કલીંગ રાજાનો પુત્ર અને કાંચી રાજાની પુત્રી બંનેની સદ્ગતિ થઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હિમાલયમાં કાંપીલ્ય નગરીમાં બ્રહ્મદત્ત રાજાનો કુમાર સોમદત્ત પિતૃશ્રાદ્ધ માટે વનમાં શિકાર કરવા ગયો ત્યાં એક શિયાળવીને બાણથી મારી અને એક વૃક્ષ પર રહેલા ગીધને માર્યો. તે બંનેના ગંગા કાંઠે તીર્થમાં મરણ થવાથી ગીધ કલિંગ રાજાનો પુત્ર થયો. શિયાળવી કાંચી રાજાની પુત્રી થઈ. બન્નેના એકબીજા સાથે વિવાહ થયા. એકવાર રાણીએ કહ્યું, મારે બપોરે સુધી એકાંતમાં રહેવું છે. તો મારી પાસે કોઇ ન આવે. રાજાને થયું કે, જપ, વિધિ કરવો હશે. એટલે રાણીએ સર્વને પાસે જવાની ના કહી હશે. એમ કરતા સત્યોતેર વર્ષ થયા. અઠયોતેરમે વર્ષે રાજાએ વિચાર કર્યો કે, રાણી શું કરતી હશે તે જાણવું પડશે. એમ વિચારી રાણીના પલંગ નીચે ગુપ્ત રીતે બેઠો. ત્યાં રાણી પલંગ પર બેઠી રોવા લાગી. અરે, મારા માથાની પીડા કોને કહું. પતિને કહું તો મારું મરણ થાય. ન કહું તો પીડા કે દુ:ખ મટે નહીં. સહન કરવાથી દુ:ખ મટે નહીં. આવું રાણીનું રોવું અને બોલવું સાંભળી રાજાએ રાણીને ધીરજ આપી કહે, વૈદ્યો ઘણા છે. તે ઔષધીથી તારી પીડા મટાડી દેશે. તે વ્રતને બાને ગુપ્ત પણે રહી તેથી તને આ દુ:ખ પીડા વધી ગઈ. પહેલાં જો તે મને કહ્યું હોત તો આપણે તે તીર્થમાં સાથે જાત.
રાણી કહે, ગુપ્ત વાત કરું તો મરણ થાય. પરંતુ હવે તો કહેવી જ પડશે. આ અંતપુરમાં ઘણી રાણીઓ છે. તમે સુખેથી વાસ કરજો. રાજા કહે, ગુપ્ત વાત હોય કે જાહેર વાત હોય તે પતિની આગળ તો કહેવી જ પડે. આ સતી પતિવ્રતાનો ધર્મ છે. રાણી કહે, તો આપણે બદ્રિકાશ્રમ તીર્થ કરવા જઇએ. રાજા-રાણી સેવકો, વગેરે લઇને હિમાલયમાં બદ્રીકાશ્રમના વરાહ તીર્થમાં આવ્યા. ત્યાં તીર્થમાં ગંગા કાંઠે છ માસ વાસ કરી કૃષ્ણનારાયણનું ભજન કરી ત્રણ દિવસ ઉપવાસ કર્યો અને હાથી, અશ્વ, ગાયો, ધન, વસ્ત્ર, આભૂષણોના દાન આપ્યા. પછી રાણી કહે : પૂર્વે જન્મમાં હું અહીં શિયાળવી હતી. સોમદત્તે મને બાણ મારી અહીં મારી નાખી હતી ત્યારે માથામાં બાણ લાગવાથી મને માથામાં પીડા થાય છે પરંતુ તીર્થમાં મરણ થવાથી હું રાજકન્યા થઈને તમારી રાણી થઇ. રાજાને પણ પૂર્વેજન્મની સ્મૃતિ થઇ કે, હું ગીધ હતો. અહીં મારું મરણ થવાથી આ જન્મે રાજા થયો. ત્યાં દેશના હજારો નાગરિકો આવ્યા હતા. તે સમયે રાજા-રાણી શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. ત્યાં વિમાન આવ્યું. સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા તે સમયે રાજા- રાણી ભૌતિક શરીરનો ત્યાગ કરી, દિવ્ય ચતુર્ભુજ શરીર ધારણ કરી વિમાનમાં બેસી બ્રહ્મલોકમાં ગયા. એવી રીતે તીર્થના પ્રભાવથી પુણ્યશાળી જીવ ફરી જન્મ પ્રાપ્ત કરી શ્રીહરિના વૈષ્ણવ ભક્ત થઈને પરમપદને પાપ્ત કરે છે.