તપના પ્રકારોનું જ્ઞાન
લક્ષ્મી પૂછે : હે પ્રભુ હે જગતગુરુ, કાર્તિક સ્વામીએ તપ કરીને ભગવાનને રાજી કર્યાના તપના પ્રકાર કેટલા છે. શ્રીનારાયણ કહે, લક્ષ્મી તપ, ધર્મ, યજ્ઞ, ધન, પુણ્યવ્રત, નિયમો આ બધા યુગ પ્રમાણે જ ફરતા રહે છે. મુખ્ય તપ બે પ્રકારના છે. એક તપ બહાર શરીરનું છે. બીજું તપ અંદર ઇન્દ્રિયો અંત:કરણનું છે. વ્રત, નિયમ, ઉપવાસ કરીને શરીર દુર્બળ કરવું તે બહારનું તપ છે. નેત્રથી ભગવાન સંત ભક્તો વિના કોઇના દર્શન ન કરવા તે નેત્રનું તપ છે. કાનથી ભગવાન સંતભક્તોની કથા વિના જગતના શબ્દો ન સાંભળવા તે કાનનું તપ છે. જીભથી ભગવાન સંતભક્તોના ગુણગાન ગાવા, મહાપ્રસાદ લેવા તે જીભનું તપ છે. નાસિકાથી ભગવાન સંતભક્તોને ધરાવ્યા જે પુષ્પો તેની જ સુગંધ લેવા તે નાસિકાનું તપ કહ્યું છે. તે જ રીતે હાથથી, પગથી ભગવાન મંદિર સંતભક્તોની જ સેવા કરવી તે હાથ-પગનું તપ છે. તેવી જ રીતે મનમાં ભગવાનનો નિશ્ચય, લીલા ચરિત્રો તેનું જ મનન કરવું તે મનનું તપ છે. હું પ્રભુનો, પ્રભુના ભક્તોનો દાસ છું. તે અહંનું તપ છે. બુદ્ધિથી ભગવાનના સ્વરૂપો જાણવા તે બુદ્ધિનું તપ છે.