શ્રીકૃષ્ણનારાયણ સાથે ભાર્ગવી લક્ષ્મીનો વિવાહ
આ અધ્યાય 382–384 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તારું પતિવ્રતાપણું કહું. તું મને ત્યજી ક્યાંય પણ રહી શકતી નથી. એ જ રીતે હું પણ પત્નિવ્રત પરાયણ છું. પૂર્વે મારા શરીરમાંથી તને પ્રગટ કરીને વૈકુંઠમાં રાખી તો ત્યાં ચતુર્ભુજ નારાયણરૂપે તારી સાથે જ છું. ગોલોકમાં રાધા સાથે શ્રીકૃષ્ણ રૂપે છું. પ્રભા, પાર્વતી, માણિકી સાથે ધામમાં છું. તું જ્યાં લલિતા હતી ત્યાં હું હરિ કૃષ્ણ હતો. તું વાણીરૂપે, હું અર્થરૂપે, તું બુદ્ધિરૂપે, હું બોધરૂપે, તું પૃથ્વીરૂપે, હું વારાહરૂપે, હું યજ્ઞરૂપે તું દક્ષિણા રૂપે, હું વેદરૂપે તું વેદિકારૂપે, હું શંકરરૂપે તું પાર્વતીરૂપે, હું સૂર્યરૂપે તું તેજરૂપે આ રીતે જ્યાં હું ત્યાં તું. મારા વિના તું નથી રહી શકતી, તેમ તારા વિના હું નથી રહી શકતો. તે તું લક્ષ્મી જગતને પતિવ્રતાનો ધર્મ બતાવવા ભૃગૃ ઋષિને ત્યાં ખ્યાતીમાં ભાર્ગવી રૂપે પ્રગટ થઇ. જન્મ સાથે યુવાન અને મારા પતિ નારાયણ થાય. એવો સંકલ્પ કરી તપમાં બેસી ગઇ. એક હજાર વર્ષ ચોખાનો આહાર કર્યો, એક હજાર વર્ષ ફલાહાર, એક હજાર વર્ષ કંદમૂળ ખાધા, હજાર વર્ષ લીલાં પાંદડા, હજાર સૂકા પાંદડા, હજાર વર્ષ જલ-પાન, હજાર વર્ષ બાષ્પ આહાર, હજાર વર્ષ વાયુ આહાર આ રીતે દસ હજાર વર્ષ તપ કર્યું પછી સર્વે ઇન્દ્રિયોનો નિરોધ કરી આત્માને બ્રહ્મરંધ્રમાં ચડાવીને સમાધીમાં બેસી અને પ્રાણ ત્યજવા તૈયારી થઇ ત્યાં મેં આવી પ્રાણને રોકી દીધા.
ભાર્ગવી કહે : તમે મારી સાથે વિવાહ કરી પતિ થાવ નહીં તો મને પ્રાણ ત્યાગ કરવા દો. નારાયણ હસીને નેત્રમાં આંસુ ભાળીને કહે : તારું તપ બંધ કર. જ્યાં સુધી બ્રહ્મલોકની સૃષ્ટિ રહેશે ત્યાં સુધી તું મારી પત્ની રહીશ. જા તારા માતા-પિતાને કહે : શ્રીકૃષ્ણનારાયણ પ્રભુ લગ્ન માટે આવે છે. ભાર્ગવી પ્રભુને નમસ્કાર કરી માતા પાસે જઇ વાત કરી. પ્રભુ વૈકુંઠમાં જઇ નારદ સપ્તર્ષિ, રાધીકા, માણિકી, પાર્વતી, પ્રભાને સંભાર્યા. તેઓ આવી કહે : પ્રભુ શું આજ્ઞા છે ? પ્રભુ કહે : મેં ભાર્ગવીને વિવાહનું વચન આપ્યું છે. તેથી નર્મદા કાંઠે ભૃગૃ ઋષિના આશ્રમે જવા તૈયાર થાવ અને ત્યાં પતિવ્રતા ખ્યાતિ અને ભૃગૃ તીર્થ કરવા તેત્રીસ કરોડ દેવો સહિત હું ત્યાં વાસ કરીશ. તેથી વિશ્વકર્મા ત્યાં વૈકુંઠ સમાન રચના કરશે. ત્યાં માઘ માસમાં હું વિવાહ માટે જઇશ. એમ કહી કૃષ્ણનારાયણ સર્વને આજ્ઞા આપી પૃથ્વીને કહ્યું, નર્મદા કાંઠે સો યોજનમાં વૈકુંઠ સમાન શોભા બનાવો. તથા સર્વે દેવ-દેવીને આજ્ઞા આપી - તે સર્વે ત્યાં બાગ-બગીચા, વૃક્ષ-વેલી, ફળ-ફૂલ, ભવન, દાસ-દાસી, સમૃદ્ધિ, ઘી-સાકર, ગોળ, અનાજના પર્વતોસમા ગંજ કર્યા. દૂધ, દહીંના ધરા બનાવ્યા, રસના કુંડો કર્યા. પછી ભૃગૃ ઋષિએ લગ્નપત્રિકા લખી. નારદને સર્વે ધામોમાં મોકલ્યા.
સર્વેને શ્રીકૃષ્ણનારાયણના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. સર્વે ધામોના અવતારો, મુક્તો, મુક્તાણીઓ, પાર્ષદ-પાર્ષદાણીઓ, દાસ-દાસીઓ સહિત સર્વે ઇશ્વરો-ઇશ્વરાણીઓ, સર્વે દેવ-દેવીઓ પોતાના સેવકો-સેવિકાઓ સાથે વાહનો સાથે લાખો, કરોડો, અબજોની સંખ્યામાં શ્રીકૃષ્ણ સાથે જાનમાં આવતા હતા. ચૌદલોક વાસીઓ, ઋષિ મુનિઓ, સાધુ- સાધ્વીઓ, યતિ, બ્રહ્મચારીઓ, સતી-યોગી વગેરે સર્વે માનવો તથા નદી, સમુદ્રો સર્વે તીર્થ, પર્વતો, સ્થાવર, જંગમ સર્વે ભગવાનની જાનમાં આવ્યા. હજારો ઋષિઓ પોતાના લાખો શિષ્યો સાથે જગદીશ્વરની જાનમાં આવ્યા. લોમશ ઋષિ શિષ્યો સાથે આવ્યા. સ્વયંપ્રકાશ સાથે હું પણ હતો. નારાયણ ભગવાન આવ્યા. પ્રભુની આજ્ઞાથી ત્યાં અષ્ટ સિદ્ધિ અને નવનીધિ હાજર હતા. નારાયણને લક્ષ્મી-ભાર્ગવીના લગ્નમાં આવેલા સર્વે જાનમાં, માંડવાના સર્વે મહેમાનોને બારસે ભોજન પાન, ભક્ષ્ય ભોજન, લેહ્ય, ચોસ્ય તથા અનેક પ્રકારના મિષ્ટાનો જમાડતા હતા તથા રાત્રિમાં સૌ પોતાની કળાથી ગીત-નૃત્ય, સંગીત, વાજિંત્રથી ઉત્સવથી ભગવાનને પ્રસન્ન કરતા હતા. પછી પ્રભુએ રાત્રિએ વિરામ કર્યો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શ્રીકૃષ્ણનારાયણ ભાર્ગવી લક્ષ્મીના વિવાહમાં આવેલા અવતારો, મુક્તો, ઇશ્વરો, દેવ-દેવીઓ, ચૌદ લોકવાસીઓને ઋષિ-મુનિ માનવોને, સાધુ- સાધ્વીઓને ત્રણ દિવસ સુધી ભોજનપાન કરાવ્યા. નારાયણની આજ્ઞાથી ત્યાં હજારો ઘીના કુંડ, દસ હજાર મધના કુંડ ભર્યા હતા. દહીંના, દૂધના દસ હજાર કુંડ ભર્યા હતા, તેલના ધરાઓ, ગોળના પર્વતો, સાકરના ઢગલાં, મિષ્ટાનોના પર્વતો, અનેક સામગ્રીઓના પર્વતો દેખાતા હતા. સો યોજનમાં આનંદ-ઉત્સવ, મંગલ ગીતો ગવાતા હતાં. પૂનમે સૂર્યોદય સમયે ભૃગૃ ઋષિએ જાનનો સત્કાર કર્યો. કરોડો ઋષિએ શ્રીહરિને મંગલ ફળ આપી. કંકુનો ચાંદલો કરી, ચોખા ચોડીને પુષ્પમાળા પહેરાવી. ત્યાં બૃહસ્પતિ આવ્યા શ્રીહરિને પુષ્પોથી વધાવ્યા. મુનિઓએ વેદના મંત્રોથી શ્રીહરિને વધાવ્યા. સર્વે કન્યાઓ, સ્ત્રીઓ, સાધ્વીઓ શ્રીહરિના દર્શન કરી અતિ તૃપ્તિ પામતી હતી. પિતામ્બર વસ્ત્ર, અલંકાર આભૂષણોથી શ્રીહરિ પુર્ણિમાના ચંદ્ર સમાન શોભતા હતા. સૂર્ય સમાન તેજસ્વી, અતિ અનંદ ભરેલા પુષ્પોના હારથી શોભતા શ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી ભાર્ગવી પોતાનું જીવન ધન્ય માનતી હતી. ખ્યાતિ અને ભૃગૃ કૃષ્ણને જમાઇ ભાવે પ્રાપ્ત કરી અતિ પ્રસન્ન થયા. અનંત શોભાને ધારણ કરતા શ્રીહરિ ભૃગુના આંગણામાં આવ્યા. પુરોહિત ઋષિઓએ હરિકૃષ્ણને નમસ્કાર કર્યા.
સર્વેને રત્નોના સિંહાસને બેસાડી ભૃગૃ ઋષિ કહે : આજ મારો જન્મ સફળ થયો. અવતારી, સ્વયં મારે ઘેર પધાર્યા. મારા અનંત જન્મના તપનું ફળ મળી ગયું. આજ મને મુક્તિ ભક્તિ સર્વે પ્રાપ્ત થયા. યોગી, સિદ્ધો, મુનિઓ, દેવતાઓ, માનવોને જે પ્રભુ સ્વપ્નમાં પણ ન દેખાય તે પ્રભુ કાળના કાળ અક્ષરપતિ મનુષ્યરૂપ ધરી મારી કન્યાનો જન્મ સફળ કરવા માટે આંગણે આવ્યા. જેને અંતરમાં લક્ષ્મીઓ છે. તે પ્રભુ મારા આંગણે આવ્યા. દેવો, ઇશ્વરો, અવતારો, મુક્તોની સાથે આવેલા અવતારીને લઇને મારું કુટુંબ આશ્રમ, તીર્થરૂપ થયો અને હવે તે બ્રહ્માના કલ્પપર્યંત તીર્થરૂપે હશે. જેમ સર્વે તીર્થ સમુદ્રમાં સમાયેલા છે સંતના ચરણમાં પણ રહેલા છે. તેવા સંત પુરૂષો, ઋષિમુનિઓ અહીં પધાર્યા છે. તેથી આ તીર્થ ભવરોગને નાશ કરનાર, અમૃત, ઔષધી સમાન છે. સર્વ વ્યાધીને નાશ કરનારા, સુખ આપનારા એવા શ્રીકૃષ્ણનારાયણનું આજ મને ચરણામૃત પ્રાપ્ત થયું. એમ કહી ભૃગુ ઋષિએ દંડવત કરી સ્તુતિ કરી, હે પ્રભુ, હું તમારો છું. મારી કન્યા તમારી છે. મારું સર્વે તમારું છે. અને તમે મારા છો, હે પ્રભુ પરંપદ આપી મારું જીવન પવિત્ર કરો. એમ કહી ચરણમાં મસ્તક મૂકી શ્રીહરિના બંને હાથ મસ્તકે મુકાવ્યા. પારીજાત પુષ્પની માળા પહેરાવી મસ્તક પર તેજસ્વી મુકુટ ધારણ કરાવ્યો. સાત તીર્થનું જલ લાવ્યા. આચમન કરાવ્યું. માણેક સ્તંભ રચ્યો, કળશ પૂજન, ગણેશ પૂજન, અગ્નિ પૂજન, માતૃકા પૂજન કરાવીને પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર મધ્યમાં આવ્યો ત્યારે લગ્નમંડપની વેદીએ શ્રીનારાયણને લાવ્યા. પુષ્પાંજલી અર્પણ કર્યા. વિપ્રો વેદના મંત્રો બોલ્યા. ઋષિઓએ મંત્રોથી આશીર્વાદ આપ્યા. ભૃગુ ઋષિએ નારાયણને દેહ શુદ્ધિ કરાવી. વેદમંત્રોનો ઘોષ થતો હતો. સ્વસ્તિક વાચન થતા હતા. મંગલ ગીતો ગવાતા હતા. વાજિંત્રો વાગતા હતા.
એ રીતે વિવાહનો મહાન ઉત્સવ થતો હતો. ભૃગુ ઋષિના આનંદનો પાર ન હતો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વરરાજા શ્રીકૃષ્ણનારાયણ પાસેથી પ્રાપ્ત થયેલા બ્રહ્મધામના દિવ્ય વસ્ત્ર અલંકારો, આભૂષણોથી ભાર્ગવી લક્ષ્મીને શણગારતા હતા. લક્ષ્મી, શ્રી, રમા, સાવિત્રી, પાર્વતી, માણિકી, જયા, પ્રભા, લલિતા વગેરે તથા ખ્યાતિ માતા કન્યાને શણગારતા હતા. પછી લગ્ન મંડપમાં લાવી શ્રીકૃષ્ણનારાયણને નમસ્કાર કરી અગ્નિને નમસ્કાર કરી. શ્રીકૃષ્ણની ડાબી બાજુ બેસાડ્યા. તે સમયે વાજિંત્રો વાગવા લાગ્યા. મંગલગીતો ગવાતા હતા. તે સમયે ભૃગુ ઋષિના કહેવાથી ભાર્ગવી લક્ષ્મીએ શ્રીકૃષ્ણનારાયણને કેશર ચંદનનું તિલક કર્યું. કંકુનો ચાંદલો કર્યો. ચોખા ચોડ્યા અને પુષ્પની વરમાળા કૃષ્ણના કંઠમાં અર્પણ કરી પગે લાગ્યા. સાત પ્રદક્ષીણા કરી પતિને નમસ્કાર કરી આસને બેઠા. પછી શ્રીકૃષ્ણ પ્રભુએ ભાર્ગવી લક્ષ્મીને ભાલમાં કંકુનો ચાંદલો કર્યો. અને ચોખા ચોડ્યા. ત્યારબાદ મસ્તક ઉપર બંને હાથ મૂકી પુષ્પાંજલિ કરતા હતા. તે સમયે બૃહસ્પતી શ્રીહરિના કંઠમા રહેલી પુષ્પમાળા નારદની સમક્ષ લક્ષ્મીના કંઠમાં પહેરાવતા હતા. ભૃગુ ઋષિએ કન્યાનો હાથ કૃષ્ણના હાથમાં દીધો. વેદમંત્રોથી કન્યાદાન કર્યું.
બૃહસ્પતિએ સ્વસ્તિ વાચન કર્યું. શ્રીહરિએ લક્ષ્મીનો હાથ ગ્રહણ કર્યો. પછી ભૃગુએ રત્નોના દ્રવ્યોના ગાયોના ભવનોના દાન આપ્યા. તથા પુત્રી ભાર્ગવી લક્ષ્મીને ભૃગુ કચ્છ શહેર દાનમાં આપ્યું. દયાળુ પ્રભુ શ્રીહરિએ ભૃગુ ઋષિને ત્રીકાળનું જ્ઞાન અને મોક્ષ દાન આપ્યું. તે સમયે અવતારો, ઇશ્વરો, દેવો, વરવધુને અનેક ભેટ, દ્રવ્ય દાન આપતા હતા. પછી અગ્નિને ચાર ફેરા ફરી અગ્નિમાં ઘીનો હોમ કરી શ્રીહરિ વધુને વીંટી આપતા હતા. પછી અગ્નિને નમસ્કાર કરી ગુરુને પગે લાગી ખ્યાતિ માતાએ વરવધુને ભોજન કરાવ્યા. પછી સર્વે તીર્થના દર્શન કરી નર્મદામાં છેડાછેડી છોડી સતી-સાધ્વી સાથે ઉતારે આવ્યા. મુનિ-પત્નીઓએ સ્તુતિ કરી. સખીજનો વાર્તાલાપ કરતા હતા. પછી ખ્યાતિ માતાએ વરવધુને ભોજન પાન કરાવ્યા. પછી શારદાદેવીએ કૃષ્ણનારાયણના હાથમાં શ્લોક પત્રીકા આપી. પ્રભુ જોઇ રાજી થઇ કહે : વાંચો, શારદા દેવીએ પત્રીકા વાંચી. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી, રાધીકા, રમા, સતી, મેના, જયા, ખ્યાતિ, માણિકી, પાર્વતી, પ્રભા, તુલસી, પૃથ્વી, વૃંદા, અરૂંધતી, યમુના, અદિતી, ગંગા, સીતા, શતરૂપા, દેહવતી, નર્મદા, આ સર્વે દેવીઓ વરવધુનું મંગલ કરો. આશીર્વાદ પત્રીકા સાંભળી વરવધુ આનંદ પામ્યા. બીજે દિવસે ભૃગુ ઋષિએ સર્વે વરવધૂ, મહેમાનોને મિષ્ટાન્ન ભોજન જમાડ્યા. પછી વાજિંત્રોની ધ્વની સાથે સર્વેને વિદાય આપવા સમયે નારાયણ અને ભાર્ગવી માતા-પિતાને પગે લાગ્યા. ત્યારે માતા- પિતાએ પુત્રીને ભેટી કહયું. પુત્રી અમે તારા વિના કેમ જીવશું. તું નારાયણને કહે : આ ભૃગુ કચ્છ તમને દાનમાં આપ્યું છે. તો અહી સદાવાસ કરો. ભાર્ગવી રૂદન કરવા લાગી.
નારાયણે પૂછ્યું, કેમ લક્ષ્મી રૂદન કરે છે ? ભાર્ગવી કહે : માતા-પિતા કહે છે, પ્રભુ તમે અહીં સદા વાસ કરો. નારાયણે બંનેના બે સ્વરૂપ કરીને એક સ્વરૂપે ભૃગુ ગૃહે વાસ કર્યો. બીજે સ્વરૂપે કરોડો ભેટો સાથે જાનૈયાઓ સાથે પ્રભુ વૈકુંઠ ધામમાં પધાર્યા. ભૃગુ ઋષિએ પોતાની સિદ્ધિથી કરેલી સર્વે શોભાનો સંહાર કર્યો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ ભાર્ગવીરૂપે પતિવ્રતા લક્ષ્મી તારા વિવાહની કથા કહી. તું મારા હૃદયમાં રેખારૂપે રહેલી છે. તારાથી હું જુદો રહી શકતો નથી તે હું છું અને હું તે તું છે. તેમાં જરાય ભેદ નથી. આ અધ્યાયની કથા જે કહેશે, સાંભળશે તે સર્વે સ્વર્ગ અને મોક્ષ મેળવશે. નારીઓને શ્રીકૃષ્ણનારાયણની પ્રાપ્તી થશે.