ભાગ · અધ્યાય ૫૨૦

વેદમાતા સાવિત્રી દ્વારા નારદને વેદનું જ્ઞાન - નારદ દ્વારા પ્રભુની સ્તુતિ

લોમશઋષિ ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહે : એકવાર નારદ શ્રીકૃષ્ણનારાયણનો જપ કરતા બદ્રીકાશ્રમમાં નરનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા. ત્યાં પ્રિયવ્રત રાજા હતો. તેને નારદને પગે લાગી પૂછ્યું, વર્તમાન યુગમાં તમે શું જોયુ ? નારદ કહે, શ્વેતદ્વીપમાં મેં એક કુમારીને પૂછ્યું, તું કોણ છો ? ત્યાં કુમારીના હૃદયમાં પુરૂષ દેખાયો. તે પુરૂષના હૃદયમાં બીજો પુરૂષ દેખાયો. તેમાં ત્રીજો પુરૂષ દેખાયો. નારદે પૂછ્યું કોણ છે ? કુમારી કહે, હું બ્રહ્માની પત્ની વેદમાતા સાવિત્રી છું અને ગાયત્રી છુ. મારામાં રહેલો ઋગ્વેદ નામે વેદનારાયણ છે. તેનું નામ લેવાથી અગ્નિની જેમ પાપને બાળે છે. તેના હૃદયમાં રહેલો યજુર્વેદરૂપે બ્રહ્મા છે. તેના હૃદયમાં રહેલો સામવેદરૂપ મહા ભાગવત ભક્ત શંકર છે. તે સૂર્ય સમાન છે. પાપને બાળે છે.

જે વેદ અને ગાયત્રીને નથી જાણતો તે વિપ્રને વેદનું જ્ઞાન થતું નથી. જન્મ આપનારી માતા સાવિત્રી અને ગાયત્રી સમાન છે. તે માતા-પિતાની જે સેવા નથી કરતો, જે માતૃપૂજન નથી કરતો તે જડ અને મુર્ખ કહેવાય છે. એમ કહી વેદમાતા સાવિત્રીએ નારદને વેદનું જ્ઞાન આપ્યું. પછી નારદ અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપીક્ષેત્ર આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણની આરાધના કરી. ત્યારે અનંત લક્ષ્મીઓ, અનંત બ્રહ્મપત્નીઓના પતિ પર પુરૂષોતમનારાયણ કંભરાગોપાલ બાલપ્રભુએ પ્રત્યક્ષ દર્શન આપ્યા નારદે સ્તુતિ કરી કે, અનંત એશ્વર્યવાળા ધોળા, પીળા, લાલ, કાળા રૂપને ધારણ કરનારા શૂલ, મિન, ધ્વજ, ધનુષ્ય, ચક્ર, સ્વસ્તિકના ચિહ્નવાળા સત્પુરૂષોના પતિ મારા પર પ્રસન્ન થાવ. નારદની સ્તુતિથી પ્રસન્ન થયેલા પ્રગટ પ્રભુ કહે, વર માંગો. નારદ કહે, પ્રભુ મારો મોક્ષ કરો.

અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : મારી આજ્ઞાથી પ્રવૃત્તિ માર્ગમાં રહે તો પણ મોક્ષમાં રહેલો છે અને મારી આજ્ઞામાં ન હોય તો નિવૃત્તી માર્ગમાં હોય તો પણ બંધનમાં રહેલો છે. નાર-જ્ઞાન, દ-આપવું. આત્મા-પરમાત્માનું જ્ઞાન આપે તે નારદ કહેવાય. આ રીતે લોમશઋષિએ ઇન્દ્રદ્યુમ્ન રાજાને નારદનું વૃતાંત કહીને પ્રત્યક્ષ પુરૂષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પરાભક્તિ અને જ્ઞાન કહ્યું. તે સાંભળી રાજા અતિ તૃપ્તિ પામ્યો.