શંકરનું હિરણ્યકશિપુને વરદાન
આ અધ્યાય 135–136 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, હિરણ્યાક્ષનો નાશ થવાથી મોટો હિરણ્યકશિપુ બધા દૈત્યોને બોલાવીને કહે : વિષ્ણુ વરાહનું રૂપ લઇ મારા ભાઇને મારી નાખ્યો. માટે વેર લેવું છે. દૈત્યો સર્વે જીવતા છે. અને વિષ્ણુ સુખેથી જીવે તો આપણે બધાં ઘાસ ખાતા કહેવાય. માટે કાં વિષ્ણુ નહીં, કાં આપણે નહીં. હું તપ કરવા જાઉં છું. તમે બધા બ્રાહ્મણના વેશ લઇ યજ્ઞ ધર્મ-કર્મનો નાશ કરો તેથી દેવોનું બળ ઘટી જાય. એમ દૈત્યોને કહીને મંદરાચળ પર દશ હજાર વર્ષ નિરાહાર રહી તપ કર્યું. તેના તપના તેજથી સર્વે લોકો, દેવો ત્રાસ પામ્યા. ક્ષીર સમુદ્રમાં રહેલા વૈકુંઠમાં શેષશાયી વિષ્ણુ પાસે આવ્યા પ્રથમ બ્રહ્મા પાસે આવ્યા. બ્રહ્મા શંકરને લઇને હિરણ્યકશિપુ પાસે આવ્યા. બ્રહ્મા કહે : આ શંકર તને વરદાન દેવા આવ્યા છે. તપમાંથી બેઠો થા. હિરણ્યકશિપુ શંકરને નમસ્કાર કરીને કહે, જો તમારે મને વરદાન આપવું હોય તો હું કોઇનાથી ન મરુ. દેવ-દૈત્ય, અસુર, રાક્ષસ, દાનવ, માનવ જીવપ્રાણીમાત્ર, જળ, ચૈતન્ય, પશુ-પક્ષી, આકાશમાં, પૃથ્વીમાં, ઘરમાં, બહાર કોઇથી ન મરું. રૂદ્ર કહે : તથાસ્તુ. કહી પોતાના સ્થાનમાં ગયા.
વરદાન પ્રાપ્ત કરી હિરણ્યકશિપુ સર્વે દેવોને જીતી પોતાને વશ કર્યા. બ્રહ્માના સત્યલોક સિવાય બધા લોકની સંપત્તિ કબજે કરી. દૈત્યો સર્વે દેવોને, ઋષિ-મુનિઓને, સાધુઓને પીડવા લાગ્યા. યજ્ઞ, કર્મકાંડ, પૂજન, વિધિ સર્વે બંધ કર્યા. કોઇ રક્ષણ કરનારું રહ્યું નહીં. ત્યારે સર્વે ઇંન્દ્રાદીક દેવો પિતૃઓ વગેરે ક્ષીર સમુદ્રમાં વિષ્ણુ પાસે આવ્યા સ્તુતિ કરી “શરણાય નમ:”.