ભાગ · અધ્યાય ૪૯૧

લક્ષ્મીના અવતારરૂપ શાંડિલી માધવીની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ચમત્કારપુરમાં ગરૂડના મિત્ર ભૃગુ બ્રાહ્મણની કન્યા માધવી તેના લગ્ન માટે ગરૂડને કહ્યું, તું યોગ્ય વર બતાવ. ગરૂડ કહે, તમે મારી પીઠ પર બેસી જાવ પછી ગરૂડ સાથે ચૌદ લોકમાં ફર્યા પણ યોગ્ય વર ન મળ્યો. જેમાં રૂપ તેમાં ગુણ નહીં, જેમાં ગુણ તેમાં રૂપ નહીં, રૂપગુણવાળા પાસે દાન નહીં. પછી ફરતા બદ્રીઆશ્રમ, ક્ષીરસમુદ્ર અને વૈકુંઠ ગયા ત્યાં પ્રભુને ન જોયા એટલે નારદને પૂછ્યું, નારાયણ કયાં છે ? નારદ કહે, નારાયણ સર્વત્ર વ્યાપક છે. જેનું મન વાસના રહિત નિર્ગુણ દિવ્ય થયું હોય તે જ પ્રભુને દેખી શકે છે. ઓળખી શકે છે. ચમત્કારપુર નાગમતી નદીમાં પ્રભુ ચાર્તુમાસ જલસાયીરૂપે શ્રીકૃષ્ણનારાયણ વાસ કરે છે ત્યાં તમને પ્રભુ મળશે. સર્વે નાગમતી નદીએ આવ્યા. ગરૂડ કહે પ્રભુ તપ અને જપથી પ્રાપ્ત થાય છે. એમ કહીને ગયા.

પિતા-પુત્રી ત્યાં નિરાહાર રહી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પતયે નમ:” એ મંત્રનો જપ કરતા હતા. ઘણા વર્ષો પછી ગરૂડ ત્યાંથી નીકળ્યો. પ્રભુની સેવામાં લક્ષ્મી પાસે માધવી શાંડિલીની જોઇ નારાયણને પૂછ્યું આ કોણ છે ? નારાયણ કહે : તે મારી મહાલક્ષ્મી છે. એકવાર તેને ગર્વ આવ્યો. મારા જેવું કોઈ નહીં. પ્રભુ મારી પાસે જ આવે. તે લક્ષ્મી બગીચામાં ફરવા ગયા. નારાયણે જય-વિજય પાર્ષદને કહ્યું, લક્ષ્મીને અંદર આવવા ન દેતા. લક્ષ્મી ફરીને આવ્યા. પાર્ષદે પ્રભુની આજ્ઞા સંભળાવી. લક્ષ્મીને અપમાન લાગવાથી દેહત્યાગ કરવા તૈયાર થયા. બ્રહ્માદિ સર્વદેવો આવ્યા. ઋષિ-મુનિઓ આવી સ્તુતિ કરી. તમારા વિના જગત નષ્ટ થશે. તમે બ્રહ્માંડોમાં સર્વ સંપત્તિ સુખરૂપે સર્વને આનંદ આપો છો. દેવોની સ્તુતિ સાંભળી લક્ષ્મી કહે, હું ક્રોધથી વૈરાગ્યથી દેહત્યાગ કરતી નથી પણ આ પાર્ષદ નોકર મારું અપમાન કરે તે કેમ સહન કરું. જે નારીનું સૌભાગ્ય પતિ છે, ભોજનમાં શયનમાં પતિનો પ્રેમ નથી જોતી તેનો જન્મ નિરર્થક છે. માટે સતી, સાધ્વી, પતિવ્રતાએ પતિમાં કોઇ દોષ જોવો નહીં. પતિની સેવા તે તપ છે. ધર્મ, સત્ય, વ્રત, તીર્થ, દાન, પૂજન સર્વ પતિસેવામાં આવી જાય છે. જે સતી પતિના પગ ધોઇ પાણી પીએ છે. તે સતીના દર્શન સ્પર્શ દેવતાઓ ઈચ્છે છે. એમ કહીને મહાલક્ષ્મી રૂદન કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માદિદેવો ભય પામ્યા અને ભક્તિથી મસ્તક નમાવી લક્ષ્મીજીને કહ્યું, માતાજી ચાલો તમને નારાયણ પાસે લઈ જાઉં.

સર્વે નારાયણ પાસે આવી સ્તુતિ કરી કે, પ્રભુ તમે દયાળુ છો. સર્વજ્ઞ છો. આ મહાલક્ષ્મી વિના અમે જીવી શકીએ નહીં. નારાયણ કહે : મારે તો સર્વે ભક્તો પ્રત્યે સમાનતા છે. પરંતુ ચમત્કારપુરમાં શાંડીલ્ય બ્રાહ્મણને ત્યાં આ લક્ષ્મી માધવી નામથી પ્રગટ થશે. તે મને જ પતિ કરવાની ઈચ્છાવાળી છે. ગરૂડ તું આ કથાને જાણતો નથી. તેથી લક્ષ્મી પાસે બેઠેલી શાંડીલી સાધ્વીને જોઇ ગરૂડે સંશય કર્યો કે, સ્ત્રી યુવાનમાં બ્રહ્મચર્ય કેમ રાખી શકે. એવી શંકા કરી ત્યાં ગરૂડની બેય પાંખો ખરી ગઇ. પછી ગરૂડે લક્ષ્મીરૂપી શાંડીલી માધવીની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલા શાંડીલીએ ગરૂડને પીઠ પર હાથ ફેરવ્યો ત્યાં પાંખો હતી તેવી થઈ ગઈ. લક્ષ્મીના આ અવતારની કથા જે સાંભળશે તે દાસ્યભક્તિ પામશે.