ભાગ · અધ્યાય ૪૬૯

નાગપત્નીની પ્રાર્થનાથી શ્રીકૃષ્ણે કાલીનાગને જીવનદાન આપ્યું

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર કૃષ્ણપ્રભુ ગોવાળીયા, ગાયો, વાછરડાંને ચારતા યમુના કાંઠે પાણી પીવા લઇ ગયા. ત્યાં સર્વેએ પાણી પીધું. પાણી ઝેરવાળુ હોવાથી કેટલાક મૂર્છા પામ્યા. કેટલાક મરી ગયા. શ્રીકૃષ્ણે સર્વેને જીવતા કરી કદંબના વૃક્ષ પર ચડી વિરાટ રૂપે યમુનામાં પડ્યા. કાલી નાગ ક્રોધ કરી પકડવા ગયો. ત્યાં પ્રભુએ માથામાં પ્રહાર કર્યો. તેથી લોહીનું વમન થયું. તરત નાગપત્ની આવી પ્રભુને પ્રાર્થના કરી. અમારા પ્રભુને જીવતદાન આપો. અમે તારા શરણે આવ્યા છીએ. શ્રીકૃષ્ણ પ્રભુએ સર્વેને અભયદાન આપી કહ્યું, મારા પગના ચિહ્નવાળા તારા વંશના સાપ કોઇ મારશે તેને બ્રહ્મહત્યા લાગશે. તે શાપથી ખરડાશે. અને તું હવે રમણિક દ્વિપમાં જતો રહે. કાલીનાગ કહે, પ્રભુ અમને ગરૂડ ખાઇ જતો હતો. તેથી આ યમુનામાં રહ્યા. એકવાર સાંભરી ઋષિ યમુના કાંઠે તપ કરતા હતા ત્યાં ગરૂડ આવી માછલાં ખાવા માંડ્યો. સાંભરી કહે, મારી સામે તું હિંસા કરે છે. માટે જા અહીં તું આવીશ તો તારૂ મૃત્યુ થશે. તેથી ગરૂડ અહીં યમુનામાં આવી શકતો નથી. એ રીતે પ્રગટપ્રભુના શરણથી નાગપત્નીએ કાલી નાગનું રક્ષણ કર્યું.