બ્રહ્મા સાથે યજ્ઞમાં ગોપકન્યા આયરના બેસવાથી સાવિત્રીનો સર્વેને શાપ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે યજ્ઞમાં આવેલા શંકરની અડસઠ યોગિનીઓને બ્રહ્માએ પૃથ્વી પર માતૃકા ગણના સ્થાન આપી કુળદેવીનું સ્થાન આપ્યું પછી યજ્ઞ પુરો થવાથી યજ્ઞને અંતે અવભૃથ સ્નાન નાગમતી નદીમાં કર્યું. તેથી કાર્તિક પડવાને દિવસે જે ગોમતીમાં સ્નાન કરશે તે યજ્ઞફળ પ્રાપ્ત કરશે. ત્યાં ક્ષયરોગ આવ્યો ને કહે, મારે ક્યાં વાસ કરવો ? બ્રહ્મા કહે, યજ્ઞમાં જે યજમાન બ્રાહ્મણોને ભોજન દાનથી સંતોષ ના કરે તેમાં તારે વાસ કરવો. ત્યાં સાવિત્રી આવ્યા અને આશુદ્રી ગોપાળની કન્યાને યજ્ઞમાં બેસેલી જોઇ સર્વને શાપ આપ્યો.
વિષ્ણુને શાપ આપ્યો કે, તમે મનુષ્ય થઇને બલિને ત્યાં નોકરપણુ કરશો. શંકરને શાપ આપ્યો કે, તમને લાંબો સમય પત્નીનો વિયોગ રહેશે. અગ્નિને શાપ આપ્યો કે, તું સર્વ ભક્ષી થઇશ. ઇન્દ્રને શાપ આપ્યો કે, તું શત્રુઓથી પરાભવ પામીશ. દેવોને શાપ આપ્યો કે, તમે પુત્ર વિનાના થશો અને બ્રાહ્મણોને શાપ આપ્યો કે, તમે સદા દરિદ્ર રહેશો. પછી સર્વ દેવોએ માતા સાવિત્રીની પૂજા કરી પ્રસન્ન કર્યા. ત્યારે સાવિત્રીએ સર્વેને આશિર્વાદ આપી સુખી કર્યા. તેથી બ્રાહ્મણો ત્યારથી ગાયત્રી મંત્રનો જપ અને પૂજન કરે છે પણ સાવિત્રીનું પૂજન કરતા નથી.