ભાગ · અધ્યાય ૪૮૨

સતી અનસુયાને ત્યાં ત્રિદેવોના અંશરૂપ ચંદ્ર, દુર્વાષા અને દત્તાત્રેય પુત્રરૂપે થયા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માના પુત્ર અત્રિ ઋષિ તપસ્વી જ્ઞાની અને યજ્ઞ કરનારા હતા. તેને પુત્રની ઈચ્છા થઈ. તેના પતિવ્રતા પત્ની અનસુયાને કહ્યું, મેં બહું તપ કર્યું. તો પણ પુત્ર પ્રાપ્તિ ન થઈ. અનસુયા કહે, પતિવ્રતા સ્ત્રી બ્રહ્માંડમાં ધારે તે કરી શકે છે. મને તપ કરવાની આજ્ઞા કરો તો હું પુત્ર માટે તપ કરું. અત્રિ કહે, દેવ પિતૃ અને મનુષ્યનું ઋણ પુત્રથી અપાય છે. બીજા પુત્રની સમાન તારનારા, પત્ની સમાન કોઇ નથી માટે પુત્ર પ્રાપ્તિ અર્થે તપ કર. પતિની આજ્ઞા મેળવી અનસુયા તપમાં બેઠા. ભુખ્યા, તરસ્યા, સો વર્ષ તપ કર્યું, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બ્રાહ્મણ વેશે આવી, વેદમંત્રો બોલવા લાગ્યા. અનસુયા સાંભળી આશ્રમથી બહાર આવી અતિથિ દેવોને પગે લાગી, પગ ધોઇને પાણી પીધું, માથે ચડાવ્યું. પૂજા કરી, સ્તુતિ કરી. પ્રદક્ષિણા કરી, પ્રસન્ન થયેલા દેવો કહે, તારા પતિવ્રતા ધર્મથી અમો સંતોષ પામ્યા છીએ. શું ઈચ્છાથી તપ કરે છે ? અનસુયા કહે, યુવાનીમાં તપ, ભક્તિ, ધર્મ, પરમગતિ અને પુત્ર આ સર્વેની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધપણામાં કંઈ થતું નથી. આ સાંભળીને ત્રણેય દેવો પ્રસન્ન થયાં, અને કહે, તારા મનમાં જે ઈચ્છા હોય તે વર માંગી લે.

અનસુયા કહે, તમે ત્રણે દેવો મારે ત્યાં પુત્રરૂપે થાવ. ત્યારે વિષ્ણુભગવાન કહે, અમે ગર્ભમાં આવતા નથી. પણ વાયુને આજ્ઞા કરીએ છીએ તે ગર્ભરૂપે સર્વને બતાવે છે અને જન્મ સમયે બાળકરૂપે થઈએ છીએ. એમ કહી ત્રણે દેવો બાળકરૂપે થયા અને અદૃશ્ય થયા. અનસુયા પ્રસન્ન થઇને પતિ અત્રિ પાસે આવી. વરદાનની વાત કરી. પછી દશમે માસે અનસુયાને બ્રહ્માના અંશરૂપ ચંદ્રપુત્ર થયો. શંકરના અંશરૂપ દુર્વાષા થયા અને વિષ્ણુના અંશરૂપ દત્તાત્રેય થયા. એ રીતે ત્રણ પુત્રો થયા ને ત્રણે દેવોની પત્નીએ આવી પોતાના પતિની તથા સાસુ સસરાની પૂજા કરી. પછી ત્રણે દેવો કહે, અમે તપ કરવા જઈએ. ત્યારે માતાએ કહ્યું, લાલનપાલન માટે પુત્રો થયા અને તપ કરવા શું કામ જાવ છો ? સાંભળીને દેવપુત્રો કહે, માતા અમે બે સ્વરૂપ ધારણ કરી એકરૂપે તમારી પાસે રહેશું. બીજે રૂપે તપ કરવા જશું. એ રીતે સતી અનસુયાનો પુત્રપણાનો સંકલ્પ પ્રભુએ પૂર્ણ કર્યો. પછી અત્રિ ઋષિએ શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર દત્તાત્રેય પાસેથી લીધો અને ભક્તિ કરી.