હરિપંચક વ્રતવિધિ - શ્રાવણ, ભાદરવો, આસોમાં ઉપવાસ ફળ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારીઓને સુખ આપનારું હરિપંચક વ્રતનો વિધિ કહું. માગશર સુદ દશમે એકટાણું કરી એકાદશીએ બ્રાહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરીને, પંચામૃતથી શ્રીહરિને સ્નાન કરાવીને, વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવીને, અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, કેશર, ચંદન, તુલસી, પુષ્પથી પૂજા કરી, ધૂપ-દીપ કરી, નૈવેદ્ય મુખવાસ ધરી, આરતી ઉતારી, દંડવત્, પ્રણામ, સ્તુતિ કરી, પ્રભુ પાસે પ્રાર્થના કરવી. હે સ્વામિ, આજથી હરિપંચક વ્રતનો આરંભ કરું છું. પૂર્ણ કરજો. એકાદશીથી પૂનમ સુધી નિરાહાર રહીને આ વ્રત થાય છે. આ રીતે દર મહિને વ્રત કરીને, એક વર્ષ થાય ત્યારે ઉદ્યાપન કરાવવું. સાધુ-બ્રાહ્મણોને ભોજન કરાવી, દાન આપવા.
શ્રાવણ, ભાદરવો, આસો માસમાં એક માસના ઉપવાસ કરવાથી રાજસૂયયજ્ઞનું ફળ થાય. બે માસ ઉપવાસથી બે ગણુ ફળ થાય, 3 માસ ઉપવાસથી ચાર ગણુ ફળ થાય, 4 માસ ઉપવાસથી અગ્નિષ્યેમ યજ્ઞનું ફળ થાય, પ માસ ઉપવાસ અતિ અગ્નિષ્ટોમ ફળ થાય, 6 માસ ઉપવાસથી જ્યોતિષ્ટોમ ફળ થાય, 7 માસ ઉપવાસથી વાજીમેર્ઘ યજ્ઞ ફળ થાય, 8 માસ ઉપવાસથી નરમેઘ યજ્ઞ ફળ થાય, 9 માસ ઉપવાસથી ગોમેઘ આઠ યજ્ઞનું ફળ થાય, 10 માસ ઉપવાસથી, બ્રહ્મમેઘ યજ્ઞનું ફળ થાય. 11 માસ ઉપવાસ કરે તો સારુપ્ય મુક્તિ પામે, 1ર માસ ઉપવાસ કરે તો સાલોક્ય સૃષ્ટિ સારૂપ્ય સામીપ્ય, આ પ્રકારની મુક્તિ પામી જીવાત્મા શ્રીહરિના પરમધામમાં વાસ કરે છે તેને ફરી જન્મ લેવો પડતો નથી. ગંગાસમાન તીર્થ નથી. માતાસમાન ગુરુ નથી. વિષ્ણુસમાન દેવ નથી. અન્નદાન સમાન તપ નથી. ક્ષમા, સમાન માતા નથી. કીર્તીસમાન દાન નથી. જ્ઞાનસમાન લાભ નથી. ધર્મસમાન પિતા નથી. વિવેકસમાન ભાઇ નથી. એકાદશીસમાન વ્રત નથી. બ્રહ્મસમાન પાત્ર નથી. પત્નિસમાન પ્રિય નથી. સાધુસમાન નૌકા નથી. હરિપંચક સમાન વ્રત નથી. આ વ્રતની કથા કોઇ વાંચશે, સાંભળશે તે પણ મોક્ષ મેળવશે.