પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞામાં રહેવું અને કુટુંબમાં સર્વેની સેવા કરવી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગોલોકમાં કૃષ્ણપત્ની રાધીકા પણ પોતાની પુત્રીઓ લક્ષ્મી- ગંગા, સરસ્વતી, પદ્મા, પ્રભા, પાર્વતીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપતી હતી. સ્ત્રીઓને પતિવ્રતાથી મહાન ધર્મ એકેય નથી. ત્યાગી ગૃહસ્થ વિધવા વૈષ્ણવોના સર્વે ધર્મોમાં પતિવ્રતા સમાન બીજો કોઇ ધર્મ નથી. પતિની સેવા કરી કૃષ્ણને નૈવેધ ધરી પ્રસાદ જમનારી જીવનમુક્તા થાય છે. મંત્ર ગ્રહણ કરી, ગુરુની સેવા કરી, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી પતિવ્રતા થાય છે. પિતાથી માતા સો ગણા મહાન છે, માતાથી સોગણા મંત્ર આપનારા સદ્ગુરુ મહાન છે, ગુરુ, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ગુરુ સાક્ષાત નારાયણ છે. ગુરુ પ્રસન્નતાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. ગુરુના ચરણામૃત પીવાથી સર્વે તીર્થફળ મળે છે. સ્ત્રીએ પતિના પગ ધોઇને તે પાણીથી સ્નાન કરવું. ગંગાજળથી શાલીગ્રામ જળ દશ ગણું શ્રેષ્ટ છે. તેનાથી દશગણું શ્રેષ્ઠ પતિના ચરણામૃતનું જળ છે. સાધ્વી સ્ત્રીએ પતિના પગ ધોઇને પાણી પીવું અને પ્રસાદ ભોજન લેવો તે દેવતા સમાન થાય છે. પતિસેવા પરાયણ મહાસાધ્વીના મુખમાંથી નીકળતું નારાયણનું નામ કોઇ સાંભળે તો તે પણ પવિત્ર થાય છે. એવી સાધ્વી લાખો માનવોનો ઉદ્ધાર કરે છે.
જાતીહિન, જ્ઞાનહિન, વિદ્યાહિન, ક્રિયાહિન હોવા છતાં જે પતિવ્રતા હોય તો લક્ષ્મી તુલ્ય થાય છે. ધનહિન, અલ્પાયુ, મુર્ખ, વિદ્યાહિન, વંશહિન, રોગી, ધર્મ, કર્મથી રહિત, દુરાચાર પતિત આ સર્વેને સાધ્વી પતિવ્રતા આશીર્વાદથી સુખીયા કરી જીવન સુધારી ભક્તી- મુક્તિ આપે છે. સંન્યાસથી નરનારાયણ થાય છે. તેમ પતિ સેવાથી નારી નારાયણી થાય છે. જેમ સંન્યાસીના ચરણથી પૃથ્વી પાવન થાય છે તેમ સતી, સાધ્વી, પતિવ્રતાથી પૃથ્વી પાવન થાય છે. પતિવ્રતાના દર્શનથી અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. ભોજન કરાવવાથી રાજસૂય યજ્ઞ ફળ થાય છે.
શ્રી રાધીકા કહે : હે પુત્રીઓ, તમને પતિસેવાના વિશેષ ધર્મ સમજાવું. વ્રત, તપ, પૂજન સર્વે પતિની આજ્ઞામાં રહીને કરવું. ચરણસેવા કરી મધુર વચનોથી સંતોષ પમાડવો. પરપુરુષને રજોભાવથી જોવો નહીં. યાત્રા, ઉત્સવ, નૃત્ય, ગાવું, ક્રિડા, સર્વે પતિની પ્રસન્નતા માટે કરવા. પોતાનો પતિ જે જમતો હોય તે જ સાધ્વીએ જમવું. પતિ સામો વિવાદ કરવો નહીં, તાડન કરવા છતાં ક્રોધ ન કરવો, પતિ સૂતો હોય તયારે જગાડવો નહીં, પુત્રથી પણ અધિક સ્નેહ પતિમાં કરવો, દેવોનું ઋષિ-મુનિઓનું તેજ સતીમાં રહે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઋષિ-મુનિઓ સાક્ષાત નારાયણ પતિવ્રતાથી ભય પામે છે. ત્રિલોકીને ભસ્મ કરવા સતી સમર્થ છે.
સવારમાં જાગી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી એકાંતિક ભાગવત ભક્ત જે રીતે પુરુષોત્તમ નારાયણની મૂર્તિની પૂજા, નૈવેધ, આરતી, સ્તુતિ, દંડવત, પ્રદક્ષિણા કરે છે તે જ રીતે પતિવ્રતાએ પોતાના પતિને પરમેશ્વર માનીને પૂજા કરવી. પૂર્વે પતિવ્રતાનો ધર્મ કંભરાલક્ષ્મી, પદ્મા, સરસ્વતી, ધરા, ગંગા, રમા, સાવિત્રી, પાર્વતીએ પાલન કર્યો હતો તથા જયા, લલીતા, માણિકી, મોહિની, પ્રભા તેણે પણ પતિવ્રતા ધર્મપાલન કરીને બીજી સ્ત્રીઓને પાલન કરાવ્યો છે. નરનારી જે આ પતિવ્રતાની કથા સાંભળશે તે ઇચ્છિત સર્વે પામશે. જેના ઘરમાં માતા નથી, પતિવ્રતા સ્ત્રી નથી તેનું ઘર સ્મશાન જેવું લાગે છે. જે સ્ત્રી પતિનો દ્વેષ કરે છે, તિરસ્કાર કરે છે, ભોજન નથી આપતી, દુષ્ટ વચનોથી દુ:ખ આપે છે, એવી પાપી સ્ત્રીઓ આ જગતમાં તૃણ સમાન જીવન જીવી અંતે નારકી થાય છે. તેથી પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞામાં રહીને કુટુંબમાં રહેલા માતા-પિતા, ગુરુ, પુત્ર, શિષ્ય, ભાઇ, બહેન, સર્વેની સેવા કરવી. વડીલોમાં પૂજ્ય બુદ્ધિ રાખવી.