ભગવાન નૃસિંહ દ્વારા ભક્ત પ્રહલાદની રક્ષા
નૃસિંહ ભગવાને અતિ તેજસ્વી વિકરાળ ભયંકર સ્વરૂપ બતાવ્યું. તે જોઈ દૈત્યો યુદ્ધ કરવા આવ્યા. સર્વે દૈત્યોનો નાશ કરી નૃસિંહ પ્રભુ હિરણ્યકશિપુને આપેલા વરદાન પ્રમાણે નાશ કર્યો. તે સમયે દેવો, ગાંધર્વો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, કિન્નરો, કીં પુરુષો પુષ્પ વૃષ્ટિ કરી સ્તુતિ કરતા હતા. અક્ષર સ્વરૂપ મુક્તોએ પૂજેલા અનેક અવતારો ધારણ કરી ધર્મભક્તિ સાધુ-બ્રાહ્મણ, ગાય, દેવો, માનવોનું રક્ષણ કરનારા, તમોને નમસ્કાર શાંત સ્વરૂપ હોવા છતાં અત્યારે ભક્તના રક્ષણ માટે ક્રોધને ગ્રહણ કરનારા તમને નમસ્કાર. તે સમયે લક્ષ્મીજી આવ્યા. દેવોએ કહ્યું તમો પ્રભુ પાસે જઇ ક્રોધ શાંત કરો. પણ લક્ષ્મી પાસે જઇ શક્યા નહીં. ત્યારે પ્રહલાદે નૃસિંહ પ્રભુ પાસે જઇ દંડવત કર્યા, પગે લાગ્યો. પ્રભુએ પ્રેમથી માથે હાથ મૂકી ભેટ્યા, છાતીમાં ચરણાર્વિદ આપી પ્રહલાદને હેતથી ચાટવા લાગ્યા. પછી લક્ષ્મીએ પૂજા, સ્તુતિ કરી. પ્રભુએ પ્રહલાદને વરદાન માગવાનું કહ્યું. પ્રહલાદ કહે : પ્રભુ તમારું સૌમ્ય સ્વરૂપનું દર્શન કાયમ થાવ. તમારા સંત-ભક્તોનો સમાગમ હંમેશાં રહો. આ તમારા વિકરાળ સ્વરૂપથી નથી બીતો પણ માયાના દોષ રૂપી જે શત્રુ છે, તેનાથી વધારે ભય પામું છું. તેથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર રાગ-દ્વેષ ઇર્ષ્યા, અભિમાન વગેરે માયાના અનંત દોષ થકી રક્ષણ કરજો. નૃસિંહ પ્રભુએ આશીર્વાદ આપી કહ્યું તને માયાના દોષો બાધ નહીં કરી શકે પછી પ્રભુએ પ્રહલાદને ગાદીએ બેસાડી અભિષેક કર્યો અને પ્રભુ અતિ પ્રસન્ન થયા.