પુરુષોત્તમ માસની વદ એકાદશીની તિથીની પૂજનવિધિ - પાર્વતીપુત્રી વમ્રી પુરુષોત્તમ નારાયણને પતિભાવે પામી ધામમાં ગઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રાધાપુત્રી વિકુંઠાને જોઇને પાર્વતીને થયું હું પણ પુત્રીવાળી થાઉં. શંકરને પ્રાર્થના કરી. શંકરે માનસીપુત્રી વમ્રી આપી. શંકર-પાર્વતીને ત્યાં ઉત્સવ થયો. તેમાં દેવો, માનવો, ઋષિઓ આવ્યા. આશિર્વાદ આપ્યા. સાત ઋષિએ વમ્રીને જનોઇ વિધિ પ્રમાણે આપી. વમ્રી માતા-પિતાની સેવા કરી. વડ નીચે બેસી તપ કરતી. વૃક્ષની છાલના વસ્ત્ર, વલ્કલ, જટા ધારણ કરી, વડના પાન વડનો રસ પીને યોગ સમાધીમાં જતી. તપ કરતા યોગ સાધતા સર્વે સિદ્ધિને પ્રાપ્ત થઇ. સમાધીમાં મૂલાધાર ચક્રમાં ગણપતિના દર્શન કરતી. સ્વાધિષ્ટાનચક્રમાં બ્રહ્માના દર્શન કરતી. મણીપુરચક્રમાં વિષ્ણુના દર્શન કરતી. અનાહૃતચક્રમાં શંકરના દર્શન કરતી. વિશુદ્ધચક્રમાં આત્મતત્ત્વનું દર્શન કરતી. આજ્ઞાચક્રમાં પરમ ગુરુનું ધ્યાન કરી સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણનું દર્શન કરતી. વમ્રી ક્યારેક સમાધી કરી શ્રીપુર, અમૃત, વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામમાં દર્શન કરવા જતી, તથા અનેક બ્રહ્માંડોમાં અનેક ઇશ્વરોના સ્થાનોમાં જતી. અનેક સ્વરૂપ ધારણ કરી અનેક સ્થાનોમાં જવા છતાં એકરૂપે વડ નીચે વાસ કરવાથી વટપુત્રી વટસાવિત્રી એવા નામથી પ્રસિદ્ધ થઇ. વટસાવિત્રી વ્રત કરવાથી પતિનો વિયોગ થતો નથી અને દારિદ્ર નાશ પામે છે.
તે વમ્રી સમાધીમાં બ્રહ્માંડમાં જ્યાં જ્યાં જતી ત્યાં ઇશ્વરોમાં, દેવોમાનવોમાં, દૈત્યોમાં, સર્વે સ્થાનોમાં સર્વેના યુગલ સ્વરૂપ જોઇને પોતાને પણ પતિ કરવાની ઈચ્છા થઇ. ત્યાં આકાશ માર્ગે દિવ્ય પ્રચેતા નામે દશ દેવોને જતા જોયા અને તેની વૃત્તિ રજોગુણવાળી થઇ. ત્યાં અધિક માસનું નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસની વદ એકાદશીનું વ્રત કરનારાને ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થશે. માટે નરનારીઓ દેવદેવીઓ સર્વે આ વ્રત કરીને પુરુષોત્તમ નારાયણ પાસેથી વરદાન પ્રાપ્ત કરો. પ્રભુના પાર્ષદ એવા નગારાનું આવું વચન સાંભળી વમ્રી તેના પાસે આવી. નગારાની પૂજા કરી દશ વાર માગ્યું કે, મને પતિ આપો.
વમ્રીની યાચના સાંભળીને નગારું કહે : તથાસ્તું. એમ કહી નીકળી ગયું. વમ્રી વડ નીચે આવી બેસી ગઇ. ફરી નગારું કહે : પુરુષોત્તમ નારાયણનું પૂજન કરજે. તરત સંકલ્પ પૂર્ણ થશે. સાંભળીને વમ્રીએ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ કરીને, પંચામૃતથી સ્નાન કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરીને, વસ્ત્ર-આભૂષણો ધારણ કરાવી, નૈવેદ્ય ધરી, આરતી કરી, દંડવત્ પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી, રાત્રે જાગરણ કરી, ગીત સાથે નૃત્ય કરી, ડમરું વગાડતી હતી. ત્યાં સર્વે વનદેવીઓ આવી. વમ્રીએ સર્વેને પ્રસાદ આપી પોતે ગ્રહણ કર્યો. શંકર આવું ભગવાનનું પૂજન જોઇને પ્રસન્ન થયા. આશિર્વાદ આપ્યા તારી ઈચ્છા પૂર્ણ થાય - સુખી થા. વમ્રીએ વિસર્જન કર્યું ત્યાં પુરુષોત્તમ નારાયણ સાક્ષાત્ પ્રગટ થઇ બોલ્યા, તારી ઉપર પ્રસન્ન થયો છું. તારા મનમાં જે ઈચ્છા હોય તે માગી લે. વમ્રી કહે : હે પ્રભુ, તમે મારા પતિ થાવ. પુરુષોત્તમ નારાયણ કહે : તું દશ વાર બોલી પતિ આપો. તેથી તું અનેક સ્વરૂપવાળી થઇશ. એક રૂપે તું ધામમાં મારી પત્ની રૂપે રહીશ. બીજે રૂપે પાર્વતીની સેવામાં પુત્રી રૂપે, ત્રીજે રૂપે રૂદ્ર પુત્રી કુમારી વટસાવિત્રી રૂપે રહીશ. તું દશ પ્રચેતા દેવોની પત્ની થઇશ. પણ તું આ શરીરને યોગ્ય નથી, તેથી તારા દશ સ્વરૂપો વૃક્ષ, વેલી, ખળ, થુંબળા, શાકપત્ર, કંદમોલ, ઠંડા, સળી કરું છું. તે દશ પ્રચેતારૂપ ગ્રહણ કરજે. એમ કહીને પુરુષોત્તમ નારાયણ તે વમ્રીને અક્ષરધામમાં લઇ ગયા. એ રીતે પુરુષોત્તમ માસની વદ કમલા એકાદશીનું વ્રત કરી, પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી પાર્વત્રી પુત્રી પુરુષોત્તમ નારાયણને પતિભાવે પામીને અક્ષરધામમાં ગઇ. પુરુષોત્તમ માસની આ કથા વાંચનાર, સાંભળનાર પણ ઈષ્ટ સિદ્ધિને પામશે.