આસો સુદની પાશાંકુશા એકાદશી - વેદશિરા ઋષિની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આસો સુદ, પાશાંકુશા એકાદશીનો વ્રત-વિધિ કથા કહું. સ્નાન કરીને પદ્માવતી સાથે પદ્મનાભ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર - અલંકારો ધારણ કરાવી, સમીપત્રો, કામફળથી પૂજન કરી, ચોખાના લાડુ જમાડવા. આરતી કરી દંડવત્, નમસ્કાર, સ્તૂતી પ્રાર્થના કરવી. આ વ્રત કરનારનો એક પેઢીનો ઉદ્ધાર થાય છે. અને યમના પાશથી મૂકાય છે. અન્ન, વસ્ત્ર, જલ, જોડા, છત્રનું દાન કરનાર સામે યમદૂત જોતા જ નથી. જેના જીવનમાં વ્રત, દાન, પુણ્ય નથી તેનું જીવન લુહારના ધમણની જેમ નિષ્ફળ છે. સ્નાન, ધ્યાન, જપ, હોમ, દાન, સ્વાધ્યાય વિના, દિવસ વાંજિયો જવા દેવો નહીં. આખો દિવસ ધૂન, કિર્તન કથા-વાર્તા, ઉત્સવ કરી જાગરણ કરી ભગવાન પાસે નૃત્ય કરવું.
પૂર્વે સત્યુગમાં વામદેવ ઋષિના શિષ્યો કર્મકાંડી વેદ ભણનારા હતા. તેમાં એક વેદશિરા નામે ઋષિ હતા. તેને ચાતુર્માસમાં કંદમૂળનો આહાર કરવાથી પેટમાં જઠરાગ્નિ મંદ થયો. ઔષધ કર્યા પણ રોગ મટ્યો નહીં. તેથી સ્નાન, જપ, તપ, હોમ, સ્વાધ્યાય વગેરે ધીમે ધીમે બંધ કર્યા. પુણ્ય નષ્ટ થયું. સાત્વિક કર્મ નહીં કરવાથી પાપ થયું. દેહનો અંત આવ્યો. યમદૂતો આવ્યા. ધર્મરાજા પાસે લાવ્યા. ચિત્રગુપ્તે કહ્યું : વેદ-વિદ્યા ભૂલીને બ્રહ્મકર્મ બંધ કર્યા. તેથી બ્રહ્મઘાત કર્યો છે. ધર્મરાજા કહે : આને અસીપત્ર વનમાં નાખો. વેદશિરા કહે : મને રોગનો આપત્કાળ આવ્યો એટલે મારાથી બ્રહ્મકર્મ થઇ શક્યા નથી. આપત્કાળમાં અધર્મનું પાપ લાગતું નથી. ધર્મરાજા કહે : આપત્કાળ થોડો આવ્યો અને સર્વેધર્મ કર્મ મૂકી દીધા તેથી દંડ તો ભોગવવો પડશે. તે સમયે વેદશિરા ઋષિએ ગુરુ વામદેવને સંભાર્યા. તરત બ્રહ્મનો અવતાર વામદેવ આવ્યા. ધર્મરાજા પગે લાગી કહે : ગુરુ તમે કેમ પધાર્યા ? વામદેવ કહે : દંડ ભોગવવો ન પડે, કર્મ નિષ્ફળ થાય તેવું વાક્ય કહું તે તમે બંને સાંભળો. આસો સુદ એકાદશી પાશાકુંશાનું વ્રત ભક્તિપૂર્વક કરવાથી બ્રહ્મહત્યાદિક પાપો નાશ પામે છે. વ્રતના પુણ્યથી, ગુરુના પ્રતાપથી આયુષ્ય તૂટી ગયું છે તે સંધાઇ જશે. પછી વેદશિરાએ આસો સુદ એકાદશી વ્રત કરી સર્વે પાપથી રહિત થયા. આ એકાદશીનું જે વ્રત કરશે. તેના સર્વે પાપ નાશ થઇને આરોગ્ય પ્રાપ્ત થશે. અહંમમત્વના પાપ નાશ પામશે, રાગદ્વેષથી રહિત થઇ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરશે.