ભાગ · અધ્યાય ૨૦૩

નારદજીને શંકર પાસેથી દીક્ષામંત્રની પ્રાપ્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માએ ફરીથી નારદને સૃષ્ટિ કરવાનું કહ્યું. જન્મ આપનારા, મંત્રને વિદ્યા આપનારા, પિતાની આજ્ઞાનું પાલન કરવું. નારદ કહે : મારી પૂર્વે ઘણા ઋષિઓ થયા તેને કેમ ન કહ્યું ? અને મને કહો છો. મેં સંસારનો પૂર્વે અનુભવ કર્યો છે. તેમાં કોઇ સુખિયો થયો નથી. માયાના દોષો ભગવાન ભજવા દેતા નથી. પૂર્વે જન્મમાં મેં ત્રણ પ્રકારની સ્ત્રીઓ જોઇ. સાધ્વી, પતિવ્રતા, સ્વાર્થી અને વિરોધી. સાધ્વી સ્ત્રી પતિની આજ્ઞામાં જ રહે. સ્વાર્થી વસ્ત્ર, આભૂષણ, ખાવા-પીવાના ભોગ માટે પતિની સેવા કરે છે, વિરોધી સ્ત્રી પોતાના પતિનો વિરોધ કર્યા કરે તેથી જેમાં મારું તમારું અને જગતનું કલ્યાણ હશે તે કાર્ય કરીશ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમાં મોક્ષની ઈચ્છાવાળાએ પિતાની આજ્ઞા મોક્ષ માટે પાલન કરવી. તેથી હે પિતાજી મને કૃષ્ણ મંત્ર આપો. જેથી હું ભક્તિ કરું અને કરાવું. બ્રહ્મા કહે : તો તું શંકર પાસે જા. તે જ્ઞાન અને ભક્તિના આચાર્ય છે. નારદે કૈલાસમાં શંકર પાસે જઇ પગે લાગી સ્તુતિ કરી. શંકરે આવવાનું કારણ પૂછ્યું. નારદ કહે : મંત્ર દીક્ષા માટે. શંકર પ્રસન્ન થઇ “શ્રીહરયે નમ:” શ્રીહરિનો મંત્ર સ્ત્રોત કવચ ધ્યાન સર્વે નારદને આપ્યું.