ભાગ · અધ્યાય ૧૧૮–૧૧૯

અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ તેમજ પરમધામ વર્ણન

આ અધ્યાય 118–119 સંયુક્ત છે

શંકર કહે : સતી, હવે હું તમને અક્ષરધામની વાત કહું. તે પરમધામ એટલું તેજસ્વી છે કે તેનું વર્ણન કોઇથી થઇ શકે નહીં. ત્યાં જે તારાઓ છે તે સૂર્યસમાન પ્રકાશ કરે છે. બ્રહ્માથી કરોડગણું તેજ વૈરાટના કંઠમણિમાં છે. તેથી કરોડગણું તેજ મહાવિષ્ણુના શિરોમણિમાં છે. તેથી કરોડગણું તેજ વાસુદેવના મણિમાં છે. તેવા અનંત તેજવાળા મણિઓ અવ્યાકૃતધામમાં, બદ્રિકાશ્રમમાં, અમૃતધામમાં, શ્વેતદ્વિપમાં, શ્રીપુરમાં, વૈકુંઠમાં, ગોલોકમાં એવા તેજસ્વી મણિઓ છે. તે બધા ધામોનો તેજનો પિંડો કરીએ તો અક્ષરધામમાં સોપારી જેટલા પ્રદેશમાં લીન થાય. તેવું અક્ષરધામનું તેજ તથા મુક્તોનું તેજ તે બધું તેજ શ્રીહરિના એક રોમમાં સમાય જાય. એવું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિનું તેજનું કોઇ વર્ણન કરવા સમર્થ નથી. તેથી સર્વે વેદો તથા શાસ્ત્રો નઇતિ નઇતિ કહે છે.

શંકર કહે : હે પાર્વતી, તે પુરુષોત્તમ નારાયણ દિવ્ય મણિઓ, રત્નોથી શોભતા સિંહાસનમાં બિરાજમાન છે. સર્વે મુક્તો ચકોર પક્ષી જેમ ચંદ્રની સામુ જોઇ રહે તેમ મટકુ માર્યા વિના પ્રભુના દર્શન કરે છે. કરોડો સૂર્ય-ચંદ્ર અગ્નિની સમાન પ્રકાશવાળા મણિઓથી શોભતા કુંડળને ધારણ કરનારા. એવા જ તેજસ્વી મણિરત્નોથી શોભતા મુગટવાળા દિવ્ય હીરામોતી, રત્નોના હારવાળા, સોનાના હાર ધારણ કરેલા, તેજસ્વી ભાલમાં કેશર-ચંદન તથા તિલક, કુંકુમ, ચાંદલાથી શોભતા. મણિરત્નોવાળા સોનાના બાજુબંધમાં પોચીથી શોભતા, સ્ફટિકમણિ સમાન શોભતા નેત્રોવાળા. કોમળ સાત વળવાળી જલેબી જેવા કાનવાળા. દિવ્યશરીરમાં રહેલા અનેક તિલોથી શોભતા. સુવર્ણના વેઢ, વીંટીઓ, તોડા ઝાંઝરથી શોભતા, દાડમની કળી જેવા દાંત પંક્તિથી શોભતા, સત્યાવીશ સેરવાળો સોનાના કંદોરાને ધારણ કરનારા. મલમલની ગાદી-તકિયાથી શોભતા. છત્ર, ચામર, અબદાગિરિ વગેરેથી શોભતા, હજારો ફેણવાળા, છત્રરૂપી મહામુક્તથી શોભતા એવા તે રાજાધિરાજ પરમેશ્વર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ તેની મૂર્તિનું, વસ્ત્ર આભૂષણ- અલંકારોનું પણ કોઇ વર્ણન કરવા સમર્થ નથી.

તે શ્રીહરિનો દિવ્ય મંડપ તથા દિવ્ય સિંહાસન તેમાં રહેલા થાંભલાઓ હિરામણિ, રત્નો તે સર્વે મુક્તોના સ્વરૂપ છે. મુક્તો કિશોર અવસ્થા તે સ્વરૂપ ધારણ કરી પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે. શ્રીહરિના મહામંડપમાં રહેલી શોભા તે સર્વે મુક્તમય છે. પરમધામમાં પરબ્રહ્મનો મહેલ તે એક લાખ યોજનના વિસ્તારવાળો છે. એક હજાર યોજન ઊંચો. હજાર થાંભલાની એક પંક્તિ એવી એક હજાર પંક્તિ થાંભલાની, ચાર ખુણે ચાર શિખરો, મધ્યે ઘુમ્મટ, મહેલ ઉપર એક હજાર યોજનનો કોઠલો, કોઠલા ઉપર પંદરસો યોજનનું શિખર. શિખર ઉપર પાંચસો યોજનની પદ્મશિલા. તેની ઉપર દિવ્ય સોનાના સો કળશો. તેની પર એક કળશી. પાંચસો યોજન ઊચો ધ્વજદંડ. કરોડો સૂર્ય સમાન તેજસ્વી બે પૂંછડીવાળી પાંચસો યોજન લાંબી ધજાથી શોભતા તે શિખરનું કોઇ વર્ણન કરી શકે તેમ નથી. ધ્વજ દંડની પાટલી તે મુક્તાનિકાનું સ્વરૂપ છે. તથા તેમાં રહેલી ઘુઘરીઓ તે પણ મુક્તાનિકાના સ્વરૂપો છે. તે શિખર પર મુક્તો વિમાનમાં બેસી પ્રદક્ષિણા કરે છે. ત્યાં ઠંડા-ગરમ પાણીના કુંડો, મંદ, શિતળ, સુગંધવાળો વાયુ, દૂધ જેવો પ્રકાશ, સંકલ્પ પ્રમાણે સર્વે વસ્તુરૂપે થનારા તે મુક્તોથી ત્યાં સર્વ દર્શનમય જ હતું.

ત્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવા શ્રીહરિની પાસે ગુણાતિતાનંદ, ગોપાળાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, શુકાનંદ, શતાનંદ સૃવ્રત, નિષ્કુળાનંદ, ભૂમાનંદ, વિદ્યાત્રનંદ, વાસુદેવાનંદ, નિત્યાનંદ, અચિંત્યાનંદ, કૃષ્ણાનંદ, ત્યાગાનંદ, કૃપાનંદ, સ્વયંપ્રકાશ વગેરે પરમહંસો ચૈતન્યમય અક્ષર સ્વરૂપે નિર્ગુણ સ્વરૂપે શ્રીહરિની દિવ્ય સેવાઓ સંકલ્પ પ્રમાણે કરે છે. તથા અનંતકોટી હરિસ્વરૂપ મુક્તો તે શ્રીહરિના દિવ્ય સ્વરૂપનું દર્શન કરીને તૃપ્તિ પામતા જ નથી.

શંકર કહે : હે પાર્વતી, આવો તે શ્રીહરિનો મહામંડપ તથા શિખર મંદિર છે. ત્યારપછી ક્રમથી દિવ્ય પાંચ ગઢમાં પાંચ પ્રકારના મુક્તો રહેલા છે. તેને પણ શ્રીહરિની મૂર્તિના જ દર્શન થાય છે. તે મુક્તોના ભેદ અનંત છે. ત્યારપછી અક્ષરધામના સીમપ્રદેશમાં સર્વે અવતારોના ધામો તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વિપ, અવ્યાકૃત, અમૃતધામ, બદ્રિધામ વગેરે ધામો રહેલા છે. તથા મત્સ્યધામ, કુર્મધામ, વરાહધામ, કપિલધામ, હરિધામ, વાસુદેવધામ, પૃથુધામ, દત્તાત્રેયધામ, હંસધામ, નરસિંહધામ, યજ્ઞધામ, ઋષભધામ, વામનધામ, પરશુરામધામ, રામશાકેતધામ, કુમારધામ, હયગ્રીવધામ, નારદધામ, રાજરાજધામ, વ્યાસધામ, બુદ્ધધામ વગેરે અન્ય ધામો રહેલા છે. અવતારોની કોઇ સંખ્યા જ નથી.