તપ કરતા યમરાજ, પોપટ અને ઋષિપુત્રી શચીને વરદાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શિવક્ષેત્ર કાશીમાં સૂર્યપુત્ર યમ તપ કરતા હતા. શિવે પ્રસન્ન થઈ કહે વર માંગો. યમ કહે, તમારું રુદ્ર સ્વરૂપ મને આપો. શિવ રાજી થઈ શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર અને તુલસીની કંઠી માળા આપીને યમપુરીના વિકરાળરૂપે રાજા બનાવ્યા. પછી યમની સાથે રહેલા પોપટના બચ્ચાને પણ વરદાન આપવા કહ્યું. પોપટના બચ્ચા કહે ઉત્તમ શું છે ? શિવ કહે : દેવ, દૈત્ય, મનુષ્ય પશુ પક્ષીમાં અનેક જન્મો આવવા છતા જો ભગવાનના ગુણકિર્તન, ભજન, ગાન કથા ન કરી તો અનેક જન્મોનો અંત આવતો નથી. પોપટના બચ્ચા કહે, તો તમારી ભક્તિ આપો. શિવે બચ્ચાઓને શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. તે બચ્ચાઓ મંત્ર જપ કરી શિવકૃપાથી ઈચ્છારૂપ ધારણ કરી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતા. ત્યાં ઋષિ પુત્રી શચી આવી. કથા સાંભળી વ્રત, જપ, તપ કર્યા. શિવ પ્રસન્ન થયા. કહે વર માંગ.
શચી કહે : દેવોમાં શ્રેષ્ટ હોય, રૂપમાં સુખમાં શ્રેષ્ટ હોય તે મારા પતિ થાય અને મને ક્યારે પણ વિધવાપણુ ન રહે. શંકર કહે, એક વર્ષ સુધી દરેક માસની સુદ ત્રીજ વ્રત કરવું. નક્ત ભોજન અથવા એકટાણું કરવું. ગણેશ પૂજન કરી ચાર કુમાર-કુમારિકાને ભોજન કરાવી દાન આપવા. આ વ્રત કરવાથી સારો પતિ-પત્ની સંતાન સંપત્તિ સર્વે પ્રાપ્ત થાય છે. એમ કહી શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી અને આશિર્વાદ આપ્યા કે, તું ઈન્દ્રની પત્ની થઈશ. એ રીતે એક વર્ષ વ્રત કરીને શચી વૈષ્ણવી થઈ. ઈન્દ્રને પામી અને આયુષ્ય ભોગવી અંતે ગોલોક ધામને પામી.