પુરુષોત્તમ માસની સુદ ત્રીજની તિથીની પૂજનવિધિ - અનાદિશ્રીકૃષ્ણનારાયણે મળમાસને પોતાનું “પુરુષોત્તમ” નામ આપ્યુ
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી - નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, મળમાસ તે સર્વે અક્ષરધામના બ્રહ્મધરામાં સ્નાન કરીને પુરુષોત્તમરૂપ થઇને ગોલોકથી કરોડો ગણા તેજસ્વી પુરુષોત્તમ સમાનરૂપવાળા, દશ વર્ષની અવસ્થાવાળા થયા અને ત્યાના મુક્તોના મંડળોને જોઇને આશ્ચર્ય પામ્યા. પરમધામના મહેલો, બાગ-બગીચા, વિમાનો જોઇને તેમને પોતાના ધામનો વૈરાગ થયો. તેમજ ગોલોક વૈકુંઠથી લાવેલી પૂજાની સામગ્રી નિસ્તેજ દેખાતી હતી. ત્યાં અનંત યોજનમાં બ્રહ્મસરોવર જોયું. તેમાં પૂજાની સામગ્રી નાખી દીધી. ત્યાંથી આગળ લાખ યોજનનો પુરુષોત્તમ નારાયણનો મહેલ જોયો. અનંત મુક્તોથી સેવાયેલા પુરુષોત્તમ નારાયણના દર્શન કરી નરનારાયણ બેઠા. મળમાસ પાંચ દંડવત્ કરી પાસે હાથ જોડી ઊભો રહ્યો. પુરુષોત્તમ નારાયણે પૂછયું - કુશળ છો, આ સાથે કોણ છે ? લાભ માટે આવ્યા છો. નરનારાયણ ભગવાને પુરુષોત્તમ નારાયણની પૂજા કરીને, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, આરતી ઉતારી, સ્તુતિ કરીને વિનંતી કરી. આ મળમાસ સર્વે માસથી વધારાનો અને તિરસ્કાર કરાયેલો છે. તેનું આ મહાદુ:ખ તમારા વિના કોઇ નાશ નહીં કરે. પુરુષોત્તમ નારાયણ કહે : તમે અહીં આવ્યા સારું કર્યું. તમે જેની પર કૃપા કરી તેની પર મારી કૃપા છે જ. હું મારું સર્વે ઐશ્વર્ય, સર્વે ગુણ સામર્થ્ય પરાક્રમ તે સર્વે આ અધિક માસમાં મૂકું છું.
આ મળમાસ સંકલ્પ પ્રમાણે ફળ આપનારો, પાપને નાશ કરનારો, મારા સમાન રૂપવાળો અને મોક્ષ આપનારો થશે. મારા સર્વે ગુણો આ અધિક માસમાં વાસ કરવાથી તે પુરુષોત્તમ માસથી જગતમાં પ્રસિદ્ધ થશે. તેનો સ્વામી હું પોતે પુરુષોત્તમ હોવાથી સર્વે માસમાં તે ઉત્તમ થશે. પુરુષોત્તમ માસમાં જે સ્નાનદાન, જપ, તપ, નિયમ જે કાંઇ સત્કર્મ કરશે તે મને પુરુષોત્તમ નારાયણને પામશે અનેક પ્રકારના તપ કરનારા, ટાઢ-તડકા વેઠનારા શરીરને સુકવી નાખનારાને જો પુરુષોત્તમની ભક્તિ ન હોય તો તે ધામમાં જતા નથી. પરંતુ પુરુષોત્તમ માસમાં મારી ભક્તિ કરનારાને હું ધામમાં લઇ જઇશ.
પુરુષોત્તમ માસમાં જપ, તપ, વ્રત, નિયમ, દાન કરનારા, ભક્તોના અવગુણ અપરાધને હું ગણતો નથી અને તેના સર્વે સંકલ્પ પૂર્ણ કરું છું. વાવ, કુવા, તળાવ, યજ્ઞ, આદિ સત્કર્મોથી રહિત, પૂજાથી રહિત, દેવ, તીર્થ, સાધુ-બ્રાહ્મણ, મંદિર, સાધ્વી, પતિવ્રતા, સતી, વગેરેની નિંદા કરનારા કાગડાં અને કૂતરાના જન્મને પામે છે. પુરુષોત્તમ માસના વ્રત કરનારાની કોઇ નિંદા કરશે, તાડન કરશે, દુ:ખ આપશે તે ગધેડાના શિયાળના જન્મને પામશે. કન્યા, યુવતી, સધવા, વિધવા, બાળક, યુવાન, વૃદ્ધ, સર્વેએ પુરુષોત્તમ માસ વ્રત, નિયમ, ભક્તિ વિના વ્યર્થ ન જવા દેવો. પુરુષોત્તમ માસની તૃતીયાને દિવસે જે મારી પુરુષોત્તમ નારાયણની મહાપૂજા કરશે. તે વૈકુંઠ, ગોલોક, અમૃતધામ, અક્ષરધામને પામશે. શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, હું એક હોવા છતાં અનેક સ્વરૂપે અનેક ધામોમાં રહેલો છું, તે હું જ જાણું છું. બીજા કોઇ જાણતા નથી. રાધા લક્ષ્મી સાથે પણ હું છું, અને માણિકી, પાર્વતી, પ્રભા સાથે પણ હું જ વીચરું છું.