ભાગ · અધ્યાય ૬૭

પાપ પ્રમાણે જીવાત્માને બીજા જન્મમાં દુ:ખ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ખોટું બોલનારો, દેવની નિંદા કરનારો ગળતા કોઢવાળો, તોતડો-મુંગો થાય છે. જીવ-હિંસા કરનારો ક્ષયરોગી થાય છે. દારૂ પિનારો શિયાળ થાય છે. સોનુ ચોરનારો કાળા નખવાળો થાય, ઇર્ષ્યાવાળો અંધ થાય, ફળની ચોરી કરનારો વાંદરો થાય, ભોજનની ચોરી કરનારો કાગડો થાય, દ્રવ્યની ચોરીથી ગરોડી, ઝેર આપનારો સર્પ, સ્ત્રી પર બળાત્કાર કરનારો પિશાચ થાય, અનાજની ચોરીથી ઉંદર થાય, પાણીની નહેરને તોડનારો માછલો થાય, છેતરનારો ઘુવડ થાય, છાનું ખાનારો કુતરો થાય, નિંદા સાંભળનારો શિયાળ થાય, ચોરીને ખાનારો ભૂંડ થાય, વડીલોનું અપમાન કરનારો કાચબો થાય, બધાને તિરસ્કાર કરનારો ચાંડાલ થાય, કરજ કરનારો બળદ, અશ્વ, ગધેડો થાય, માંસ ખાનારો બિલાડો થાય, રતિભંગ કરનારો નપુંસક થાય, બીજાનું લેનારો તેતર થાય, પરાણે પોતાને આધીન રાખનારો સ્ત્રી બળાત્કારથી ભોગ કરનારો લિંગ ભંગ ગુપ્ત અંગના રોગી થાય.

પશુના ઘાત કરનારો હિંસક પશુ થાય, કોઇનું મકાન પાડનારો જંગલી પશુ થાય, વિદ્વાનની નિંદા કરનારો મુર્ખ થાય, જંતુને વિશ્વાસમાં લાવી બાંધી ઘાત કરનારા પાંજરાના પશુ-પક્ષી થાય, મનુષ્યની હત્યા કરનારો પારધી થાય, પશુને મારનારો સો જન્મ સુધી બકરો થાય, માછલાં ખાનારો માછલો, બીજાનું અન્ન વસ્ત્ર ઘર હરનારો મારવાડમાં વૃક્ષ થાય, ગંધ, ચંદનની ચોરી કરનારો નકટો થાય. ગુરુ, પિતૃ, પૂજ્યની નિંદા કરનારો બેરો થાય, પગ ભાંગનારો લંગડો થાય, હાથ ભાંગનારો ઠુઠો, નારીને દુ:ખ આપનારો કુંભારનો ગધેડો થાય, પતિને દુ:ખ આપનારી ગધેડી થાય, નોકરના પગારને કાપનારો દરિદ્ર થાય, મલીન માખી થાય, ક્રોધી સર્પ થાય, દોષી કૂતરો, કીડીઓના જન્મને પામે, બળદના વૃષણનો ઉચ્છેદ કરનાર બળદ થાય, ધર્માદાનું અન્ન દ્રવ્ય વસ્ત્ર હરનારો સડેલ કૂતરો થાય, પારકુ અન્ન ખાનારો કૂતરી થાય, શુભ કાર્ય અટકાવનારા શિયાળ થાય, પીરસવાના વાસણની ચોરી કરે તો વડવાંગળી થાય.

સ્ત્રીનું અપહરણ કરનારો રાક્ષસ થાય, મંત્ર તંત્ર મુઠચોટ કરનારા પિશાચ થાય, વાસનાવાળા ભૂત થાય. ક્રૂર દૃષ્ટિવાળા શાકીની, ઇર્ષ્યાવાળા ડાકીની થાય, મલીન વિદ્યાવાળા પિશાચીની થાય, ગર્ભને હણનારી ગણિકા થાય, બીજાના સંતાનને દેખી ન શકે તે સંતાન રહિત થાય, બીજાના ખેતરમાં મોલ બગાડનારો જીવિકા વિનાનો થાય છે, વેચવામાં છેતરે તો શ્વાસનો રોગી થાય, છળકપટ કરનારો ભીલ ચાંડાલ થાય, શેરીમાં ચોકમાં કચરો કરે તો ભંગી થાય, નાવાનો નિષેધ કરે તો ધોબી થાય, સારું દેખી ન શકે તો બિલાડો થાય, ખોટું ઔષધ આપનારો નોળિયો થાય, કુમારીપણું દુષિત કરનારો પત્ની વિનાનો થાય, પશુ-પક્ષીના માંસ ખાનારા ગીધ થાય, કન્યા વિક્રય કરનાર યોનીના કીડા થાય, રસમાં ભેળ કરનારા વિષ્ટાના કીડા થાય, યુગલ પતિ-પત્નીની ઇર્ષ્યા કરનારા દેડકા થાય, વાગ્બાણથી દુ:ખ કરનારા કાચિંડા, કરચલા થાય, લોટ ચોરનારા રીંછ થાય, સ્નાન ન કરે તો મૃગ ગેંડો થાય. દામ્પત્ય ભંગ કરનારા જન્મો જન્મ વિધુર રહે છે, પતિનો ઘાત કરનારી જન્મો જન્મ વિધવા રહે છે, સાસુને દુ:ખ આપનારી ગધેડી થાય છે, વહુનો દ્વેષ કરનારી બિલાડી થાય છે, ભગવાનને ધર્યા વિના રસાસ્વાદ કરે તો ગીધડા-ગીધડી થાય, બાળહત્યા, ગર્ભહત્યા, બીજહત્યા કરનારી રાક્ષસી થાય, અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : આ રીતે હે લક્ષ્મી, અનેક પ્રકારના પાપકર્મો કરી પાપી જીવાત્માઓ લક્ષચોરાસીમાં દુ:ખ ભોગવે છે. ફરીને પાછા પાપકર્મ કરી યમપુરીના દુ:ખ ભોગવે છે.