બાર માસનાં વ્રત ઉત્સવ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બાર માસના વ્રત ઉત્સવ કહું છું. ચૈત્ર સુદ એકાદશીએ પુષ્પથી હીંડોળો શણગારી લક્ષ્મીનારાયણને ઝુલાવી આરતી કરવી. અષાઢી બીજે રથયાત્રાનો ઉત્સવ કરી કૃષ્ણનારાયણની આરતી કરવી. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ ત્રીજ સુધી હીંડોળા કરવા. શ્રાવણ માસમાં નવધા ભક્તિના નિયમો લેવા. ધનુર્માસમાં શ્રીહરિને અડદીયા, મગજ, રોટલો, દહીં માખણ ધરી, રીંગણાનો ઓળો વગેરે નૈવેદ્ય આપવા. શાસ્ત્રો અને કલમધારણ કરાવવા. મકરસંક્રાંતિએ તલના લાડુ શ્રીહરિને ધરી દાન આપવા. માઘ વસંતપંચમીથી ફાગણ પૂનમ સુધી હરિકૃષ્ણને શ્વેત વસ્ત્રો ધારણ કરાવી રંગ, ગુલાલથી ઉત્સવ કરવા. ચાર દિવસ કેસરિયા વાઘા લક્ષ્મીનારાયણને ધરાવવા. વૈશાખ ત્રીજથી એક માસ શ્રીહરિને કેશર, ચંદનના વાઘા ધરાવવા. અષાઢ સુદ છઠે કસુંબલ વાઘા ધરાવવા. માગશર બારસે શેષનારાયણની પૂજા કરવી. પોષ બારસે શ્રીહરિની પૂજા કરવી. માઘ બારસે માધવની પૂજા કરવી. ફાગણ બારસે ગોવિંદની પૂજા કરવી. ચૈત્ર બારસે વિષ્ણુ-કૃષ્ણની પૂજા કરવી. વૈશાખ બારસે મધુસૂદનની પૂજા કરવી. અષાઢ બારસે વામન પૂજા કરવી. શ્રાવણ બારસે શ્રીધરની પૂજા કરવી.
ભાદરવા બારસે ઋષિકેશની પૂજા કરવી. આશ્વિન બારસે પદ્મનાભની પૂજા કરવી. કાર્તિક બારસે દામોદરની પૂજા કરવી. એકાદશીએ સાત ધાન્યથી મંડળ પૂરીને વચમાં તાંબાનો ઘડો મૂકી, નાળિયેર પત્રો મુકી, થાળીમાં સોનાની, ચાંદીની, તાંબાની, લક્ષ્મીનારાયણની મૂર્તિ કરી, પંચામૃતથી સ્નાન કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી નૈવૈદ્ય ધરવું, આરતી ઉતારી વાજીંત્રો સાથે કીર્તન ઉત્સવો કરવા તથા જાગરણ કરવું. આવું ઉદ્યાપન કરનારો પોતાની એકવીશ પેઢીનો ઉધ્ધાર કરે છે. આ વ્રતની કથા વાંચશે તે શ્રીહરિના પરમપદને પામશે.