ આપીશ. તે શંખચૂડ દાનવ કંઠમાં મંત્રવાળું કવચ રાખતો તેથી કોઇથી ન મરતો. શ્રીકૃષ્ણ કહે : શંકર તમે આ ત્રિશુલ લઇ જાવ. હું વિપ્રરૂપે કવચ માગી લઇશ અને તેની પત્નીનો વ્રત ભંગ કરું, ત્યારે તમે ત્રિશૂલ મારજો ત્યારે શંખચૂડનું મૃત્યુ થશે અને તેની પત્ની તુલસી વૃક્ષ રૂપે થશે એમ કહીને શંકરને ત્રિશૂલ આપ્યું. એ રીતે રાધાના કજીયાથી સુદામા પાર્ષદ શંખચૂડ થયો.