ભાગ · અધ્યાય ૫૧૨

રાજકન્યા રત્નવતી અને વિપ્રકન્યા છાંદોગ્ય શ્રીહરિને પતિભાવે વરી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચમત્કારપુરના રાજાની કન્યા રત્નવતી અને તેના પુરોહીતની કન્યા છાંદોગ્ય બન્ને સખીઓ પૂર્વની ભક્તિ સંસ્કારવાળી હતી. સાથે રહેવું, ખાવું, પીવું, સુવું, ફરવું સર્વ ધર્મક્રિયા સાથે શિવ-પાર્વતીની ભક્તિ કરી શિવ પાસેથી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્રનો જપ કરીને સિધ્ધિને પ્રાપ્ત થઇ હતી. રાજાએ પુરોહિતે રાજાના કુંવર સાથે રાજકન્યાનું અને પુરોહિતના પુત્ર સાથે વિપ્ર કન્યાનું સગપણ કર્યું. બન્ને કન્યાઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી મનથી પ્રભુને વરી હતી તેથી કોઇ મનુષ્ય સાથે લગ્ન ન કરવાની ઈચ્છા છતા રાજાએ અને પુરોહીતે પરાણે સગપણ કર્યું. બન્ને વર પરણવા આવ્યા તે સમયે રાજ કન્યાએ સિંહણનુંરૂપ લીધું અને વિપ્ર કન્યાએ વાઘનું રૂપ લીધું. તે જોઇને મંડપમાં રહેલા સર્વજનો નાસી ગયા. ગામમાં હાહાકાર થયો. પછી અતિ તેજસ્વી બન્ને કન્યાના રૂપ જોઇને માતા-પિતાએ પાર્વતી સ્વરૂપ માની પૂજા કરી. ગામના સર્વને ખબર પડી તે સર્વે એ આવી બન્ને દેવીઓની પૂજા કરી. પછી તે બન્ને સખીઓએ હાટકેશ્વર તીર્થમાં જઇને પ્રભુને પ્રાર્થના કરી કે, હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ તમને અમે પતિ ભાવે વર્યા છીએ. માટે તમે આવી અમને ધામમાં લઇ જાવ. રાજકન્યા અને વિપ્રકન્યાની આવી પ્રાર્થના સાંભળી. બન્ને કન્યાના માતા-પિતા કહે, પુત્રીઓ તમને યોગ્ય વર ગોતી આપીશું. પછી પ્રભુનું ભજન સુખેથી કરજો.

બન્ને કન્યાઓ કહે, માતા અમે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ વિના કોઇને પતિ કરવાની નથી. જો તમે પરાણે લગ્ન કરશો તો અમે યોગ અગ્નિથી દેહ ત્યાગ કરીને પ્રભુ પાસે જશુ માટે અમને જપ, તપ, ધ્યાન, ભજન, ભક્તિ કરવા દો અને તમે પણ પ્રભુનું સ્મરણ કરો. જેણે પોતાના સર્વકામ પ્રભુ લેખે કર્યા, જેણે પોતાનું કુટુંબ ભગવાનની સેવામાં રાખ્યું તેનો પ્રભુ ઉધ્ધાર કરે છે. તે માતા-પિતા છે જે ભગવાનનું ભજન કરાવે, તે ભાઇ-બહેન છે જે કૃષ્ણનું સ્મરણ કરાવે, તે ગુરુ છે જે ભગવાન ઓળખાવે, તે મિત્ર છે જે પ્રભુ બતાવે. એ રીતે બન્ને કન્યાઓએ સદ્ઉપદેશ આપી માતા-પિતાને પ્રભુના ભક્ત બનાવ્યા પછી કન્યાઓએ સો વર્ષ તપ કર્યું. ત્યારે પ્રભુએ પ્રસન્ન થઇ દિવ્યરૂપ ધારણ કરી અને માતા-પિતાએ કરેલા યજ્ઞમાં પ્રભુ ગરૂડ પર બેસી આવી રાજકન્યા અને વિપ્ર કન્યાને ગરૂડ પર બેસારીને ગોલોક ધામમાં લઇ ગયા. ત્યારથી નાગમતી નદીમાં રત્નસર નામે તીર્થ થયેલું છે. તેમાં સ્નાન કરવાથી મોક્ષ થાય છે.