નરનારાયણ દ્વારા વિશાલ રાજાને ઉપાસનાથી પ્રાપ્તિનું જ્ઞાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે કાશીમાં વિશાલ રાજા હતો. ભાઇઓએ રાજ્ય લઇ લીધું તેથી ગંધમાદન પર્વત પર તપ કરવા ગયો ત્યાં નરનારાયણ ભગવાન વિપ્ર વેષે આવી કહ્યું, કોનું ભજન કરે છે ? રાજા કહે, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરું છું. નરનારાયણ કહે : તારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માંગ. રાજા કહે, તમે કોણ છો ? નર કહે, પૂર્વે સર્વે અવતારો ધારણ કરી સર્વનું કલ્યાણ કર્યું તે આ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પોતે છે. તે અત્યારે કુંકુમવાપી સૌરાષ્ટ્રમાં પ્રગટ થયા છે. વેદજ્ઞાનની પ્રાપ્તિ માટે મત્સ્ય ભગવાનની ઉપાસના કરવી. શરીરપુષ્ટિ માટે કર્મની ઉપાસના કરવી. રાજ્ય લાભ માટે વરાહ ભગવાનની ઉપાસના કરવી. પાપી અને શત્રુના નાશ માટે નરસિંહ ભગવાનની ઉપાસના કરવી. સમ્રાટ રાજા થવા માટે વામન ભગવાનની ઉપાસના કરવી. શત્રુ નાશ માટે પરશુરામની ઉપાસના કરવી. ધર્મબુદ્ધિ માટે રામ ભગવાનની ઉપાસના કરવી. ગોલોક આદિ ધામની પ્રાપ્તિ માટે કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી. રાગદ્વેષ આદિક દોષના નાશ માટે કલ્કી ભગવાનની ઉપાસના કરવી. પરમધામમાં જવા માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણની ઉપાસના ભક્તિ કરવી.
નરનારાયણ ભગવાન કહે : હે રાજા, તે પ્રભુને પ્રસન્ન કરવા. એકાદશી અને બારશ, હરિવાસર આ બે દિવસે ઉપવાસ કરી, ભજન કરજે. તેથી તું ફરીથી રાજ્ય અને સામર્થીને પામીશ. એમ કહીને સુદર્શનચક્ર આપી અદૃશ્ય થયા. વિશાલ રાજા પ્રભુના પ્રતાપે શત્રુને જીતી ચક્રવતી રાજા થયા. તેણે ઋષિઓ માટે પર્ણશાળાઓની નગરી રચી તેથી તેનું વિશાલ બદ્રી નામ થયું. તે વિશાલ રાજા કુંકુમવાપી તીર્થયાત્રા કરી શ્રીહરિની ભક્તિ કરી ધામમાં ગયો.
પૂર્વે સત્યુગમાં ભદ્રાશ્વ રાજા થયો. તે પત્ની સાથે તીર્થ કરતો, દાન કરતો, તેને ઘેર અગત્સ્ય ઋષિ આવ્યા. રાજાએ પગે લાગી આદર સત્કાર કર્યો. અગત્સ્યઋષિ કહે, રાજા તું અને તારી રાણી પૂર્વે જન્મે વૈશ્યના નોકરો હતા. પરંતુ દર બારશે વિષ્ણુ મંદિર જઈ ધૂપ, દીપ કરી, નૈવેદ્ય ધરી, ધ્યાન કરીને, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતા. તે પુણ્યે આ જન્મે તમે રાજા-રાણી થયા છો. હે રાજન, એક જ દિવસના પુણ્યથી રાજ્યની પદવી મળે તો તે પ્રભુનું દરરોજ પુજન, વંદન, તુલસી, પુષ્પ, જળ, ફળ, નૈવધ અર્પણ, આરતી, સ્તુતિ કરે તેના પુણ્યનું વર્ણન કરવા કોઇ સમર્થ થતો નથી. મંદિર વાળવું, લીપવું, ધોવું, પાત્રો સ્વચ્છ કરાવી તથા પાદ પ્રક્ષાલન, શરીર દાબવું, વસ્ત્રો ધોવા વગેરે સેવાથી પ્રભુ અતિ પ્રસન્ન થાય છે. સત્યુગમાં એક વર્ષ પુણ્ય કરે. ત્રેતાયુગમાં છ માસ પુણ્ય કરે, દ્વાપરમાં ત્રણ માસ પુણ્ય કરે અને કળીયુગમાં એક દિવસ “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર નો જપ કરે તે સર્વેનું પુણ્ય સરખું થાય છે. તેથી શ્રીહરિનું ભજન કરનારા રાજા, પ્રજા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રી સર્વે સાધુ છે. પછી તે રાજાએ ભદ્રીકા નદીકાંઠે ભદ્રેશ્વર નામથી મહાદેવનું મંદિર કર્યું.