ભગવાન વરાહ દ્વારા હિરણ્યાક્ષ વધ
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, સો વર્ષ સુધી બંને માતાના ગર્ભમાં રહી જન્મ્યા. હિરણ્યકશિપુ મોટો. હિરણ્યાક્ષ નાનો. બંને પર્વત જેવા આઠ આવરણમાં ફરનારા સૂર્ય-ચંદ્ર વરૂણ યમ-કુબેર સર્વેને જીતી વશ કરીને ત્રિલોકીના રાજા થયા. એક વખત તે મેરુપર્વત જેવું મોટું સ્વરૂપ કરી હજાર હાથથી આ પૃથ્વી આખી ઉપાડીને પાતાળમાં લઇ ગયો ત્યારે દેવ-મનુષ્યો, ઋષિ-મુનિઓમાં હાહાકાર થયો. સર્વ દેવો શ્રીહરિને શરણે ગયા, પ્રભુ રક્ષણ કરો. તમારા વિના અમારું બીજું કોઇ રક્ષણ કરનાર નથી. ત્યારે સર્વે દેવોને વિશ્વાસ આપી બ્રહ્માંડમાં વ્યાપી જાય એવું વરાહ સ્વરૂપ ધારણ કરી, મહાજળમાં પ્રવેશ કરી સો વર્ષ સુધી ગદાથી હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરી તેનો નાશ કરી પોતાના દાંત ઉપર પૃથ્વી મૂકી ઉપર આવ્યા. દેવોએ, બ્રહ્માએ, ઋષિ-મુનિઓએ પૂજા કરી, સ્તુતિ કરી : “નમો વરાહાય સ્વરૂપાય નમો નમ:” વરાહ પ્રભુએ પૃથ્વી બ્રહ્માને સોંપી.