ભાગ · અધ્યાય ૪૦૩

શ્રીવેંક્ટેશ પ્રભુની સુમુતી, ભદ્રમતિ અને રામાનુજ વિપ્ર પર કૃપા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સીતાની છાયારૂપે રહેલી વેદવતી તે વેંકટાચળ પર્વતમાં વિયત રાજાને ત્યાં લક્ષ્મીરૂપે પ્રગટ થઈ. તે શ્રીનિવાસ પ્રભુનો મહિમા હું કેટલો કહું. પૂર્વે સુમુતી બ્રાહ્મણ ધર્મકર્મથી રહિત થઇ બ્રહ્મરાક્ષસ જેવો થયો. તેના પિતાએ વેંકટેશ પ્રભુના દર્શન કરાવી ત્યાં તીર્થમાં સ્નાન કરાવી બ્રહ્મરાક્ષસથી મુક્તિ મેળવી. એ જ રીતે ભદ્રમતિ બ્રાહ્મણ અતિ દરિદ્ર હતો. ધર્મવાળો શાસ્ત્રને જાણનારો હતો. પણ આ જગતમાં સંપત્તિવાળો પંડિત ગુણીયેલ અને ડાયો ગણાય છે. સંપત્તિ વિનાનો મુર્ખ, ગુણહિન ગાંડો ગણાય છે. બ્રાહ્મણની પતિવ્રતા પત્ની કહે, તમે વેંકટાચળ પર્વત પર રહેલા સુવર્ણ મુખરી તીર્થમાં જાવ, તે પ્રભુ આપણું દારિદ્રય જરૂર ટાળશે. તે તીર્થમાં સ્નાન કરવાથી સર્વે પાપથી રહિત થવાય છે. દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. વિપ્ર ત્યાં ગયો. વેંકટેશ પ્રભુના દર્શન કરી તીર્થમાં સ્નાન કરી દાન કર્યું. ત્યાં પ્રભુએ પ્રગટ થઇને દર્શન દીધા. વિપ્રે સ્તુતિ કરી.

પ્રભુએ આશિર્વાદ આપ્યા કે, આ લોકમાં સુખસંપત્તિ મેળવી મારી ભક્તિથી અંતે મારા ધામને પામીશ. ત્યાં રામાનુજ નામે બ્રાહ્મણે જપ અને તપથી પ્રસન્ન થયેલા પ્રભુ વિપ્રને કહ્યું, વરદાન માંગ. વિપ્ર કહે, પ્રભુ હું તમારા દર્શનથી કૃતાર્થ થયો છું. હે પ્રભુ, યોગીઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ, નૈષ્ટિકો, કર્મકો, દેવો, પિતૃઓ તમારા દર્શન કરી શકતા નથી. તે પ્રભુ તમે મને દર્શન આપ્યા. મારા અહોભાગ્ય. હે પ્રભુ, તમારામાં મારી ભક્તિ અવિચળ રહો. પ્રભુ મને તમારા ચરણમાં વાસ આપો. રામાનુજ વિપ્રની સ્તુતિથી પ્રસન્ન થયેલા વેંકટેશ પ્રભુ કહે જે મારી ભક્તિ કરનારા ભક્તોમાં મારા દર્શન કરે છે. તે સર્વે વૈષ્ણવો કૃષ્ણતુલ્ય છે. અને જે મારી ભક્તિ કરનારી નારી છે તે સર્વે રાધા-રમા, શ્રી, માણકી, લક્ષ્મી, પ્રભા અને પાર્વતી સમાન છે.