ભગવાન વેદવ્યાસ અને શુકદેવજીનું પ્રાગટ્ય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગંગા નદીમાં પરાશરમુનિએ બાર વર્ષ સુધી કુંભક પ્રાણાયામ કરી ઉગ્રતપ કર્યું. બહાર આવી જોયું ત્યાં વહાણવાળા માછીમારની કન્યાને જોઇ મોહ પામ્યા. કન્યા કહે, તમે મહાન તપસ્વી છો અને હું નીચ જાતિની છું. મુનિ કહે, તું રાજકન્યા છો. જમ્બુદ્વીપનો રાજા વસુ જલૈચ્છ રાજા સાથે લડવા ગયો. ત્યારે રાજાની રાણી ઋતુધર્મમાં આવી. તેણે પોપટ સાથે સંદેશો આપ્યો. વસુરાજા એ ધાતુ પડીયામાં બાંધી આપ્યો. પોપટ લઈને જતો હતો ત્યાં બાજ પક્ષી ખાવાનું જાણી ઝડપ મારી પડીયો સમુદ્રમાં પડ્યો. ધાતુ માછલી ગળ ગઈ. માછીમારો માછલીને લાવી કાપી. તે ગર્ભમાંથી બાળકી અને બાળક નીકળ્યા. તે બાળક રાજાને આપ્યો. બાળકી સત્યવતી થઈ. એમ કહી પરાશરે મત્સ્યગંધા સાથે રતિક્રીડા કરી. તરત તેજસ્વીપુત્ર વ્યાસ પ્રગટ થયા. જપ, કમંડલ, દંડ, જનોઇ, મેખલા, ધારણ કરેલા માયાના ગુણથી રહિત પુત્રને જોઇ મત્સ્યગંધા અતિ આનંદ પામી. પરાશર મુનિએ આશિર્વાદ આપ્યો. શંતનું પત્ની થઈશ. વનમાં ગયા. મત્સ્યગંધા વ્યાસને કહે, તારી માતામાં તને સ્નેહ હોય તો કાંઈક ઉપદેશ આપતો જા. વ્યાસ કહે, સર્વે કર્મનો સાર શ્રીહરિને અર્પણ કરવું તે છે. માટે હે માતા શ્રીકૃષ્ણ નારાયણનો જપ કરજો.
માતા કહે : પુત્ર તારા વિના હું નહીં રહી શકું. વ્યાસ કહે, મા ખેદ ન કરો. પ્રભુનું સ્મરણ કરો. મોક્ષને આપનારા મારા દિવ્યરૂપને જુઓ. એમ કહીને વસ્ત્ર આભૂષણોથી શોભતા અલૌકિક દર્શન આપતા સત્યવતી પુત્ર નારાયણને દિવ્ય જાણી આનંદ પામી. ત્યાં વિમાન આવ્યું. વ્યાસ કહે, માતા તમે એક સ્વરૂપે ધામમાં જાવ, અને બીજે સ્વરૂપે અહીં કન્યારૂપે શંતનુંની પત્ની થશો. એમ કહી વ્યાસે ગંગાનું પાણી છાંટી માતાના બે સ્વરૂપ બનાવ્યા અને કહ્યું, તમે ખેદ ન કરો. જ્યારે તમે મને સંભારશો, ત્યારે હું હાજર થઈશ. એમ કહી વ્યાસ વનમાં ગયા. નારદે સર્વે દેવ-દેવીઓને, સર્વે તિર્થોની પાસે પ્રગટ થવાના સમાચાર આપ્યા. પછી વ્યાસ ભગવાન ભારતના સર્વે તિર્થો કરવા નીકળ્યા. કેદારેશ્વર, બદ્રિકાશ્રમ ગંગામાં સ્નાન કરી હરિદ્વાર, પુષ્કર, નારાયણસરોવર, દ્વારકા, ગોમતી, ચમત્કારપુર (જામનગર), કુંકુમવાપી (કુંકાવાવ), અશ્વપટ સરોવર, ભદ્રાવતી, વામનસ્થળી, રેવતાદી સ્વર્ણરેખામાં સ્નાન કરી. ત્ર્યંબકેશ્વરના દર્શન કરી. ઉજ્જૈન ૐકારેશ્વર ચંદ્રભાગા, સેતુબંધ, શ્રીશૌલના દર્શન કરી જગન્નાથપુરી, કામાક્ષી, બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને ગયા. કાશી, અયોધ્યા, ગંડકી, પ્રયાગ, નૈમિષારણ્ય, કુરુક્ષેત્રમાં સ્નાન કરીને નર્મદા કાંઠે આવ્યા. ત્યાં પંચાગ્નિ તપ કર્યું. તેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થઈ દર્શન આપી આશિર્વાદ આપ્યા. પછી વ્યાસે શુકી નામે પત્ની કરી. તેમાં શુક નામે પુત્ર થયા. પછી વ્યાસ ભગવાને નર્મદાને કહ્યું, તું મને અહીં આશ્રમ કરવા માટે વાસ આપ. નર્મદા કહે, પ્રભુ તમે અહીં સદા વાસ કરો. હું સદા તમારી પતિવ્રતાભાવે સેવા કરીશ. પછી વ્યાસભગવાન નર્મદાને ઉતરકાંઠે આશ્રમ બાંધી રહ્યા. ત્યાં વ્યાસ તીર્થ થયેલું છે. તે નર્મદા રોજ વ્યાસ ભગવાનને સ્નાન કરાવી પૂજા કરતી. જે જનો નર્મદામાં સ્નાન કરશે તે શ્રીહરિની પતિવ્રતા ભક્તિને પામશે.