મંદિરના આશ્રય અને અજાણતા પ્રસાદ ગ્રહણથી જીવાત્માની અંતે સદ્ગતિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શિવમંદિરમાં એક યુગલ કબુતર-કબુતરી અન્નકણ ખાઇ પ્રદક્ષિણા કરતા. એકવાર બાજપક્ષી યુગલનો શિકાર કરવા આવ્યો. માદા કહે, આપણે મંદિર અંદર જતા રહીએ. કબુતર કહે, શિવમંદિરમાં આપણું મૃત્યુ થશે તો સદ્ગતિ થશે અને બીજે જશું તો મૃત્યુ છોડશે નહીં. ત્યાં શિકારી આવી કબુતરને મારી, પછી કબૂતરીને મારી ખાઇ ગયો. તે કબૂતર શિવપ્રસાદના પુણ્યથી સરયુ કાંઠે સાકેત નગરીમાં પરિમલ વિદ્યાધર થયો. અને કબૂતરી કલાવતી ગાંધર્વી નામે થઇ.
તેમણે પૂર્વજન્મના જાતિસ્મરણથી ઉત્સવ કરી જાગરણ કર્યું. ત્યાં કલાવતી અને તેની બે સખીઓ રસ્તાવલી અને પ્રભાવલી તે ત્રણેય પર પ્રસન્ન થયેલા શંકર ભગવાને દર્શન આપી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ નમ:” એ મંત્ર ત્રણવાર આપી તુલસીની કંઠી માળા આપી અને કહ્યું તારો પૂર્વ જન્મનો પતિ તને મળશે. એમ કહી અદૃશ્ય થયા. બે સખીઓ પૂર્વજન્મે વાંદરી હતી તે પણ તીર્થમાં શિવમંદિરમાં પ્રસાદ જમીને તીર્થમાં દેહ મૂકવાથી ગાંધર્વી થઈ. તે ત્રણે કન્યાઓ શિવના ભક્ત પરિમલ વિદ્યાધરને વરી અને સદા શંકર ભગવાનની આજ્ઞાથી શ્રીકૃષ્ણનારાયણનું પૂજન-ભજન કરતા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતીનો ઉત્સવ કરતા. એ રીતે પ્રગટ પ્રભુનું પૂજન કરતા. તે બન્નેના દેહનો અંત આવ્યો. ત્યાં ગોલોકમાંથી વિમાન આવ્યું અને પ્રભુ ગોલોક ધામમાં ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એ રીતે મંદિરનો આશ્રય પ્રસાદ અજાણતા પણ આ જીવાત્માંને શ્રેષ્ટ જન્મ અંતે સદ્ગતિ આપી. અંતે ભગવાનની ભક્તિ કરાવી ધામની પ્રાપ્તિ કરાવે છે. તેથી ગમે તે જાતિમાં જન્મ હોય પણ પ્રભુનો આશરો અને ભક્તિ આત્માનો મોક્ષ કરે છે.