ભાગ · અધ્યાય ૭૩

વિધિ-નિષેધ તેમજ શ્રાદ્ધ સમજણ

શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, મનુષ્યને વિધિ-નિષેધના જે નિયમ છે તેનું પાલન કરવાથી સુખ થાય છે. પાંચ વર્ષના બાળકને તેના કર્મનું પાપ લાગતું નથી. બાર વર્ષ સુધીનાને અર્ધુ પાપ લાગે છે. બાર વર્ષ પછીનાને પોતાને કરેલા સર્વે કર્મનું ફળ ભોગવવું પડે છે. પિતા જ્યારે પુત્રનું મુખ જુવે ત્યારે પુત્ર ઋણમાંથી મુક્ત થાય છે. તે ઔરસ પુત્ર તેણે પિતૃઓનું શ્રાદ્ધ, ત્રિમાસિક, અથવા છમાસિક અથવા વર્ષે કરવું. પુત્ર ન હોય તો પત્નીએ. પત્ની ન હોય તો ભાઇએ, ભાઇ ન હોય તો ભત્રીજાએ અથવા પુત્રીએ શ્રાદ્ધ કરવું. પિતાના પ્રાણ જવાના સમયે પુત્ર-કુટુંબ વગેરે દાનનો સંકલ્પ કરીને રામ કૃષ્ણ, હરે કૃષ્ણ, શ્રીહરિ શરણં મમ, વાસુદેવ નારાયણ હરે વગેરે ભગવાનના નામનું ઉચ્ચારણ કરી ધૂન કરવી. જેથી મરનારની વૃત્તિ ભગવાનમાં રહે.