ભાગ · અધ્યાય ૫૨૯

અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતિએ સર્વે કુંકુમવાપી પધાર્યા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતિ આસો વદ આઠમે રૈવતાચલના વાસી સર્વઋષિ-મુનિઓ અશ્વપટસરોવર, કુંકુમવાપી ક્ષેત્ર લોમશ આશ્રમે આવ્યા. લોમશઋષિએ સર્વનો સત્કાર કરી આસન આપ્યા. ત્યાં તેજસ્વી બ્રહ્માના પુત્ર સનાતનઋષિ આવ્યા. સર્વેને નમસ્કાર કર્યા. સનાતન ઋષિએ આશિર્વાદ આપી કહ્યું, અત્યારે પ્રત્યક્ષ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણની કૃપાથી સર્વે ઋષિમુનિઓને કુશલ વર્તે છે. સર્વે શ્રીહરિને લઇને કુશલ છે. ત્યાં સર્વ દેવો-દેવીઓ સાથે ત્યાં આવ્યા. પ્રભુએ સર્વનું સન્માન કર્યું. સર્વએ પ્રભુની પૂજા કરી. આસને બેઠા પછી સનત ઋષિ સભામાં બોલ્યા કે, હું પરમધામમાં ગયો પણ ત્યાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણને ન જોયા. ત્યાંથી ગોલોકમા ગયો, ત્યાં શ્રીકૃષ્ણને ન જોયા, ત્યાંથી વૈકુંઠમાં ગયો ત્યાં પણ લક્ષ્મીનારાયણને ન જોયા. ત્યાંથી ક્ષીરસમુદ્રમાં ગયો ત્યાં રમા નારાયણને ન જોયા પણ અનેક યોજન મોટો કાચબો જોયો. તેને મેં કહ્યું, તને ધન્ય છે કે તું પ્રભુ પાસે રહે છે.

કાચબો કહે, મારા જેવા ક્ષીર સમુદ્રમાં ઘણા રહે છે. માટે ક્ષીર સમુદ્રને ધન્ય છે. સમુદ્ર કહે, ધન્યવાદને પાત્ર પૃથ્વી છે. અમારા જેવા સાત સમુદ્રો પૃથ્વીમાં રહે છે. પૃથ્વી કહે, ધન્યવાદને પાત્ર શેષનારાયણ છે. જેની ફેણ ઉપર આવા અનેક બ્રહ્માંડો રહેલા છે. બ્રહ્માંડરૂપે રહેલી પૃથ્વી કહે ધન્યવાદને પાત્ર જળ, તેજ, વાયુ અને આકાશ છે. આકાશ કહે, ધન્યવાદને પાત્ર ચીદાકાશ છે. તેમાં આવા અનંત બ્રહ્માંડો રહેલા છે. ચીદાકાશ કહે, ધન્યવાદને પાત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છે જેના એક રોમના કિરણથી સર્વે ધામો અવતારો વાસુદેવાદિ, ચર્તુવ્યુહ, બ્રહ્માંડો સર્વે તેજોયમાન થયેલા છે. તે પરમધામમાં મુક્તોને પૂછ્યું પુરુષોત્તમ નારાયણ પ્રભુ ક્યા ? મુક્તો કહે, પ્રભુ પૃથ્વી પર પ્રગટ થયા છે. પછી મેં યોગદૃષ્ટિથી જાણી અને આ ક્ષેત્ર કુંકુમવાપી અશ્વપટ સરોવર આવ્યો. ત્યાં પ્રગટ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી અતિ આનંદ અનુભવ્યો. માટે હે ઋષિ-મુનિઓ, સર્વથી ધન્યવાદને પાત્ર આ અત્યારે પ્રગટ થયેલા કંભરાગોપાલ પુત્ર અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે જ છે. તેના દિવ્ય અલૌકિક દર્શન કરવાથી સર્વે ધન્યવાદને પાત્ર થાય છે.

એવી રીતે સભામાં વાત કરી સનત ઋષિ પ્રગટપ્રભુની સ્તુતિ કરવા લાગ્યા કે, મુક્તોના પતિ સ્વામીને વલ્લભને નમો નમ:, અવતારોને ધારણ કરનારા, રાધા લક્ષ્મીના પતિ, જયા લલીતાના પતિ, વૃંદા તુલસી પ્રભા પાર્વતીના પતિ, મંજુલા કમલા, હંસા, પદ્માના પતિ તમને નમો નમ:, સુવર્ણના વસ્ત્રઅલંકારને ધારણ કરનારા, અસુરોનો નાશ કરી ભક્તોનું રક્ષણ કરનારા, ભક્તોએ ઈચ્છેલું આપનારા તમને નમસ્કાર. અશ્વપટ સરોવરને ધન્ય છે. કુંકુમવાપીને ધન્ય છે. લોમશમૂનિને ધન્ય છે. ત્યાંના પશુ-પક્ષી, વૃક્ષ, વેલ, ફળ, ફૂલને ધન્ય છે. જ્યાં તમે પુરુષોત્તમ નારાયણ નિવાસ કરો છો. એ રીતે સ્તુતિ કરી કરોડો, દેવો, દેવીઓ, ઋષિ-મુનિઓએ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી, આરતી કરી. નૈવેધ ધરી સર્વેએ પ્રસાદ ગ્રહણ કર્યો. ચરણામૃત પીધું. શુભ આશિર્વાદ લઇને સર્વે પોતાના સ્થાનમાં ગયા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું આ સ્તવન ઐશ્વર્ય સુખ આપનાર મોક્ષ આપનારૂ છે. આ અધ્યાય વાંચશે, સાંભળશે તે સર્વે સિદ્ધિને પ્રાપ્ત કરશે. સર્વે બંધનથી મુક્ત થઈ પરમપદનો અધીકારી થશે.