રાજા સુયજ્ઞના પત્નિવ્રત ધર્મના પાલનથી મોક્ષગતિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સુતપા ઋષિના કહેવાથી સુયજ્ઞ રાજા પત્ની સાથે પુષ્કર તીર્થમાં આવી રાધાજીનો મંત્ર જપ કરી રાધાજીનું ધ્યાન કરતો હતો. ચંપાના પુષ્પ જેવા રૂપાળા, ચંદ્રસમાન મુખવાળા, સૂર્યસમાન તેજસ્વી, સુવર્ણના વસ્ત્ર અલંકારોને ધારણ કરતા અનેક શોભાથી યુક્ત રાધાજીનું ધ્યાન કરી ષોડ્શોપચારથી એક સો આઠ વસ્તુથી પૂજન કરી છપ્પન ભોગ ધરી આરતી સ્તુતિ કરી કે, હે રાસેશ્વરી શ્રીકૃષ્ણ ભગવાનની દાસ્યભક્તિ આપજો. કાર્તિકી પૂર્ણિમાએ જે નર રાધાજીનું આવી રીતે પૂજન કરશે તે રાજસૂય ફળ પામશે. જે નારી રાધાજીનું પૂજન કરશે તે સૌભાગ્ય પ્રાપ્ત કરશે. ‘રા’ એટલે સંપત્તિ, ‘ધા’ એટલે ધામ. સંપત્તિને ધામ આપે તે રાધા. રાજાએ સો વર્ષ ફળફુલ ખાઇ રાધાજીનું જપ તપ કર્યું. સુતપાઋષિ રાજાની તપ ભક્તિ સ્તુતિથી રાધાજી પ્રગટ થઈ દિવ્ય અલૌકિક દર્શન આપી કહ્યું, હે રાજા તું પત્નીવ્રતવાળો હોવાથી તને અમારામાં અખંડ ભક્તિ રહેશે. તે તારી પત્નીને ક્યારેય પણ તિરસ્કાર કર્યો નથી. તેથી પ્રભુએ મને આશિર્વાદ આપવા મોકલી છે.
હે રાજા આત્મા બુદ્ધિ વિના રહેતો નથી. દિવસરાત્રિ વિના, કૃષ્ણ રાધા વિના, સતચિત આનંદ વિના રહી શકતું નથી. તેમ દંપતી જીવન પણ રાધાકૃષ્ણ વિનાનું નથી પણ તેને જે જાણે તે નિર્ગુણ સ્થિતિ પામે છે. માટે હે રાજા તું પત્નીવ્રતથી ભક્તિ કરે છે. તેથી પત્ની સાથે વિમાનમાં બેસી ગોલોક ધામમાં ચાલ. તે તારી પત્ની સાથે ચાતુર્માસ વ્રતો કર્યા છે. કાર્તિકમાં કૃચ્છ વ્રતો કર્યા છે તથા ધર્મથી પ્રજાનું પાલન કર્યું છે. પરનારીનો સ્પર્શ કર્યો નથી. દાસ-દાસીને પુત્ર-પુત્રીની જેમ રાખ્યા છે. પરસ્ત્રીને માતા સમાન માની છે. સતીસમાન સાધ્વીને પાર્વતીસમાન માની છે. તેથી હે રાજા, પ્રજાને પણ વૈષ્ણવી બનાવીને તું ઋણમુક્ત થયો છે. એમ કહી રાધાજી રાજા રાણીને દિવ્ય દેહ ધારણ કરાવી વિમાનમાં બેસાડીને ગોલોક ધામમાં લઇ ગયા. આ અધ્યાયનો જે પાઠ કરશે, વાંચશે, સાંભળશે તે સર્વે ભક્તિ અને મુક્તિને પામશે.