શ્વેતદ્વિપમાં રહેલા ત્રીજા વૈકુંઠધામનું વર્ણન
શંકર કહે : સતી, હવે હું તમને શ્વેતદ્વિપની ત્રીજા વૈકુંઠની કથા કહું. ક્ષીર સમુદ્રને કાંઠે તે વૈકુંઠધામમાં સનકાદીક મુનિઓ અનેક યોગીઓ પંચશીખ વગેરે બ્રહ્માના માનસ પુત્રો અનેક ઋષિઓ નિરન્નમુક્તો, તપસ્વીઓ વાસ કરે છે. તેમાં કેટલાક પાણી પીનારા, કેટલાક એકવાર જમતાં ફળફૂલ ખાનારા, મૂળકંદ ખાનારા, પાંદડા ખાનારા, વાયુના આહારવાળા, સૂર્યકિરણનું પાન કરનારા, વલ્કલ ધારણ કરનારા, દિગંબર રહેનારા, તિલક- ચાંલ્લો, કંઠી-માળા ધારણ કરનારા, સર્વે વૈરાગ્યવાળા રાગદ્વેષથી રહિત શ્રીહરિની ભક્તિપરાયણ રહેનારા તે નિરન્નમુક્તો અનેક શોભાથી યુક્ત ઐરાવતી નગરીમાં રહેલા સુવર્ણના સિંહાસન પર બેઠેલા ચતુર્ભુજ નારાયણનું પૂજન કરી નવધાભક્તિ કરે છે. તેની ડાબી બાજુ લક્ષ્મી બાર વર્ષની અવસ્થાવાળા તેજસ્વી બેઠેલા છે. તેની સેવામાં અનંતદાસીઓ રહેલી છે. ત્યાંના ભક્તો મુક્તો, દાસ-દાસીઓ પણ માયાના વિકારે રહિત છે. ત્યાંના વાસીઓ મહાવિષ્ણુની ઉપાસના કરે છે.