ભાગ · અધ્યાય ૫૨૬

પરમધામ વર્ણન ❖ શુભ સ્વપ્નફળ જ્ઞાન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર આવપ્યઋષિ રૈવતાચળની પ્રદક્ષિણા કરી શિવરાત્રિમાં લોમશ ક્ષેત્રમાં આવી દર્શન કરી રાત્રે સુતા ત્યાં સ્વપ્નમાં વિમાનમાં બેસી સત્યલોકમાં ગયા. ત્યાંથી વિષ્ણુલોકમાં, ત્યાંથી કૈલાશમાં, ત્યાંથી વૈકુંઠમાં, ત્યાંથી ગોલોકમાં, ત્યાંથી અક્ષરધામમાં ગયા પછી પરમધામમાં અનંત મુક્તોથી સેવાયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કર્યાં. પ્રભુએ પૂછ્યું, સર્વેલોકમાં તમે શું જોયું ? ઋષિ કહે, અહીં જે દર્શન સુખ શાંતિ અને સેવાનું સામ્રાજ્ય છે. તે ક્યાંય નથી. અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ અને કૈલાશ આ ચાર ધામમાં પ્રભુના ભક્તોને સેવા અંતે સ્મરણનો દિવ્ય આનંદ છે. તે વિના સર્વલોકમાં ભોગભૂમિ છે. પ્રભુના પરમધામમાં મૂર્તિનો આત્માનંદ છે. ગોલોકમાં દાસ્યભાવનો આનંદ છે. વૈકુંઠમાં સખી ભાવનો આનંદ છે. અક્ષરધામમાં સેવાનો આનંદ પૂજાનો આનંદ વિશેષ છે, સત્યલોકમાં બીજા સ્વર્ગ આદિલોકમાં પણ આનંદ છે.

હે પ્રભુ, તમે અક્ષર પરમધામમાં છો. ગોલોક વૈકુંઠમાં પણ તમે છો. કૈલાશમાં પણ તમે શિવ રૂપ છો. તમારી શક્તિ સર્વત્ર વ્યાપી રહી છે. તે પાર્વતી લક્ષ્મી છે. જયા લક્ષ્મી લલીતા છે. રમા માધવી છે. રાધા માણિકી છે. પ્રભા પાર્વતી છે. શક્તિ મુક્તા છે. પ્રભુ તમારી શક્તિ અને ભક્તિનો પાર આવે તેમ નથી. પ્રભુ અનેક જન્મોના પુણ્યોથી પણ તમારું દર્શન ન થાય પણ આજે તમારી કૃપા મને તમારું દર્શન થયું. ત્યાં આવપ્યઋષિની નિંદ્રા ગઇ અને જાગ્યા. ત્યાં પ્રત્યક્ષ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ સામે દેખાયા. ઋષિ કહે, પ્રભુ આવુ સ્વપ્ન કેમ આવ્યું ? પ્રભુ કહે, હું અશ્વપટ સરોવર ક્ષેત્રમાં પ્રગટ થયો છું તેથી આવુ સ્વપ્ન આવ્યું. એમ કહી મંત્ર, કંઠી, માળા આપ્યા.

શ્રીહરિએ શુભ સ્વપ્નફળ જ્ઞાન કહ્યું. સારૂ સ્વપ્ન રાત્રિના પ્રથમ પ્રહરમાં આવે તો એક વર્ષમાં ફળ મળે છે. બીજા પ્રહરમાં સ્વપ્ન થાય તો આઠ માસે, ત્રીજા પ્રહરમાં સ્વપ્ન થાય તો ત્રણ માસે, સવારે સ્વપ્ન આવે તો તેનું ફળ તરત જ મળે છે. રોગી અને પાપીને દુષ્ટ સ્વપ્નનું સારૂ ફળ આવતું નથી. દિવસે સ્વપ્નનું ફળ નિષ્ફળ છે. સ્વપ્ન થાય પછી જાગીને સૂવું નહીં. સ્વપ્નની વાત રાત્રે કોઇને કરવી નહીં. સ્વપ્નમાં ગાય દર્શન, ઘોડા, હાથી પર બેસવું, મહેલ, પર્વત, વૃક્ષ પર ચડવું તે ધન આપનારૂ થાય છે. સ્વપ્નમાં ભોજન, રૂદન, સંગીત, વાડી, દેખાય તો ભૂમિ મળે. સ્વપ્નમાં અસ્ત્ર-શસ્ત્રથી ઘાયલ થાય, લોહી વિષ્ટાથી ખરડાય તો ધન પ્રાપ્ત થાય. સ્વપ્નમાં નગર પ્રવેશ, રક્ત, સમુદ્રમાં પ્રવેશ, અમૃત આવે તો ધન લાભ થાય. સ્વપ્નમાં હાથી, પોઠીયો, ગાય, રાજા, સોનુ, દીપ, અન્ન, ફળફૂલ, કન્યા, છત્ર, રથ દેખે તો કુટુંબમાં કીર્તિ મેળવે. સ્વપ્નમાં કમળપત્રમાં, દૂધપાક, મિષ્ટાન્ન, ઘી, દૂધ, માખણ, મધ ખાતા દેખે તો રાજા થાય. ઘોડી, કુકડી, સમડીને દેખે તો પત્ની લાભ થાય. સ્વપ્નમાં જેલમાં બંધાયેલો દેખે તો પુત્ર લાભ થાય. પાણીમાં વીંછી, સર્પને જોવે તો ધનપુત્ર લાભ થાય. સ્વપ્નમાં માથા પર મુગટ દેખે તો પ્રધાન થાય. દેવ, વિપ્ર, ગાય, માતા, પિતા, સાધુ, ગુરુ, પતિ-પત્ની, કન્યા, પતિવ્રતા રાજા સ્વપ્નમાં જે આવે તે વસ્તુ પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં હાથી સુંઢ મસ્તક પર મુકે તો આચાર્ય અથવા ગુરુ થાય. સ્વપ્નમાં આઠ વર્ષની કુમારી રત્ન અલંકારોથી શોભતી સ્વપ્નમાં પુસ્તક આપે તો કવિ-પંડિત થાય. સ્વપ્નમાં મુક્તો-મુક્તાણી, દેવ, ઇશ્વરોના દર્શન થાય તો મોક્ષમાં જાય. પ્રભુ કહે, ઋષિ આ સ્વપ્નનું જ્ઞાન કહ્યું. આવપ્ય ઋષિ કહે, પ્રભુ દશ કલ્પો થયા તિર્થોમાં ફરૂ છું પણ આ અશ્વપટ સરોવર તીર્થ, લોમશગુરુ અને તમે પ્રભુ મળ્યા એટલે મારો મોક્ષ થયો. પછી ઋષિ શ્રીહરિ સાથે વિમાનમાં બેસી ધામમાં ગયા.