ભાગ · અધ્યાય ૫૫૨

કેંદરકુર્ચ - મંકણક - અમરીષ - ઋષિકેશ આદિક તીર્થોની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરે અગત્સ્યમુનિને પરબ્રહ્મ પરમાત્માનું દિવ્ય જ્ઞાન આપી પછી પ્રભુની સ્તુતિ કરી કે, અનાદિ સર્વમાં વ્યાપીને રહેલા તમને નમસ્કાર. અક્ષરથી પર સર્વસ્વ વિદ્યામૂર્તિ તમને નમસ્કાર. શંકરની સ્તુતિથી પ્રસન્ન થયેલા શ્રીહરિ કહે, વરદાન માંગો. શંકર કહે, સૃષ્ટિનું જ્ઞાન આપો. દેવો અને મનુષ્યના કલ્યાણ માટે તમે મનુષ્યસ્વરૂપ પ્રગટ થાવ તેનું હું ધ્યાન કરું. પ્રભુ કહે, તથાસ્તું. તમે જ્ઞાની થશો, મારામાં પ્રીતિવાળા થશો. લોકમાં પુજ્ય થશો. ત્યાં કેંદરકુર્ચ તીર્થ થયેલું છે. ત્યાં એકવાર મંકણક ઋષિ તપ કરતા શરીરમાં અસ્થિ માત્ર રહેવાથી પોતે તપના આનંદમાં અતિરેકમાં નાચવા લાગ્યા. ત્યાં વૃક્ષવેલી, જડ, ચેતન, સ્થાવર જંગમ સર્વ નાચવા લાગ્યા. દેવો કહે, પૃથ્વી કંપવા લાગશે એટલે શંકરને કહ્યું. શંકર મંકણક ઋષિ પાસે આવી કહે, આટલા આનંદમાં કેમ આવી ગયા ? ઋષિ કહે, મારા શરીરમાં તપ કરતા લોહી સુકાઇ ગયું. શંકરે આંગળીની ચપટી વગાડીને આગળીમાંથી સફેદ ભસ્મ કાઢી કહે, જુઓ મારામાં તો પાણી પણ નથી રહ્યું. ત્યારે મંકણક ઋષિનો ગર્વ ગળી ગયો અને શંકરને પગે પડ્યો અને કહ્યું, મારો ઉદ્ધાર કરો. તે મંકણકતીર્થ થયું. ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.

આબુમાં અંબરીષ રાજાએ પૂર્વે હજારો વર્ષ તપ કર્યું. ત્યારે નારાયણ ઈન્દ્રનું રૂપ લઇ હાથી પર બેસીને આવ્યા અને અંબરીષ રાજાને કહ્યું, વરદાન માંગ. રાજા કહે, તું મોક્ષ આપવા સમર્થ નથી માટે સ્વર્ગમાં જા. એમ કહીને આંખ બંધ કરી નારાયણનું ધ્યાન કરવા લાગ્યા. ત્યાં નારાયણના દર્શન થયા. નેત્ર ખોલ્યા ત્યાં સામે નારાયણ ગરૂડ પર બેઠેલા જોયા.

અંબરીષ રાજાએ પ્રભુને પગે લાગી પૂછ્યું : પ્રભુ સંસાર કેમ તરાય ? પ્રભુ કહે, સુર્યોદય પહેલા જાગી મારું કિશોરસ્વરૂપ ધ્યાન કરી, સ્નાન કરી, મારી પૂજા ષોડ્શોપચારથી કરવી. ચંદન, પુષ્પ, ધુપ, દીપ, અબીલ, ગુલાલ, કંકુ, ચોખાથી પૂજન કરી, નૈવેદ્ય ધરી, આરતી, પ્રદક્ષિણા, દંડવત, સ્તુતિ, પ્રાર્થના, નમસ્કાર, ક્ષમાયાચના કરી મારી કથા, વાર્તા, ધૂન, કિર્તન, ભજન, સ્મરણ વગેરે મારી નવધા ભક્તિ કરવી તથા મારા મુખરૂપે રહેલા સંત વિપ્રોને ભોજન કરાવવા તથા ધન, સંપત્તિ, ઘર, કુટુંબ, સર્વસ્વ મારા પરાયણ મને અર્પણ કરી સંસાર તરી જવાય છે. એવી રીતે અંબરીષ રાજાએ નારાયણની આત્મનિવેદી ભક્તિ કરી અક્ષરધામમાં ગયો. તે અંબરીષ તીર્થ થયેલું છે. તથા ત્યાં અંબરીષે પ્રભુની આરાધના કરી તેથી તે ઋષીકેશ તીર્થ થયેલું છે. ત્યાં એકાદશીનું વ્રત કરી જાગરણ કરવાથી તથા દર્શન કરવાથી કપિલા ગાયનું દાન કરવા બરાબર ફળ થાય છે. ત્યાં ચાતુર્માસ વાસ કરી વ્રત, નિયમ, જપ, તપ, કરે તો પરબ્રહ્મના ધામમાં જાય છે. એકબાજુ સર્વતિર્થો, એકબાજુ આ ઋષીકેશ તીર્થ કરવાથી સમાન ફળ થાય છે.

સત્પાત્રને સર્વદાન કરવાથી જે ફળ થાય તે ઋષીકેશના દર્શનથી થાય છે. હિમાલયમાં દેહ તજવાથી બ્રહ્મજ્ઞાન કહેવાથી જે ફળ થાય તે ઋષીકેશના દર્શનથી થાય છે. ગયામાં શ્રાદ્ધ કરવાથી, બીજા તીર્થમાં ચાર્તુમાસ રહેવાથી ચાંદ્રાયણ કરવાથી જે ફળ થાય છે તે ફળ ઋષીકેશનાં દર્શનથી થાય છે. ત્યાં ધજા ચડાવશે તે પણ મુક્તિને પામશે. આ અધ્યાયની કથા કહેશે, સાંભળશે તે ધનવાન, પુત્રવાન થશે અને મોક્ષમાં જશે.