મથુરાના રાજા પુણ્યનિધિની વિપ્રરૂપ વિષ્ણુ દ્વારા પરીક્ષા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે મથુરાનો રાજા પુણ્યનિધિ ભક્તિવાળો હતો. તે એકવાર ધનુષ્ય કોટિ રામેશ્વરની યાત્રાએ ગયો. ત્યાં યજ્ઞ કર્યો. તે વખતે શ્રીહરિએ ત્યાં લક્ષ્મીને રાજાની પરીક્ષા કરવા મોકલ્યા. લક્ષ્મી આઠ વર્ષની કન્યાનું તેજસ્વીરૂપ ધારણ કરી રાજા પાસે ભોજન માગ્યું. રાજાએ આપ્યુંને પૂછ્યું, તું કોની પુત્રી છો ? કન્યા કહે, મારા કોઇ માતા પિતા નથી. રાજા કહે, તો મારી સાથે મારા રાજ્યમાં રહે. કન્યા કહે, પુત્રી કરી પાલન કરો તો રહું. પછી રાજાએ કન્યા રાણીને સોંપી. એકવાર તે કન્યા સખીઓ સાથે બગીચામાં ફૂલો ચૂંટતી હતી. ત્યારે વિષ્ણુ ભગવાન તીર્થવાસી વિપ્રનું રૂપ લઇ આવ્યા અને કન્યાનો હાથ પકડયો. કન્યાએ રાડ પાડી. માળીએ રાજાને કહ્યું. રાજાએ આવી વિપ્રને પકડી જેલમાં નાખ્યો.
રાત્રે રાજાને સ્વપ્નમાં વિષ્ણુ ભગવાનના દર્શન થયા. શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરતા, પીળા પિતાંબરધારી શ્રીવત્સના ચિહ્નવાળા સાથે લક્ષ્મી સેવામાં. એવા દર્શન કરી રાજા જાગ્યો. તે આશ્ચર્ય લાગ્યું સ્વપ્ન થયું કે જાગ્રત, ઉઠીને કન્યાના ઓરડામાં ગયો. ત્યાં કન્યા ન મળે રાજાએ રાણીને જગાડી રાજા જેલમાં જોવા ગયો. ત્યાં લક્ષ્મીનારાયણના દર્શન કર્યા. રાજારાણીને અલૌકિક આનંદ થયો. સવારે રાજા પુત્રી પાસે ગયો. ત્યાં સાક્ષાત્ વિપ્રરૂપે રહેલા વિષ્ણુની સેવા પૂજા કરતી હતી. રાજાએ વિપ્રરૂપ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. હે સીતાપતિ, રાધા રમાપતિ, પ્રભા પાર્વતીપતિ તમને નમસ્કાર. હે પ્રભુ, મે તમને નહીં જાણીને જેલમાં પૂર્યા. તે અપરાધ માફ કરો. એમ કહી લક્ષ્મીરૂપ પુત્રીની સ્તુતિ કરી. હે મહાલક્ષ્મી તમને નમ: હે જગત માતા પુત્રીરૂપે મારાથી અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. રાજાની સ્તુતિથી પ્રસન્ન થયેલા લક્ષ્મીનારાયણ પ્રભુ કહે. રાજા હું તારી પર પ્રસન્ન થયો છું. તારી પાસે મારી લક્ષ્મીને મોકલીને હું તને દર્શન દેવા આવ્યો. મારી લક્ષ્મીનું તે ધર્મથી રક્ષણ કરી મને તે જેલમાં પૂર્યો. તેથી પણ હું પ્રસન્ન થયો છું. તારે શું જોઈએ ? વરદાન માંગ. રાજા કહે, પ્રભુ તમારી ભક્તિ આપો અને અંતે તમારા વૈકુંઠધામમાં વાસ આપજો. પ્રભુ તથાસ્તું કહીને લક્ષ્મીને લઈ અદૃશ્ય થયા.