ભાગ · અધ્યાય ૪૮૭

શ્રીકૃષ્ણ-ગોપીઓના રાસલીલાના દર્શન કરી અષ્ટાવક્ર ઋષિ ગોલોક ગયા

લક્ષ્મી કહે : પ્રભુ, શ્રીકૃષ્ણનારાયણ અને ગોપીઓના શરદઋતુની રાસની લીલા સંભળાવો. શ્રીનારાયણ કહે : નવ લાખ ગોપીઓ સાથે પ્રભુ નવ લાખ રૂપ ધારણ કરી રાસ રમ્યા. એકવાર શ્રીકૃષ્ણે શરદ પૂર્ણિમાએ ચંદ્રોદય થયો ત્યારે વૃંદાવનમાં મોરલી વગાડી. તે સાંભળીને રાધા તેની સખીઓ, ગોપીઓ કોઇ ફૂલમાલા, કોઇ મોતીમાળા, કોઇ અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, ચંદન, કસ્તુરી, વસ્ત્ર, અલંકારો, આભૂષણો લઇને વૃંદાવન આવી. અતિ તેજસ્વી, મનોહર, દિવ્ય, અલૌકિક શોભતા પ્રભુની પૂજા કરી. પછી ધૂન- કિર્તન કરી રાસ રમ્યા. તાલી વગાડી, દાંડીયારાસથી અનેક પ્રકારના રાસ રમીને થાક્યા. પછી ગોપીઓની કામભાવના જાણી નવ લાખ ગોપીઓ સાથે નવલાખ રૂપ ધારણ કરી શ્રીકૃષ્ણ રમતા હતા. અનેક પ્રકારની રતિક્રીડાના સર્વજ્ઞ પ્રભુ ગોપીઓના મનોરથ પુરા કરતા હતા અને પોતે ઉર્ધ્વરેતા રહી અલૌકિક સમર્થ્ય બતાવ્યું. એ શરદ રાત્રિને છ માસની કરી સર્વને અતિ સુખ આપ્યું. આકાશમાં સર્વ દેવ-દેવીઓ અલૌકિક રાસલીલા જોઇને આનંદ પામ્યા. પછી સવારે ગોપીઓએ સર્વે પૂજાની સામગ્રીથી પ્રભુની પૂજા કરી. પછી શ્રીકૃષ્ણ એકલા ઘરે જતા માર્ગમાં અષ્ટાવક્ર ઋષિ સામા મળ્યા. પ્રભુને પગે લાગી દેહત્યાગ કર્યો. સાઠ હજાર વર્ષ તપ કરી અસ્થિ માત્ર રહેલા તેમના દેહને પ્રભુએ અગ્નિસંસ્કાર કરીને ભસ્મ પોતાના ભક્તોને આપી.

બ્રહ્માના પુત્ર પ્રચેતા તેનો અસીન તેનો દેવલ તે અપુત્ર હોવાથી તપ કરવા ગયો. તો પણ પુત્ર ન થયો. એટલે દેહ તજવા તૈયાર થયો. ત્યાં શંકર પ્રગટ થઈ કહે, “રાધીકાયૈ શ્રીકૃષ્ણાય નમો: સ્તુતે” આ મંત્રનો જપ કર. સો વર્ષ જપ કર્યો એટલે શંકરસમાન જ્ઞાનીભક્ત દેવલ પુત્ર થયો. તે તપ કરવા વનમાં ગયો. ત્યાં રંભા અપ્સરા આવી. દેવલ ઋષિએ તપમાં ભંગ ન થાય તેથી તેને ગ્રહણ ન કરી. રંભાએ શાપ આપ્યો. તું સ્ત્રીના કામદુ:ખને જાણતો નથી. જા અષ્ટાવક્ર વૃદ્ધ થા. તે દેવલઋષિ અષ્ટાવક્ર થયા. સાઠ હજાર વર્ષ તપ કરી ધ્યાનમાં રાસમંડળના દર્શન કરી શ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવ્યા. દિવ્ય દર્શન કરી ગોલોક ધામમાં ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રાસની કથા જે સાંભળશે તેને પ્રભુની પ્રાપ્તિ થશે.