શંકરે ભિક્ષામાં મેના પાસે સતી માંગ્યા
આ અધ્યાય 179–180 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકર હિમાલયમાં ફરતાં ફરતાં મેનાના ઘેર ગયા અને ભિક્ષા માંગી. હિમાલય પત્ની મેનાએ ભિક્ષા આપી. શંકર કહે : આ ભિક્ષા તો સર્વેને માટે છે. જેમાં બીજાનો ભાગ ન હોય એવી ભિક્ષા આપ. મેના કહે : તમારો ગૂઢાર્થ મને સમજાતો નથી. ચોખ્ખુ કહો. શંકર કહે : તારે ત્યાં પુત્રી જન્મે તે ભિક્ષામાં મને આપજે. મેના રાજી થઇ. પૂર્વે પિતૃ કન્યા મેના, ધન્યા, કલાવતી, શ્વેનદ્વિપમાં વિષ્ણુના દર્શન કરી સભામાં બેઠી. ત્યાં સનકાદિકો પ્રભુના દર્શને આવ્યા. ત્યારે ત્રણેય કન્યાઓ ઊભી ન થઇ એટલે સનકાદિકોએ શાપ આપ્યો, જાવ પૃથ્વી પર મનુષ્ય જન્મ ધારણ કરો. શાપ સાંભળી ત્રણેય કન્યાઓ સનકાદિકને પગે લાગી. અપરાધ ક્ષમા માંગી. સનકાદિકે કહ્યું, આ પ્રભુ તમારો જમાઇ થશે. તે મેના હિમાલયનાં પત્ની થયાં. ધન્યા, શીરધ્વજ જનકના પત્ની થયાં. કલાવતી વૃષભાનુના પત્ની થયાં.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરે મેનાને કહ્યું, તમારે ત્યાં સતી જન્મ લેશે. ત્યારે હિમાલય અને મેના બંને ઉગ્ર તપ કરતા હતા. સતી પ્રસન્ન થઇ બોલ્યા શું જોઇએ. મેના કહે : તમે મારે ત્યાં કાલી નામથી અવતાર ધારણ કરી શંકરના પત્ની થાવ. સતી કહે : તથાસ્તુ. પછી હિમાલય મેનાને ત્યાં સતીએ જન્મ ધારણ કર્યો. દેવો-ગાંધર્વોએ ઉત્સવ કર્યો.