ભાગ · અધ્યાય ૫૨૮

ગુરુ મહિમા અને શુભ-અશુભ કર્મોના ફળનું જ્ઞાન

શ્રીનારાયણને લક્ષ્મીએ પૂછ્યું : પ્રભુ, ગૃહસ્થાઓને કેવા વ્રતો કરવા ? કેવા કર્મો કરવા જેથી મોક્ષ થાય તે કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શરીરથી, વાણીથી, મનથી, કોઇની હત્યા ન કરવી. તે સર્વથી શ્રેષ્ટ વ્રત પુણ્ય આપનારું છે તથા સર્વના આશિર્વાદ લેવાથી મોક્ષ થાય છે. તથા સ્નાન કરી મારી પૂજાધ્યાન કરી નૈવેદ્ય ધરી મારી સેવા કરી મનુષ્ય મોક્ષ મેળવે છે તથા ગુરુ પાસે પ્રભુનો મંત્ર ગ્રહણ કરી ગુરુ સેવાથી મોક્ષ થાય છે. સર્વથી મહાન પિતા છે. તેથી સોગણા માતા મહાન છે. તેથી મંત્ર આપનારા ગુરુ મહાન છે. તે સર્વથી જ્ઞાન આપનારા મોક્ષ આપનારા ગુરુ સાક્ષાત નારાયણ છે. ગુરુમાં સર્વ દેવો વાસ કરે છે. ગુરુ પ્રસન્ન થવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. ગુરુચરણ ધોઇ પીવાથી સર્વ પાપ રહિત થવાય છે.

જ્ઞાનભક્તિથી રહિત હોય એવા ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ ન કરવો. પૂર્વે ધર્મવ્યાધની પુત્રી માતંગ બ્રાહ્મણીને આપી. પુત્રીને તેની સાસુએ હિંસક પુત્રી, અપવિત્ર એવા અનેક તિરસ્કાર વચનો કહ્યા. પુત્રીએ પિતાને ત્યાં આવી કહ્યું, મારી સાસુ મને અપવિત્ર અધર્મી કહે છે. પિતા ધર્મવ્યાધ જમાઇને ત્યાં ગયો. જમવાનું આપ્યું. ત્યાં ધર્મવ્યાધ કહે, પ્રભુને ધર્યા વિના હું જમતો નથી. અને આવું અપવિત્ર ભોજન કેમ બનાવ્યું. પ્રભુને અર્પણ કર્યા વિનાનું અન્ન માંસ તુલ્ય છે. તમને પવિત્ર બ્રાહ્મણ જાણીને મેં મારી પુત્રી આપી છે. પાપનું ખાઈને નરકમાં જવા માટે નહીં. હું અને મારી પુત્રી સ્નાનપૂજા કર્યા વિના પ્રભુને નૈવેધ ધર્યા વિના ભોજન કરતા નથી. અમે જાતિથી શુદ્ર છીએ પણ કર્મથી શુદ્ર નથી. તમે જાતિથી બ્રાહ્મણ છો પણ કર્મથી શુદ્ર છો. તેથી મારી પુત્રી તમારે ત્યાં નહીં મોકલું. એમ કહી ધર્મવ્યાધ પોતાને ઘરે ગયો. પછી પિતા-પુત્રી પ્રભુનું ભજન કરી અંતે ધામમાં ગયા.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શુભ-અશુભ કર્મ ભોગવ્યા વિના ક્ષય થતો નથી. પરંતુ પુણ્યના બળથી પાપથી રક્ષણ થાય છે અથવા ભગવાનની ભક્તિ કરવાથી પાપ નષ્ટ થાય છે. અથવા કરેલા સર્વ કર્મ પ્રભુને અર્પણ કરવાથી નિષ્પાપ થવાય છે. અથવા જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મને બાળે છે. જીવાત્મા કર્મને આધિન થઈ ઉચ્ચ-નીચ દેહને પામે છે. ફરી પાપકર્મ કરે છે અને ફરી નરકચોરાશીમાં ભમે છે. ગાય બ્રાહ્મણની હત્યા કરનારો ચંડાલ અંધ મ્લેચ્છ અને વિષ્ટાના કીડા થાય છે. સ્ત્રી હત્યારો રોગી-દરીદ્ર થાય, ગર્ભ-મનુષ્ય હત્યા કરનારો, કૂતરો, મગર, હાથી અને ભીલ થાય છે. કુકડાને મારનારો કુકડો થાય છે. બિલાડાને મારનારો બિલાડો છે. સર્પને મારનાર સર્પ થાય છે. જીવજંતુ મારનારા જંતુ થાય છે. ખોટી-સાક્ષી કૃતઘ્ની, વિશ્વાસઘાતી મરીને ગીધ થાય છે. વસ્ત્ર-રસ-દ્રવ્ય-રૂપિયા- મોતીની ચોરી કરનારો દરિદ્ર કોઢિયો થાય છે. નદી, તળાવ, કુવા, વાવ ભાંગનારો, પાણી નાશ કરનારો કાચબો, માછલો, મગર થાય છે. જેની ચોરી કરે તે દેહને ધારણ કરવો પડે છે. કન્યા વિક્રયથી વ્યાઘ્ર થાય છે. કલંક આપનારો ધોબી થાય. મલીન મંત્ર, અભિચાર કરનારો પ્રેત થાય છે.