પુરુષોત્તમ માસની સુદ ચોથની તિથીની પૂજનવિધિ - ક્ષીરસાગર પુત્રી રમા નારાયણના પત્ની થયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નરનારાયણ ભગવાન અને અધિક માસ અક્ષરધામમાંથી પુરુષોત્તમ નારાયણના આશિર્વાદ લઇને આ લોકમાં આવ્યા. ત્યાં શ્રીકૃષ્ણ ભગવાનથી સત્કાર પામ્યા. ત્યાંથી વૈકુંઠમાં આવ્યા. ત્યાં લક્ષ્મીનારાયણે સત્કાર કર્યો. એ રીતે પુરુષોત્તમ માસ પૂજ્યપણાને પામ્યો. પુરુષોત્તમ માસને જે જનો જે ભાવથી ભજશે તે જનો વૈકુંઠ, ગોલોક, બ્રહ્મધામમાં જશે. આ રીતે ભગવાનનાં પાર્ષદોએ ચૌદલોકમાં મહાનગારું વગાડ્યું. પુરુષોત્તમ માસની ચતુર્થીએ રમા દાસીઓ સાથે ક્ષીરસાગરથી વૈકુંઠ આવી નારાયણને વરમાળા પહેરાવી પત્ની થયા. લક્ષ્મીએ પૂછ્યું, નારાયણ તારા પતિ કેમ થયા ? ક્ષીરસાગર પુત્રી રમાએ કહ્યું, પુરુષોત્તમ નારાયણના પાર્ષદોનું પુરુષોત્તમ માસનું નગારું સાંભળીને નારાયણની પુરુષોત્તમની ચોથને દિવસે પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, કેશર, ચંદન, પુષ્પ, તુલસીથી પૂજા કરી, નૈવેદ્ય, મિષ્ટાન્ન ધરાવી, મુખવાસ અર્પણ કરી, આરતી, સ્તુતિ કરવાથી પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થયા અને મને પત્ની ભાવે ગ્રહણ કરી.
રમા કહે : કુમારીનું શરીર જન્મથી અશુદ્ધિવાળું યજ્ઞોપવિત સંસ્કારથી રહિત, એમ નારીનો દેહ અશુદ્ધ હોવા છતાં હું પુરુષોત્તમ નારાયણની ભક્તિથી પત્ની ભાવને પામી. લક્ષ્મીનારાયણ પ્રસન્ન થયા રમાને કહે : વરદાન માગ. રમા કહે : સદા કુમારી રહી, રજસ્વલાના દોષથી રહિત થાઉં, અને તમારી પત્નીભાવને પામું. નારાયણ કહે : તું મને પામીને સૌભાગ્યવાળી થઇ છો માટે તને ક્યારેય સગર્ભાપણુ નહીં થાય અને સદા મંગલ સ્વરૂપે રહીશ. એવી રીતે ક્ષીરસાગર પુત્રી રમાને લક્ષ્મીનારાયણ ભગવાને આશિર્વાદ આપી વૈકુંઠમાં વાસ આપ્યો.