ભાગ · અધ્યાય ૫૬૪

ગૃહસ્થો કેવા કર્મો કરવાથી ભુક્તિ, મુક્તિ અને ધામને પામે ?

શ્રી લક્ષ્મીએ પૂછ્યું : ગૃહસ્થો કેવા કર્મો કરવાથી ભુક્તિ અને મુક્તિ પામે ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વે માયાના દોષથી મુક્ત જો મારામાં મન રાખે અને અહંતા, મમતા તજી સર્વ મને અર્પણ કરે તથા આઠમ, બારસ, ચૌદશ, અમાસ વ્રત્તને દિવસે મૈથુનનો ત્યાગ કરે અને રાગદ્વેષથી રહિત મારામાં ભક્તિવાળો મારી પૂજા કરી મારા ધામને પામે છે.

શ્રીલક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ તમારી પૂજા ક્યારે કેવી રીતે કરવી ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દાનથી કે યજ્ઞથી હું પ્રસન્ન થતો નથી. હું તો પ્રેમભક્તિથી વશ થાઉં છું. જે નરનારી બીજે ક્યાંય પણ ચિત્ત નહીં રાખીને રાત્રે, દિવસે મને સંભારે છે. સવારે, બપોરે, સાંજે, અર્ધરાત્રિએ પણ જે મારામાં ચિતને રાખે છે તેથી હું સંતોષ પામું છું. જમવામાં, પ્રવૃત્તિમાં, સૂવામાં, બેસવામાં, સર્વક્રિયામાં, મને સાથે રાખે છે તે ભક્ત મારી સાથે છે અને હું તે ભક્ત સાથે છું. એવો મારો ભક્ત જે માંગે તે હું આપું છું. જલાહાર, રસાહાર, અન્નાહાર, ફલાહાર સર્વ મને અર્પણ કરીને જમનારો મારી ભક્તિ પરાયણ, ધર્મ, કર્મ કરનારો, શાસ્ત્રને અનુસારે ચાલનારો, જીતેન્દ્રીય એવો મારો ભક્ત મારા ધામને પામીને મારા ભોગને ભોગવે છે. આવું બ્રહ્મ કર્મ કરનારો બ્રાહ્મણ પણ મને પામે છે. દાનમાં શુરવીર ક્ષત્રિય ભક્ત મને પામે છે. લાભ-અલાભમાં સમાન માનનારો વૈશ્ય ભક્ત પણ મને પામે છે. ગુરુ પૂજન કરતા દંપતી, ભક્તો પણ મને પામે છે. એ રીતે મારે માટે જ નિષ્કામ કર્મ કરતા ગૃહસ્થો ભક્તિ મુક્તિ પામે છે.