ભાગ · અધ્યાય ૫૧૯

લોમશ ઋષિ દ્વારા ઇન્દ્રધુમ્ન રાજાને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા

ઇન્દ્રદ્યુમ્ન રાજાએ લોમશઋષિને પૂછ્યું : હે રાજા, આત્મશાંતિ કેમ થાય ? લોમશઋષિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરી કહે, અતિ તેજસ્વી બ્રહ્મધામ પરમધામના મુક્તોથી સેવાયેલા યુવાન દિવ્ય અલૌકિક સુવર્ણ જેવા ચળકતા એવા શ્રીહરિનું ધ્યાન કર તે શ્રીહરિ સર્વના સ્વામી અંતર્યામી બે ભૂજાવાળા છે. પૂર્ણ ચંદ્રમુખવાળા, કમળપત્રસમાન નેત્રવાળા, નમણિ નાશિકા, કેશર, ચંદન, તિલક, કુંકુમના ચાંદલાથી શોભતા ભાલમાં લાંબી રેખાથી શોભતા, સોનાના મુગુટ કુંડળથી શોભતા, શંખના જેવી ડોકવાળા, શ્રીવત્સના ચિહ્નવાળા, સર્પની ફેણસમાન ભૂજાવાળા, વસ્ત્ર અલંકારોથી શોભતા એવા શ્રીહરિનું ધ્યાન કરવાથી આત્માને શાશ્વત શાંતી મળે છે. શ્રીહરિનાધામનું ઐશ્વર્યનું વિભૂતિનું ચિંતવન કરવું તથા પ્રભુના પત્નીઓ રાધા, લક્ષ્મી, રમા, માણિકી, પદ્મા, પ્રભા, પાર્વતી, જયા, લલીતાનું ધ્યાન કરી અશ્વપટ સરોવર, કુંકુમવાપીના ઇશ્વર જગતના કારણ શ્રીકૃષ્ણવલ્લભનાથનું સ્મરણ કરી નૈવેધ ધરાવવું. ધુપ-દીપ, આરતી કરી, દંડવત્, પ્રદક્ષિણા, સ્તુતિ કરી, પ્રભુને આત્મા અર્પણ કરી, સર્વોપણ ભક્તિ કરવી. કામ, ક્રોધ, લોભ શ્રીહરિ માટે. સુખ, સ્નેહ, મોહ સર્વે શ્રીહરિ માટે. દાન, દયા, દમન, દોષ શ્રીહરિ માટે. વહાણ જેમ પથ્થર તારે છે, તેમ શ્રીહરિ દોષવાળા ભક્તને તારે છે. જે શ્રીહરિ માટે વેદ સ્તુતિ કરે છે. ચતુર્મુખ બ્રહ્મા શેષ શંકર સર્વે જેની સ્તુતિ કરે છે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું તું ભજન કર. ઇન્દ્રદ્યુમ્ન રાજા આ પરથી પર જ્ઞાન તને આપ્યું. તેથી મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા રાજ્યનો ત્યાગ કર. પુણ્ય આપનારા યજ્ઞોનો પણ ત્યાગ કર.

કોણ કોનો પુત્ર ? કોણ કોનો પિતા ? સર્વ કર્મથી ભરેલો સંસાર છે. સર્વે કર્મથી ભેળા થાય છે. કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર થાય છે. કર્મથી સ્ત્રી-પુરુષ થાય છે. કર્મથી પશુ-પક્ષી, જીવ-જંતુ, કટી પતંગ વૃક્ષવેલી સર્વે થાય છે. પ્રજા ભૂમિદાન સંપત્તિનો વિયોગ મૂઢને મરણથી અધીક થાય છે. વિદ્વાનને મોહ થતો નથી. તેનું દુ:ખ પણ નથી, માટે પૃથ્વી આદિ બ્રહ્માંડોના આધાર વૈરાટ મહાવિષ્ણુ અને ભૂમાપુરૂષ જેને ભજે છે, તે પરબ્રહ્મ પુરૂષોત્તમનારાયણ કંભરાનંદન શ્રીકૃષ્ણનારાયણનું ભજન કર. તે પ્રભુ ગોલોકથી પર, અક્ષરધામથી પણ પર પરમધામમાં વિરાજેલા હરિકૃષ્ણનું ભજન કર. તે પ્રભુ ગોલોકમાં રાધા-કૃષ્ણ છે. વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ છે. કૈલાશમાં શંકરરૂપે, સત્ય પરબ્રહ્મરૂપે, અગ્નિરૂપે, યમરૂપે, મહાકાળરૂપે, કામદેવરૂપે, ઇન્દ્રરૂપે, ઇશાનરૂપે, કુબેરરૂપે, સુવર્ણરૂપે, કૌસ્તુભમણિરૂપે, તુલસીરૂપે, ફળરૂપે, સર્વ ઋતુ માસરૂપે, રવિવારરૂપે, એકાદશી માતારૂપે, અમૃતરૂપે, ઘીરૂપે, કામધેનુરૂપે, ગંગારૂપે, તીર્થરૂપે, વાણીરૂપે, મંત્રરૂપે, ગુરુરૂપે અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વમાં રહેલા છે.