ભાગ · અધ્યાય ૪૪૭

પતિવ્રતા કલાવતીના ઉપદેશથી દાસાહર રાજા ભક્ત બન્યો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે મથુરાનો દાસાહર રાજા વેદશાસ્ત્ર ભણેલો ન્યાય નીતિવાળો હતો. તે કાશીરાજાની કન્યા કલાવતીને પરણ્યો. તે રાણી શ્રીકૃષ્ણનારાયણની ભક્તા અને પતિવ્રતા હતી. અખંડ પ્રભુની સેવામાં જ રહેતી. રાજા રાત્રે તે રાણીના શયનમાં ગયો. રાણી રાજાને પગે લાગી બહાર નીકળી ગઇ. બીજીવાર પણ તેમજ થયું. ત્રીજીવાર રાજા અતિ કામનાથી રાણી પાસે આવ્યો. ત્યારે રાણીએ કહ્યું, રાજન મારો સ્પર્શ કરતા નહીં હું વ્રતમાં છું. વ્રત ભંગ કરનારને દુ:ખ આવે છે. પુરુષે ક્યારેય પણ રજસ્વલા પત્નીની ઈચ્છા વિના પાસે જવું નહીં. દંપતીને સ્નેહના યોગે જ સુખ મળે છે. રાણીએ આમ કહેવા છતાં રાજાએ સ્પર્શ કર્યો. ત્યારે રાણીના શરીરમાં ગૂઢ અગ્નિ પ્રગટ થયો. તે રાજાને તાપ આપવા લાગ્યો. રાજા આ ચમત્કાર જોઇ આશ્ચર્ય પામી રાણીને પૂછ્યું તારું શરીર અગ્નિમય કેમ થયું.

રાણી કહે, મેં પૂર્વે જન્મે બ્રહ્મચર્ય પાળ્યું છે. તેથી આ જન્મે અગ્નિ મારી રક્ષા કરે છે. માટે રાજા મારી ઈચ્છા વિના ઋતુધર્મ વિના મારો સ્પર્શ કરીશ તો ભસ્મ થઈશ. દુર્વાસા ઋષિએ મને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ પતયે સ્વાહા” મંત્ર આપ્યો છે. તેનો હું સતત જપ કરું છું. હે રાજા તું માંસ ભોજન કરી, મદિરા પીને, ગણિકા, દાસી, કુલટા સાથે વ્યવહાર કરે છે. તેથી તું ક્ષત્રિય હોવા છતા નિસ્તેજ દેખાય છે. તું સ્નાન કરતો નથી. જપ, તપ, શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરતો નથી. તેથી મારો સ્પર્શ કરી શકતો નથી. માટે હે રાજા કામ સુખનો ત્યાગ કરી. આત્મસુખ, બ્રહ્મસુખ પ્રાપ્ત કર, યોનિલુબ્ધ યોનિ જન્મને પામે છે. શ્રીહરિના ભક્તો હરિધામ પામે છે. રસકસવાળું ભોજન ધાતુની પુષ્ટિ કરી કામસુખને વધારે છે. તેથી શ્રીહરિને સંભાર્યા વિના જે ભોજન કરે છે તેને ધિક્કાર છે. જે દંપતી સર્વ ક્રિયામાં શ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ નથી કરતા તેને ધિક્કારે છે.

માટે હે રાજા જેમ રોગીને ઔષધમાં, તરસ્યાને પાણીમાં, ભુખ્યાને અન્નમાં, પિતાને સદ્ગુણી પુત્રમાં જેમ હેત થાય છે. તેમજ કામી પુરુષને સ્ત્રીમાં હેત થાય છે. તેવી રીતે જેને શ્રીહરિમાં ને બ્રહ્મનિષ્ટ સંતમાં સ્નેહ થયો તેને આ સંસાર તરવો સુગમ થાય છે. આ રીતે રાણીએ રાજાને ઉપદેશ આપ્યો. ત્યાં ગર્ગાચાર્ય આવ્યા. રાજા ગર્ગાચાર્યને આસન આપી પગે લાગીને કહે, ગુરુ આને મંત્ર આપી શુદ્ધ કરો. ગર્ગાચાર્ય રાજાને યમુના નદી કાંઠે લઈ જઈ સ્નાન કરાવી પૂર્વે મુખે બેસાડીને મસ્તક પર પાણી છાંટી હાથ મુકી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર આપ્યો. ત્યાં રાજાના શરીરમાંથી હજારો કાગડાઓ નિકળી રાડો પાડતા પૃથ્વી પર પડી ભસ્મ થઈ ગયા. રાજા-રાણી આ દૃશ્ય જોઇ આશ્ચર્ય પામીને ગુરુને પૂછ્યું, આમ કેમ થયું ? ગર્ગાચાર્ય કહે, રાજા તારા પૂર્વના હજાર જન્મના પાપો આ પ્રભુનો મંત્ર લેવાથી તારા શરીરમાંથી નિકળી ભસ્મ થયા. હવે તુ આ પ્રભુના મંત્રનો એક લાખ જપ કરજે. એટલે તું તેજસ્વી થઈશ અને તારી પત્નીને સ્પર્શ કરવા યોગ્ય થઈશ. પછી રાજા ગુરુની આજ્ઞા પ્રમાણે મંત્ર જપ કરી પ્રભુનો ભક્ત વૈષ્ણવ બની પતિવ્રતા ભગવાનની ભક્તા પત્ની પાસે જઈ શક્યો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ અને પતિવ્રતાથી જે ચમત્કાર થયો તે તને કહ્યો.